મહિનો: માર્ચ 2015

દોહરાયેંગે યેહી સબ, ઈન્સાનિયત હૈ મજહબ – અલતાફ પટેલ

મશ્વરા હૈ બડે ખુલુસકે સાથ,
બેકસીમેં કિસીકે કામ આઓ તુમ
ફરિશ્તા તો બન નહીં સકતે
કમસે કમ આદમી તો બન જાઓગે …..રાહબર

કોઈ માગે કે ન માગે, સલાહ આપવાનું ઘણા લોકોને ગમે છે. દીઠી ન હોય તેવી મીઠી પ્રસન્નતા સલાહ આપવાથી અનુભવાય છે. સારા લોકો હંમેશાં સારી સલાહ આપે છે. કોઈનું હિત જોખમાય નહીં તેવી પ્રેમાળ રીતે સલાહ આપીને ઘણા સત્કર્મ કરતા રહે છે. અજ્ઞાની પીછે પાની કર્યા વિના સજ્જનની સલાહને અનુસરે તો તાણ અનુભવ્યા વિના તેનું કલ્યાણ થઈ જાય છે. કોઈપણ જાતની ખોટ ખાધા વિના ચોટદાર સલાહ તેનું જીવન ધન્ય બનાવે તો બીજું જોઈએય શું ? એટલે જ એકબીજાની સલાહ  (મશ્વરા)ને સમજીને પગલું મૂકનાર લગભગ નાસીપાસ ન થતાં ઓછી મહેનતે સારી રીતે કસોટીમાં પાસ થઈ જાય છે. નિખાલસ (ખુલુસ) વ્યક્તિ યોગ્ય સલાહ આપવાનું કદી ટાળતી નથી. બસ, બીજાના કામમાં આવવું, નામ મળે કે ન મળે પણ પ્રેરક પયગામ પહોંચાડવાનું ચૂકવું નહિ.  સાચો જ્ઞાની પોતાના જ્ઞાનનો ઉપયોગ માત્ર પોતાના પૂરતો સીમિત રાખે જ નહિ, એ તો નિયમિત જ્ઞાન દાન કરીને જ જંપે. કોઈના દુ:ખદ પ્રસંગે (બેકસીમાં) આંગળી ચીંધ્યાનું પુણ્ય કાંઈ જેવું તેવું ન જ ગણાય. એનો પ્રભાવ જ એવો હોય છે કે તે કોઈપણ જાતનો ભેદભાવ રાખે નહિ. અરે, માણસ દેવદૂત (ફરિશ્તો) તો બની ના શકે; પણ સમાજમાં, દેશમાં એક આદર્શ મનુષ્ય બનીને ઉત્કર્ષનું શ્રેષ્ઠ ઉદાહરણ તો સ્થાપી શકે.

કૈસે હર પરેશાની, દિક્કતોંસે
બચતે હો તુમ
દિલ અપના ઈન્સાનિયતસે
પેશ કરતે હો તુમ
મઝહબ કી અસલી પહેચાન
યેહી તો હૈ અલતાફ
સીતમગર કીસ લીયે બનો,
જબકે ફરિશ્તે હો તુમ.

– અલતાફ પટેલ

[‘ગુજરાત સમાચાર’ (રવિપૂર્તિ તા.૨૨૦૩૧૫) તથા ‘દોબારા દોબારા’ કૉલમના લેખક જનાબ અલતાફ પટેલના સૌજન્ય અને સહમતીની અપેક્ષા સાથે અત્રે પ્રસિદ્ધ]

કેફિયત :
આ લેખના કર્તાની સહમતી મેળવવા માટે શક્ય તેટલા સ્રોતોએ પ્રયત્ન કરવા છતાં સફળતા મળી નથી. માનવીય ભાવનાઓને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે બિનધંધાકીય શરૂ કરવામાં આવેલા આ બ્લૉગમાં પ્રસિદ્ધ થતાં લખાણોના લાગતા-વળગતા સર્જકોની અસંમતિ હોવાના સંજોગોમાં જે તે કૃતિને બ્લૉગફલક ઉપરથી દૂર કરી દેવામાં આવશે.  મારું ઈ-મેઈલ  એડ્રેસ : musawilliam@gmail.com અને મોબાઈલ નં. ++91 93279 55577 છે. ધન્યવાદ.

