મહિનો: એપ્રિલ 2015

મધ્યમ માર્ગ કે તટસ્થભાવ – વલીભાઈ મુસા

માનવીય સંબંધો નાજુક હોય છે. અસહિષ્ણુતા, ગેરસમજ, અપમાનજનક વર્તન, ઈર્ષાભાવ, સ્વાર્થવૃત્તિ, ખેલદિલી કે ક્ષમાવૃત્તિનો અભાવ, તેજોદ્વેષ કે તેજોવધ, બિનતંદુરસ્ત સ્પર્ધા, જીદ, મતભેદ અને તેમાંથી મનભેદ, છેતરપિંડી, ચાડીચુગલી, નિંદા, વિશ્વાસઘાત આદિ એવાં નકારાત્મક પરિબળો છે જે માનવીય સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. આજનો દોસ્ત કાલે દુશ્મન બની જાય, મધુર દાંપત્યજીવન ભગ્નસ્થિતિએ પહોંચે, પાડોશી ભવોભવનો દુશ્મન બની જાય, સહકાર્યકરો બાખડી પડે, અજાણ્યાઓ સાથે પણ ક્લેશ થાય; આ બધાં વણસેલા કે વણસતા જતા સંબંધોનાં કેટલાંક ઉદાહરણો છે.

આવા વણસેલા સંબંધોને કોઈ એક પક્ષ પુન: સ્થાપિત કરવા વિના વિલંબે પ્રયત્ન કરે તો ધાર્યું પરિણામ મળી શકતું હોય છે, કેમ કે એ કડવાશ જામીને ઘટ્ટ થઈ નથી હોતી. ઘણીવાર એવું પણ બની શકે આવી ઉતાવળ સંબંધોને વધુ વણસાવે, કેમ કે બંને પક્ષ અબોલાની સ્થિતિમાં થોડોક વધુ સમય ન રહ્યા હોઈ એકબીજા પ્રત્યેનો પહેલાંનો મધુર સંબંધ તેમને સાલતો નથી.  આ મુદ્દો “Relations or persons are valued high when they are  away from us.”ના સંદર્ભે સારી રીતે સમજી શકાશે. કોઈ રોગમાં ઘણીવાર સમય એ ઔષધનું કામ કરતો હોય છે, બસ એવું જ કંઈક આવા થોડાક વિલંબમાં થઈ શકતું હોય છે. માનવવર્તણૂકના અભ્યાસુઓનું તારણ છે કે કોઈ બે પક્ષ સંબંધોનો વિચ્છેદ કરવામાં એવું અંતિમ વલણ ધારણ કરતા હોય છે કે એ સંબંધોને ફરી જોડવા માટેનો કોઈ માર્ગ બચતો નથી હોતો, સિવાય કે વધારે દુભાયેલો પક્ષ ‘માફ કરો અને ભૂલી જાઓ’ની નીતિને અખત્યાર કરે. દુભાયેલો પક્ષ નમતું મૂકવા ત્યારે જ તૈયાર થાય, જ્યારે કે દુભવનાર પોતાની ભૂલનો એકરાર કરે અને સાચા દિલથી માફી માગી લે. જો કે વૈમનસ્ય કેવા પ્રકારનું હોય છે તેના ઉપર સંબંધોના સુમેળની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેતો હોય છે. કોઈ એક પક્ષનું સામેના પક્ષ સાથે એવું અજુગતું અને કઠોર વર્તન રહ્યું હોય કે જે ભરપાઈ ન થઈ શકે તેવું હોય તો ઘણીવાર સંબંધો ન પણ સુધરે ! આમ છતાંય ઘણીવાર એવા સંજોગો સર્જાતા હોય છે કે કોઈ અણીના સમયે પેલો પક્ષ પોતાની દુશ્મનીને ભૂલીને સામેવાળા ઉપર એવો ઉપકાર કરે કે તે અહેસાનમંદ બનીને દોસ્તીનો હાથ લંબાવે.