કારની બારી અને વરસાદ (એક અવલોકન) – સુરેશ જાની

[છેલ્લાં છએક વર્ષથી શ્રી વલીભાઈ મુસા આ લખનારના મિત્ર બની ગયા છે. એ મિત્રતાની શરૂઆત એકમેકના બ્લૉગ પરનાં લખાણોના વાંચનથી થઈ હતી. પરંતુ ૨૦૧૦માં તેમને પહેલી વખત સદેહે મળવાનો મોકો મળ્યો, ત્યારે એ પ્રેમાળ માણસ મને કાણોદર લઈ જઈને જ જંપ્યા. એ મુલાકાતમાં માત્ર વલીભાઈની સજ્જનતા જ નહીં; કાણોદરની માનવતાથી ભરેલી મહેંક પણ અનુભવાયા વિના ન રહી. હવે જ્યારે વલીભાઈ કાણોદરના સમાજના લાભાર્થે તથા સમસ્ત ગુજરાતી અને વિશ્વસમાજના હિતમાં, માનવતાના સંદેશ લહેરાવવાના પાક ઈરાદાથી, ‘જીવો અને જીવવા દો’ ના શીર્ષક-સંદેશવાળા તેમના નવા બ્લોગ ‘માનવધર્મ’ સાથે ગુજરાતી નેટ જગતમાં એક આવકાર્ય પદાર્પણ કરી રહ્યા છે; ત્યારે માનવ જીવનને ઉર્ધ્વમુખી બનાવવા પ્રેરણા આપતા મારા એક જૂના લેખથી આ સ્તુત્ય પદાર્પણને આવકારું છું. –  સુરેશ જાની]

કારની બારી અને વરસાદ

આ પાણીનાં ટીપાંઓની વાત છે. અમે ગરાજમાંથી ગાડી બહાર કાઢી. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. બારીના કાચ પર ટીપાં બાઝવા લાગ્યાં. નવું ટીપું પડે અને નીચે નીતરતાં, કાચ પર જામેલાં ટીપાંઓને સાથે લેતું જાય. જેમ જેમ એમની વસ્તી વધે, તેમ તેમ રેલો મોટો થતો જાય, અને પછી તો નાનકડો ઝરો બની સડસડાટ નીચે ઊતરી જાય. પાર્કિંગમાં ઊભેલી કારમાંનું આ દર્શન અગાઉ પણ ઘણી વાર થયું હતું.

અમારી કાર શેરીના રસ્તાથી બહાર, મુખ્ય રસ્તા પર આવી અને પૂરપાટ ઝડપે આગળ ધસવા માંડી.

અને એક નવો જ નજારો સર્જાવા લાગ્યો. ધસમસતા પવનના જોરે, હવે એ રેલો થોડોક વાંકો ફંટાવા લાગ્યો. ગુરૂત્વાકર્ષણના એકમાત્ર બળના સ્થાને પવનના ઝપાટાનું નવું બળ ઊમેરાયું હતું.

ગાડી હવે હાઈવે પર આવી ગઈ હતી. કલાકના સાઠ માઈલની ઝડપે ચાલતી ગાડીના પ્રતાપે, પવને પણ પ્રભંજનરૂપ ધારણ કર્યું હતું. પાણીનાં ટીપાં અને રેલા આ બે બળના પ્રતાપે મુક્ત બની ગયાં. બ્રાઉનિયન મોશન જેવી રમતનો માહોલ ખડો થઈ ગયો. હવે અવનતિનું સ્થાન આનંદભરી રમતે લીધું હતું. સજીવ બની ગયાં હોય, તેમ એમની રમત એ જોવા લાયક લ્હાવો બની ગઈહતી.

કુદરતનો સામાન્ય નિયમ અચૂક અવનતિને જ પોષતો હોય છે. ગુરૂત્વાકર્ષણનું બળ નીચે પાડે,પાડે ને પાડે જ. જીવન અચૂક મૃત્યુ તરફ જ ગતિ કરતું રહેવાનું. એમાં કોઈ મીનમેખ ફરક ન જ હોય.

પણ આગળ ધસવાની ગતિ, ઉન્નત ગતિ, ચોગમ દુર્ગમ અંધકારની વચ્ચે ઝગમગતા, નાનકડા કોડિયાનો પ્રકાશ, જીવનના એક નાના ટુકડાને – ઓલ્યા નાચીજ પાણીના બિંદુ જેવા તેના હિસ્સાને – એક એવું પરિમાણ આપી શકે, કે એ વળાંક ઓલી પાણીની રમત જેવો રમણીય હોઈ શકે. ભલે એ રમત પણ ક્ષણજીવી રહેવા સર્જાઈ હોય; ભલે એ બ્રાઉનિયન મોશનનો અંતિમતબક્કો પાણીને ધરાશાયી જ કરવાનો હોય; ભલે એક રમતિયાળ રેલો ઓગળી જાય અને બીજો એનું સ્થાન લે. પરંતુ એ નાનકડી રમતની પણ એક ગરિમા હતી. એક સુંદરતા સાકાર બની નિરાકાર થઈ ગઈ હતી. એના ક્ષણિક  અસ્તિત્વનોય એક રૂઆબ હતો.

અને જીવનના આવા નાના નાના ઝબકારાઓની રમત થકી જ તો ઉત્ક્રાંતિનો પ્રવાહ મંદ પણ અવિરત ગતિએ આગળ ધપતો રહે છે ને ?

કારની બારી પરનો પાણીનો રમતિયાળ રેલો………જીવનની એક મધુરિમાનો સંદેશ. કાણોદરની જનતા અને તેના મોભીઓ માટે વિચારવા લાયક એક સંદેશ.

કાણોદરનાં સૌ નાનાંમોટાં ટીપાં ભેગા મળી પ્રગતિ અને ઉચ્ચ જીવનધારાના વિચાર-વર્તનના ઝપાટે સતત પ્રગતિ કરતાં રહો. કલ્યાણમય જીવન અને સમાજનું સર્જન કરતાં રહો.

નીચે બે  લિંક આપવામાં આવ્યા છે; જે પૈકી ‘માનવતાની મેરેથોન’ એ અંગ્રેજી Video Tube છે, જેને સંપૂર્ણ જોવાની ભલામણ  કરવામાં આવે છે અને ‘જીતુ-રેહાના’  એ PDF માં ગુજરાતી લેખ છે. મને વિશ્વાસ છે કે આ બંને સામગ્રી આપ વાચકોના  માનવ્ય-ભાવને સ્પર્શ્યા સિવાય રહેશે નહિ.


(૧) માનવતાની મેરેથોન

(૨) જીતુ-રેહાના – એક મનનીય  સત્ય ઘટનાત્મક લેખ

ચાલો ત્યારે, હાલ પૂરતો રજા લઉં છું. ભવિષ્યે વલીભાઈના આ બ્લૉગ ઉપર કોઈક કૃતિના માધ્યમે મળતો રહીશ. આપ વાચકોમાંથી કોઈને મને મળવાની વહેલી ઇચ્છા થાય તો મારા બ્લૉગ ‘સૂરસાધના’ અને ત્યાંથી મારા અન્ય મનપસંદ બ્લૉગ્ઝની મુલાકાત લઈ શકો છો.

તથાસ્તુ.

ભવદીય,
સુરેશ જાની

માનવતાના મારગડે આશાનાં કિરણો (Re-blogged) – વલીભાઈ મુસા

હું સ્થાનિક બિનસરકારી સંસ્થા – ધી ગાર્ડિયન ટ્રસ્ટ, કાણોદરનો સ્થાપક ટ્ર્સ્ટી, તેના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર અને ટ્રસ્ટીમંડળના ચેરમેનપદે પણ સ્થિત હતો. મેં મારા સાથી ટ્રસ્ટીઓ સાથે સંઘભાવનાથી ટ્રસ્ટના ઉદ્દેશો સિદ્ધ કરવા અર્થે શરૂઆતનાં સાત વર્ષ સુધી કામ કર્યું હતું અને હાલમાં હું નિવૃત્ત છું. અહીં ટ્રસ્ટના બંધારણમાંના કેટલાક ઉદ્દેશો પૈકીના એક ઉદ્દેશને હું જાહેર કરવા માગું છું. આ ઉદ્દેશ મારા વાચકોને અને ખાસ કરીને અત્રેનાં અન્ય દેશોમાં વસતાં બિનનિવાસી અને કાયમી વસવાટ કરતાં નવીન પેઢીનાં કાણોદરી ભાઈબહેનોને સ્વયં રીતે સ્પષ્ટ થઈ જશે અને તેઓ જાણી શકશે કે કાનો (કાનજી) પટેલ નામના ઈસમે સ્થાપેલા આ ગામ વિષે, છેલ્લી અર્ધસહસ્ત્રાબ્દિથી પૂર્વજો તરફથી ચાલ્યા આવતા ગામના ભવ્ય અને બહુમુખી સાંસ્કૃતિક વારસા વિષે, તેના રહેવાસીઓ અને તેમના સંસ્કાર વિષેનો સમગ્રતયા સારાંશ એ એક માત્ર ઉદ્દેશમાં જ સમાવિષ્ટ છે.