એરિસ્ટોટલે માણસને સામાજિક પ્રાણી તરીકે ઓળખાવ્યો છે. એ એકલો રહી શકતો ન હોઈ તેના માટે સમાજમાં રહેવું અનિવાર્ય બની જતું હોય છે. માણસ લોકોની સાથે હળેમળે છે, માટે જ તો કોઈકની સાથે ટકરાવાનો પ્રસંગ પણ ઉદ્ભવતો હોય છે. પાલતુ પ્રાણીઓ પણ સમૂહમાં ચારો ચરતાં કે રખડતાં હોય છે અને કેટલીકવાર સામસામાં શિંગડાં ભરાવીને લડી પડતાં પણ હોય છે. માનવીઓમાં પણ એ જ રુએ આવું બનતું હોય છે. આમ છતાંય ઘણીવાર માનવી કરતાં આવાં પ્રાણીઓ ડાહ્યાં પુરવાર થતાં હોય છે અને થોડીક જ વાર પછી વૈમનસ્ય ભૂલી જઈને એકબીજાનું સાહચર્ય અપનાવી લે છે. આવું માનવબાળ વિષે પણ મનોવૈજ્ઞાનિકો માનતા હોય છે. મોટેરાં કરતાં આવાં નાનેરાં ઘણીવાર એવી સમજદારી બતાવતાં હોય છે કે જે કોઈના માન્યામાં પણ ન આવે.

માણસના અન્ય માણસ સાથેના ત્રણ પ્રકારના સંબંધો સંભવિત હોય છે; દોસ્તી, ન દોસ્તી કે ન દુશ્મની અને દુશ્મની. વ્યક્તિવ્યક્તિ વચ્ચે અગાઉ જણાવેલાં કારણો પૈકીના કોઈ એક કારણને લઈને સંબંધો વણસે, ત્યારે તેઓ ન દોસ્તી કે ન દુશ્મની એવા મધ્યમ ભાવને અપનાવે તો તેવા સંજોગોમાં સંબંધો પુન: સ્થાપિત થવાની શક્યતાઓ વધી જાય છે. આમેય અજાણી વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો આવા નિર્લેપ જ હોય છે ને ! આ પ્રકારની વર્તણૂકને આપણે મધ્યમ માર્ગ કે તટસ્થભાવ એ રીતે ઓળખાવી શકીએ. આમ માનવીય સંબંધોમાં વૈમનસ્યથી બચવા માટે કે વણસેલા સંબંધોને ફરી જોડવા માટેનો આ જ એક સચોટ વિકલ્પ છે, જેને સમજદારોએ જીવનમાં ઉતારવો રહ્યો. રાજકારણિયાઓ તો ગળથૂથીમાંથી જ શીખી ગયા હોય છે કે કોઈને કાયમી દોસ્ત કે દુશ્મન ન સમજવો. અહીં એ લોકોના જેવો તટસ્થભાવ કેળવવાની વાત નથી. એ લોકો તો પોતાના હિતને સાચવવા કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે. એ લોકો તો પોતાનો સ્વાર્થ સાધવા દંડવત્ પ્રણામ કરીને પણ સામેવાળાની માફી માગી લેતા હોય છે; પણ એ માફી દિલથી નથી હોતી, પણ તકવાદી હોય છે.