ટ્રસ્ટના ઉપર ઉલ્લેખિત ઉદ્દેશની વિગત (Text) અક્ષરશ: નીચે મુજબ છે :

“કાણોદરના મોમીનો (મુસ્લીમો) વિશ્વભરમાં પોતાની આગવી એવી ઓળખ સાથે ફેલાઈ ગયા છે કે તેઓ અન્યો સાથે પ્રેમથી રહેવા ઉપરાંત કોઈની સાથેના કોઈ મતભેદો હોય તો તેમને ખેલદિલીપૂર્વક સ્વીકારી લઈને પોતાના વસવાટના સ્થળે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પોતાનું યોગદાન આપવામાં કદીય પાછી પાની કરતા નથી. આ ટ્રસ્ટ આવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતા સમુદાયની વ્યક્તિઓ કે સંગઠનોને એ રીતે પ્રોત્સાહિત કરશે કે જેથી તેઓ અન્ય સમુદાયોના લોકોને એવો ઉમદા દાખલો પૂરો પાડે કે જેથી દરેક જણનું વ્યક્તિગત સ્વમાન અને તેમના અધિકારોનું જતન થતું રહે અને સર્વજનકલ્યાણની પ્રવૃત્તિઓની જવાબદારીઓનું વહન અને પાલન થયા કરે.”

ગામની એકતા અને પ્રતિષ્ઠાને ઉર્ધ્વગામી બનાવવામાં ભૂતકાલીન કેટલાય મહાનુભાવોએ પોતપોતાનાં યોગદાન આપ્યાં છે, તો વળી વર્તમાન નેતાગીરીએ પણ અગાઉના એ ગરવા ગામઆગેવાનોના પગલે પગલે ચાલી બતાવીને ગ્રામજનોના એ સહિયારા ઉમદા આદર્શોનું સાતત્ય જાળવી રાખ્યું છે. મારા આ લેખ પાછળનો નેક ઈરાદો એ છે કે વર્તમાન પેઢીને આપણા સમુદાયની સંસ્કૃતિ અને તેની પરંપરાઓની યાદ તાજી કરાવવામાં આવે, પોતાની સારી રીતભાત થકી ગામની પ્રતિષ્ઠાને અકબંધ જાળવી રાખવાની સભાનતા તેમનામાં કેળવવામાં આવે અને ભવિષ્યની પેઢીને એ લોકો એવું જીવંત ઉદાહરણ પૂરું પાડે કે જેથી એ જ વારસો તેમના સુધી પહોંચી શકે અને જળવાઈ શકે. મારા લગભગ સાત દાયકાના જીવનકાળ દરમિયાન હું સેંકડો એવા સ્થાનિક ગામઆગેવાનોનો ચશ્મદીદ ગવાહ રહ્યો છું કે જેમણે ગામની પ્રતિષ્ઠાનાં સોપાનો સર કરવા માટે પોતાના જીવનનો મુલ્યવાન સમય આપવામાં કોઈ કસર બાકી છોડી નથી. મારા લેખની કદમર્યાદાને ધ્યાનમાં લેતાં હંમેશ માટે પ્રકાશમાન એવા એ ગ્રામસિતારાઓની સેવાઓને વિગતે બિરદાવવા હું અશક્તિમાન છું.

પરંતુ આ ગામ, તેની એકતા, તેની શાંતિ અને તેની આબાદીને સ્પષ્ટ કરવા અર્થે અન્ય ત્રાહિત લોકોએ આ લાક્ષણિકતાઓ વિષે પોતાનાં એકંદરે જે મંતવ્યો આપ્યાં છે, તેમાંથી એકાદને અહીં દર્શાવવું મને ગમશે. ઘણા લોકો સ્વામી સચ્ચિદાનંદજીના નામથી પરિચિત હશે જ. તેઓશ્રી ગુજરાતના એવા કર્મયોગી સંત છે કે જે સામાજિક, સાહિત્યિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. થોડાંક વર્ષો પહેલાં અત્રેની સ્થાનિક હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રવાહના સંકુલના ઉદઘાટન પ્રસંગે તેમને નિમંત્રવામાં આવ્યા હતા. સ્વામીજીએ આ ગામની અગાઉ કદીયે મુલાકાત લીધેલી ન હતી, પણ પેટલાદથી કાણોદર આવતાં વચ્ચે રસ્તામાં તેમને ગામ વિષેની સંક્ષિપ્ત પશ્ચાદભૂમિકા આપવામાં આવી હતી. પોતાની વિચક્ષણ બુદ્ધિમત્તા, આધ્યાત્મિકતા અને પોતાની સ્વયંસ્ફૂરણાના બળે તેમણે ગામ અને તેના લોકો વિષે એટલું બધું જાણી લીધું કે જાણે તેઓ અગાઉ અહીં આવ્યા હોય અથવા અહીં વસવાટ કરેલો હોય! પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું હતું, “આઝાદી વખતે ભારતના ભાગલા અંગેની વિચારણા કરવા માટેની લાહોર કોંફરન્સ જો કાણોદરમાં મળી હોત તો ભારત અખંડ રહ્યું હોત!” સ્વામીજીના આ શબ્દો ગામ માટે ઉત્તમોત્તમ પ્રશસ્તિસૂચક પુરસ્કાર માત્ર જ નહિ, પણ ગામ લોકો માટે ભવિષ્યમાં પણ આ મુદ્દે સભાન રહેવાની તાકીદ સમાન છે કે જેથી ગામની એકતા હંમેશ માટે અકબંધ જળવાઈ રહે, અને માત્ર એટલું જ નહિ પણ આ ગામના વતનીઓ જ્યાં જ્યાં રહે ત્યાં ત્યાં એકતા અને ભાઈચારાની ભાવનાને જીવંત રાખે. સામાન્ય રીતે સ્વામીજીને ક્યાંય પણ નિમંત્રવામાં આવે અને તેમનું બહુમાન કરવામાં આવે ત્યારે તેમના આશ્રમ માટે કંઈક અને કંઈક દાન તેમના ચરણોમાં મૂકવામાં આવે, પણ અહીં વિપરિત થયું કે તેમણે પોતાના ટ્રસ્ટના ફંડમાંથી આ હાઈસ્કૂલને રૂ|.૨૫,૦૦૦/- નું દાન જાહેર કર્યું હતું.

હવે જો આપણે થોડાક વધુ દૂરના ભૂતકાળ તરફ જઈએ તો ડો. હરિભાઉ લક્ષ્મણરાવ પુરોહિત કે જે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા અને શ્રી દ્વારકાગીરી મહારાજ જે ઉત્તર પ્રદેશથી આવેલા અખાડા સાધુ હતા તેઓ બંનેની યાદ આપણાં દિમાગોમાં તાજી થયા સિવાય રહેશે નહિ. ડો. પુરોહિતે એક ફિઝિશિયન તરીકે ગામને એકધારી ૩૩ વર્ષ સુધી સેવાઓ આપી અને દ્વારકાગીરી મહારાજે સ્થાનિક શિવમંદિરમાં પોતાની સેવાઓ આપવા ઉપરાંત સમાજસેવા અને ગામની ભલાઈ માટેનાં કાર્યોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. આ બંને મહાનુભાવોને આ ગામ પ્રત્યે પોતાનો ઊંચો અભિપ્રાય હોવા ઉપરાંત દિલી લાગણીઓથી લોકો સાથે એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે તેમણે જાહેરમાં પોતાની એવી મહેચ્છાઓ પ્રગટ કરી હતી કે તેઓ પોતાનો અંતિમ શ્વાસ આ ભૂમિમાં જ લે અને તેમની અંતિમક્રિયા પણ અહીંની માટીમાં જ થાય. ડો. પુરોહિત તેમની તમન્ના પરિપૂર્ણ કરવા ભાગ્યશાળી પુરવાર ન થયા, કેમ કે નિવૃત્તિ પછી તેમનાં સંતાનોએ તેમને પોતાના વતન વડોદરા ખાતે બોલાવી લીધા હતા; પણ બાપજી નસીબદાર રહ્યા કે તેમણે પોતાનો અંતિમ શ્વાસ તો અહીં લીધો, પણ તેમને સમાધિની સ્થિતિમાં બેસાડીને વાજતેગાજતે ગામમાં જુલુસ ફેરવીને મંદિરની જ ભૂમિમાં દફન પણ કરવામાં આવ્યા. બંને જણા પોતાની હિંદુ આસ્થા મુજબ લોકોને સંવેદનામય શબ્દોમાં હંમેશાં કહેતા રહેતા કે જો ઈશ્વર તેમને કોઈપણ સ્વરૂપમાં પુનર્જન્મ આપે તો તેઓ માત્ર એક વાર જ નહિ, પણ વારંવાર અહીં આ ભૂમિમાં જ જન્મવાનું પસંદ કરશે. તેમના આ શબ્દો સ્થાનિક મુસ્લીમ પ્રજા માટે માત્ર એક મોટા પુરસ્કાર રૂપે જ નહિ, પણ તમામની આંખોમાં આભારવશતાનાં આંસુ ઊભરાવી દેવા માટે સમર્થ પુરવાર થયા હતા.