અહીં જે વાત થઈ રહી છે, મધ્યમ માર્ગ કે તટસ્થભાવની; એ તો સામાન્ય નાગરિકો માટેની છે. આપણે દરેક જણ સાથે દોસ્તીભાવથી જોડાઈએ એ વધુ ઉત્તમ તો છે જ, પણ કદાચ કોઈનું વર્તન આપણા મનદુ:ખનું મોટું કારણ બની જાય, તો તેને દુશ્મન ન બનાવી દેતાં તેની સાથે કેટલોક સમય એ મધ્ય સ્થિતિમાં પસાર થવા દઈને ફરી પાછો દોસ્તીનો હાથ આસાનીથી લંબાવીએ. દુશ્મનભાવ એ બંને પક્ષ માટે પીડાકારી હોય છે અને તેથી શાણા લોકોએ તેનાથી બચવું જોઈએ. અહીં એક વાત પણ યાદ રાખવી ઘટે કે બે વ્યક્તિઓ વચ્ચેનાં મનદુ:ખ એ બે વ્યક્તિઓ પૂરતાં સીમિત રહે તે ઇચ્છનીય છે. ઘણામાં ઘણાં એ કારણો પોતપોતાનાં કુટુંબોને સ્પર્શતાં હોય તો કદાચ એમાં કુટુંબ પણ સામેલ થઈ શકે; પરંતુ એ હરગિજ યોગ્ય નથી કે પોતાનાં અન્ય સગાંસંબંધી કે મિત્રવર્તુળને પણ પોતાના પક્ષમાં સામેલ કરીને એક મોટો મોરચો રચવામાં આવે. અન્યોને પોતાની સમસ્યાઓમાં જોડવાં કે અન્યો તેમાં જોડાય તે દુરસ્ત નથી, કેમ કે એ લોકોને તો પેલી વ્યક્તિ સાથે સીધી કોઈ ઘટના બની જ નથી હોતી. આ કંઈ યુદ્ધનું મેદાન નથી કે બંને પક્ષે લશ્કરો તૈયાર કરવામાં આવે ! વળી એ પણ બનવા સંભવ છે કે આપણને સાથ આપનાર કે આપણે જેમનો સાથ મેળવવા માગીએ છીએ તેઓ જે ઘટના બની હોય ત્યારે પ્રત્યક્ષ હાજર ન પણ હોય અને તેમને કેવી રીતે ખબર પડી શકે કે આપણે અથવા સામેવાળામાંથી કોણ સાચું અને કોણ ખોટું હશે. ટૂંકમાં વિવાદમાં જેટલાં ઓછાં માણસો સંકળાયેલાં હશે, તેટલી ભવિષ્યે સમાધાન થઈ શકવા માટેની સરળતા રહેશે.

અર્ક : “સંપ ત્યાં જંપ”

– વલીભાઈ મુસા

Advertisements

આકાશગંગા – મહંમદઅલી પરમાર ‘સૂફી’

મને આકાશની વસ્તી, વિચારોમાં ફસાવે છે
શું મારો રિશ્તો છે આકાશથી, પ્રશ્ન સતાવે છે

સનાતન આવજા છે રાત અને દિવસ ને મોસમની
છુપીને કોણ આ ઘટમાળને શાશ્વત ચલાવે છે !

શું છે સૃષ્ટિ, છે ક્યાં સૃષ્ટિ, છે પાયા ક્યાંને ક્યાં છે છત?
અને અસ્તિત્વમાં લાવીને કોણ એને નભાવે છે !

સૂરજ અગ્નિનો ગોળો ધગધગે છે કરવા જગ રોશન
નિખર્વ વર્ષથી ઈંધણ તે બળવા ક્યાંથી લાવે છે!

બીજા લાખો કરોડો સૂર્ય છે બ્રહ્માંડની અંદર
ન જાણે કેટલી આકાશગંગાઓ રચાવે છે

જરુરત શું અને કોને હતી સૃષ્ટિના સર્જનની!
ગહન કેવા આ પ્રશ્નો છે કે ચૂપ અમને કરાવે છે!

હતું નહીં સૃષ્ટિનું અસ્તિત્વ જ્યારે, શું હતું ત્યારે?
ઉપસ્થિત સૂન્યમાંથી થઈ, તે ક્યાં અક્કલમાં આવે છે

જે કંઈ ભાખ્યું છે વિજ્ઞાને, તે છે એક બિન્દુ સાગરનું
નવી હર ખોળ, થોડું જઈને, છે ત્યાં, પાછી આવેછે

મહાસાગર શું છે, કીડી, મંકોડો શી રીતે જાણે!
અમારી સુક્ષ્મતાનું ભાન, ભવ્ય જગ કરાવે છે

છતાં માનવ છે સૃષ્ટિનું અનન્ય દૈવી એક સર્જન
જે સરજનહારની આછી પ્રતિછાયા બતાવે છે

મહાશક્તિ, પરમશક્તિ, અગમ્ય છે ‘સૂફી’ તો પણ
અલૌકિક રીતથી ઓળખ તે ભક્તોને કરાવે છે

‘સૂફી’ પરમાર

(મરહુમ મહંમદઅલી પરમાર ‘સૂફી’ નાં સ્વજનોની સહમતીની અપેક્ષાએ તેમના બ્લૉગ અને પુસ્તક ‘આધ્યાત્મિક કાવ્યો’ માંથી ઋણસ્વીકારસહ)

* મારા અન્ય બ્લૉગ ‘William’s Tales’ ઉપર આ  લિંકે “મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ” લેખ વાંચી શકાશે.

વ્યવહાર અને પરમાર્થ – આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન ક્યાં છે એ બતાવાયું છે. અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે કે તેમાં ઉત્તરાવસ્થાનો ધર્મ તે પૂર્વાવસ્થાના ધર્મથી તદ્દન ભિન્ન નથી, પણ પૂર્વાવસ્થાનો ધર્મ જ ઉત્તરાવસ્થામાં પરિપાક્દશાને પામે છે-એ મૃગશિરનો વા વાતાં જેમ કેરી મીઠી બને છે, તેમ પ્રભુનાં દ્વાર સમીપ આવતાં ધર્મ કોઈક અનેરી મીઠાશ ધારણ કરે છે. એ અવસ્થામાં અર્થ અને કામ સાથેનો એનો સંબંધ ક્ષીણ થઇ એ શુદ્ધ રૂપે પ્રકાશે છે, અને એ વખતે એ ‘સંન્યાસ’ ને નામે ઓળખાય છે; પણ આ સ્થિતિ સામાન્ય જનમાં દુર્લભ છે. તેથી એ સ્થિતિનો વિચાર હવે પછીથી કરવાનો રાખી, પૂર્વાવસ્થામાં ધર્મ જ્યારે અર્થ અને કામ સાથે જોડાયેલો હોય છે તે વખતે એનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય છે અને તે બીજાં બે પુરુષાર્થ સાથે કેવી જાતનો સંબંધ ધરાવે છે એ વિશે આજ વિચાર કરીશું.

સર નારાયણ ચંદાવરકરે એક ભાષણમાં ટાંકેલો પોતાનો અનુભવ યાદ આવે છે. સર નારાયણ કહે છે કે ‘એક દિવસરજાના દહાડામાં હું પૂના પાસેના એક ગામ બહાર ફરવા નીકળ્યો હતો. સૂર્યનો લાલ પ્રકાશ ખેતરો ઉપર પથરાયેલો હતો અને સઘળું શાંત હતું. મારી આગળ એક બાઈ આસપાસનાં ખેતરોમાંથી છાણ લઇ પાસે મૂકેલી ટોપલીમાં ભરતી જતી હતી. એટલામાં મારી પાસે થઈને એક માણસ તથા બે જુવાન છોકરા નીકળ્યા. પેલા માણસે છોકરાઓને કહ્યું : ‘આપણે દુનિયામાં શું કરવું છે? મેહનત કરવી, પેટ ભરવું અને ગુપચુપ બેસી રેહવું.’ આ શબ્દો સાંભળીને હું બોલ્યો : ‘ભાઈ ! આ છોકરાઓને દુનિયાનો આવો હલકો ખ્યાલ કેમ આપો છો ? મેહનત કરવી અને પેટ ભરવું તે સિવાય શું બીજું કાંઈ જ કરવાનું નથી ?’ એણે ઉત્તર દીધો: ‘ભગવાનનું સ્મરણ કરવું એ તો ખરું જ તો.’ પછી પેલી બાઈ મારી સાથે વાતમાં ભળી અને કહ્યું : ‘ભાઈ, ઠીક કહો છો: ‘પણ ભગવાનનું ફક્ત સ્મરણ કરીશું તેથી એ અન્ન કેમ આપશે?’ પેલી બાઈએ તૂરત જવાબ વાળ્યો : ‘ભગવાનનું સમરણ કરશો તો તમે ચોરી નહિ કરો, જૂઠ્ઠું નહિ બોલો અને આળસુ બની પડી નહિ રહો.’