અહીં આ તબક્કે મુસ્લીમ સમુદાયનાં પણ સંખ્યાબંધ સ્ત્રીપુરોષોનાં વિશિષ્ટ યોગદાનોને યાદ કરી લેવાનો આ લઘુ લેખમાં અવકાશ નથી, આમ છતાયે એકંદરે એટલું તો જરૂર કહીશ કે તેઓ બધાં પણ માનવતાના માર્ગે આશાનાં કિરણો સમાન પુરવાર થયાં હતાં. એ તમામે ગામની એકતાને જાળવી રાખવા ઉપરાંત બિનસાંપ્રદાયિકતાની ભાવનાના એક મજબૂત પાયાને પણ પ્રસ્થાપિત કરી દીધો હતો, જેનો પ્રભાવ આજે પણ લોકોમાં જોવા મળે છે. આ બધી યાદદાસ્તોને ફરી તાજી કરી લેવાનો આજની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ જ એવો યોગ્ય સમય છે, જ્યારે કે વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે હિંસા પોતાનું માથું ઊંચકી રહી છે અને વિશ્વશાંતિ જોખમી તબક્કામાંથી પસાર થઈ રહી છે.

અગાઉ મારા એક મિત્ર ઉપરના વ્યક્તિલક્ષી આર્ટિકલ “A full circle swallowed 22 years” (એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું)માં દર્શાવ્યા મુજબ ગામની નવીન પેઢી પોતાની આર્થિક જરૂરિયાતોને પોષવા માટે દુનિયાના લગભગ તમામ ખંડોમાં ફેલાવા માંડી છે. આપણે ઈશ્વરનો તેની દયા અને કરૂણા બદલ આભાર માનવો જોઈએ કે જેણે લોકોમાં વૈશ્વિકરણ અને ઉદારીકરણ પરત્વેની ઉદારમતવાળી વિચારધારાને જગાડી છે અને જેણે લોકો માટે વિદેશોમાં સ્થાયી થવા માટેની બારીઓ ખોલી આપી છે. આના પરિણામે સેંકડો યુવકયુવતીઓએ પોતપોતાના જીવનસાથી કે સંતાનો સાથે વિદેશોમાં સ્થળાંતર કરી દીધું છે. આ બુઢ્ઢો માણસ અર્થાત્ ‘હું’ મારા દિલની લાગણીથી કહું છું કે આ બધાં યુવકયુવતીઓ આપણા બિનસાંપ્રદાયિક ગામ કાણોદર, ગાંધીજીના ગુજરાત અને આપણા મહાન દેશ ભારતના પ્રતિનિધિઓ તરીકે જે તે જગ્યાએ છે, ત્યાં તેમણે વિશ્વબંધુત્વ અને શાંતિનો પ્રસાર કરવાની ગંભીર જવાબદારી નિભાવવાની છે.

હું કાણોદરના વતનીઓ કે જે બિનનિવાસી કે સ્થાયી નાગરિકત્વના દરજ્જે જ્યાં જ્યાં વસ્યા છે અને વિશાળ અર્થમાં કહું તો માત્ર તેઓ જ નહિ પણ દુનિયાભરના કોઈપણ માનવીઓ જે વિદેશે વસ્યા હોય તેઓ સઘળાને એક વાત કહેવા માગું છં. આ વાત છે અઢારમી સદીમાં ઈરાનથી ભારતના ગુજરાતના સંજાણા બંદરે હિજરત કરીને આવેલા પારસીઓની. તેમણે તે વખતના ગુજરાતના રાજ્યકર્તાને ખાત્રી આપી હતી કે તેઓ દૂધમાં જેમ સાકર ભળે તેવી રીતે લોકોમાં ઓતપ્રોત થઈ જશે. મારાં ભાઈબહેનો, આપણે એ પારસીબંધુઓએ આપણા દેશ માટે નમૂનારૂપ જે ભૂમિકાઓ ભજવી છે તે આપણે સૌ જાણીએ જ છીએ. એ બધાઓ પૈકીના મુખ્યત્વે જમશેદજી તાતા, ફિલ્ડ માર્શલ સામ માણેકશા અને હોમી જહાંગીર ભાભા જેવાઓએ દેશના વિકાસ માટે પોતાનાં શ્રેષ્ઠ યોગદાનો આપ્યાં છે. આ ઉદાહરણ વડે હું તમામ એ સૌને સંદેશો આપવા માગું છું કે તમારે પણ લોકોમાં આવી વસવાટના સ્થળ પરત્વેની વફાદારીને જગાડવાનું અને તે પ્રમાણે તેને કાર્યાન્વિત કરવાનું જીવંત ઉદાહરણ પુરું પાડવાનું છે. તમે જે તે દેશના મૂળ વતનીઓ સાથે પાડોશી તરીકે, નોકરી કે રોજગારમાં સહકાર્યકર્તા તરીકે, ધંધાર્થી તરીકે કે અન્ય કોઈ દરજ્જાના સંબંધે સંપર્કમાં આવો; ત્યારે તમારે તમારા વિચાર, વાણી અને વર્તન દ્વારા બિનસાંપ્રદાયિકતા, પરસ્પરના સહકાર અને સહઅસ્તિત્વની ભાવના અને વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણજીના સ્થાપેલા ‘સર્વોદયવાદ’ ના જીવનમંત્ર ‘જીવો અને જીવવા દો’ ના સંદેશાને તેમના સુધી પહોંચાડવાનું એક મિશનરી તરીકેનું કામ કરવાનું છે.

હું મારા લેખને સમાપ્ત કરવાની નજીક આવી પહોંચ્યો છું ત્યારે મને પ્રાપ્ત થએલા કોઈક અજાણ્યા સ્રોતમાંના કોઈકના જાતઅનુભવને અહીં ટાંકીશ, જેના શબ્દો આ પ્રમાણે છે : “જ્યારે વરસતા વરસાદમાં હું આકર્ષક સુટ પહેરીને છત્રી વગર એક મિટીંગમાં હાજરી આપવા મારા માર્ગે હતો, ત્યારે એક ભલી અને અજાણી સ્ત્રીએ મને તેનું સરનામું આપતાં પોતાની છત્રી આપી અને મારા ઉપર વિશ્વાસ મૂકી બતાવ્યો કે હું વરસાદ રહી જતાં એ છત્રી તેને પરત કરીશ જ.” આ એક સાવ ઓછા મહત્ત્વની વાત હોવા છતાં તેમાં ખૂબ જ ગંભીર અને છૂપો ભેદ છુપાએલો છે. અહીં પરસ્પરના વિશ્વાસનું મહત્ત્વ છે, નહિ કે છત્રીના મૂલ્યનું! દરેક જણે સહન કરી શકાય તેવાં આવાં જોખમો ઊઠાવીને પણ અન્યને મદદરૂપ થવાનો પ્રયોગ કરવો જોઈએ. આનાથી માનવીના માનવી સાથેના ભરોંસાનો પાયો મજબૂત બનશે અને મને મને ખાત્રી છે કે આવા પ્રયોગો સાવ એળે તો નહિ જ જાય.

સમાપને કહેવાનું કે આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે ધિક્કારથી ધિક્કાર ઉપર કાબૂ મેળવી શકાય નહિ. ચાલો, આપણે નવેસરથી વિચારીએ અને માનવતામાંની આપણી આશા અને આસ્થાને વિસ્તારીએ. જો આપણે ભૂલ કરવા જ માગતા હોઈએ તો ભલે ને ભૂલ કરીએ એ માટેની કે આપણે લાગણીઓ, ઉદારતા અને સહિષ્ણુતાના હકારાત્મક પાસાનો જ વિચાર કરીએ અને તેના ઉપર અમલ પણ કરીએ.

મિત્રો, આ લેખને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે.

ધન્યવાદ.

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Translated from English version titled as “Rays of hope in ways of humanity” published on August 06, 2008.