ઉપરનો ઉત્તર સાંભળી સર નારાયણનું હૃદય સ્વદેશાભિમાનથી હરખાયું. કોનું ન હરખાય? છેલ્લી સાક્ષર-નિરક્ષરની ગણતરીમાં કદાચ આ સઘળાં સાદાં ખેડૂતજનો ‘અભણ’ વર્ગમાં નોંધાયા હશે ! પણ ભણેલાઓને પૂછો કે વ્યવહાર અને પરમાર્થનો સંબંધ આ કરતાં વધારે યથાર્થ અને સચોટ રીતે તમે દર્શાવી શકશો? કહે છે કે પ્રભુનાં દફતરમાં તો ‘આપણા આગળના તે પાછળ, અને પાછળના તે આગળ’ એમ હોય છે. તે બરોબર છે: ‘અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનાતામ્’ (ઉપનિષદ) શબરી ક્યાં નૈવૈધનો વિધિ ભણવા ગઈ હતી? એ બિચારીએ પ્રભુને બોર ધરાવ્યાં ત્યારે પાસે બેઠેલા કોઈ કે પૂછ્યું કે ખાંટા તો નથી? ત્યારે તેને ઉત્તર આપ્યો કે ‘એકે એક કરડી ચાખીને લાવી છું !’ પ્રભુએ એ બોર સ્વીકાર્યાં. માટે અમે તો સ્પષ્ટ કબૂલ કરીશું કે પ્રભુનાં રહસ્યો જેવાં આ સાદાં-ભોળા-અજ્ઞાન ભાસતાં મનુષ્યોને સમજાયાં હોય છે, તેવાં આપણી મૂર્ખ વિદ્વતાને સ્વપ્નામાં પણ ભાસ્યાં હોતાં નથી. તેથી આજ તો આ બાઈના ઉત્તરને જ સૂત્રસ્થાને રાખી એના વિવરણ રૂપે બે શબ્દો કહીશું.

વ્યવહાર સાથે પરમાર્થ શી રીતે જોડવો, ચોતરફ ચાલતા દુનિયાદારીના પ્રચંડ વિગ્રહની વચમાં ઊભા રહી પ્રભુભક્તિ શી રીતે કરવી, – એ પ્રશ્ન હંમેશાં વિકટ ગણાયો છે. પણ વર્તમાન સમયમાં તો એ ઘણાને તદ્દન અસમાધેય જ લાગે છે, કેટલાંક મનુષ્યોમાં ધનની તૃષ્ણાનો વાયુ પુષ્કળ બ્હેકી રહ્યો હોય છે તેમણે માટે તો કદાચ એમ કહી શકાય કે તેઓ પ્રભુનું સ્મરણ કરતા નથી એ એમની ભૂલ છે. પણ જે મનુષ્યોને સામાન્ય ગુજરાન માટે ઘર અને બજારના વૈતરાં કરવાં પડે છે તેમની પાસે પ્રભુભક્તિની શી આશા રાખી શકાય? બેશક, જો પ્રભુ જ નિત્ય અને સાચો ઠરે અને આ દુનિયા ક્ષણભંગુર અને મિથ્યા ઠરે તો પ્રભુભક્તિ સામે કોઈ પણ સ્વાર્થને ટકવાનો હક નથી. પણ આ દુનિયા જેવી સત્ય અને અનિવાર્ય લાગે છે તેવો જ્યાં સુધી પ્રભુ નથી લાગતો ત્યાં સુધી તો આ દુનિયાના વ્યવહારને જ પ્રાધાન્ય આપવું જોઈએ. આમ પૂર્વપક્ષ થાય છે. આથી વર્તમાન સમયમાં ધર્મ પ્રત્યે સામાન્યજનોમાં અનેક તરેહના ભાવો જોવામાં આવે છે. કેટલાક તો ધર્મ ને – ડાહ્યા ની સભામાં ગાંડો આવ્યો હોય એમ પોતાના ડાહ્યાડમરા દુનિયાદારીના વિચારોની મોગલાઈ સભામાંથી હંસીને હાંકી કાઢે છે ! કેટલાક એ બિચારાને સભાને છેડે એક ખૂણે બેસાડી મૂકે છે. અને એ ડાહ્યાઓની સભામાં એણે જરાએ બોલવાનો હક્ક તો શેનો જ હોય? કેટલાક મનુષ્ય હૃદયના ભાવોમાં એની ઉત્કૃષ્ટતા સ્વીકારે છે; પણ એ તો જાણે વારતેહવારે ઘડી બે ઘડી પેહરવાનાં કપડાં હોય એમ સમજીને ! વળી કેટલાક એને આ કરતાં વધારે આવશ્યક માને છે. પણ તેઓ એના ઉપર દર અઠવાડિયે મળ ધોવાની ‘કેથાટિક પિલ.’ કરતાં કે તાવ રોકવાના ‘કિવનાઇન’ કરતાં વધારે પ્રેમની દ્રષ્ટિએ જોતા નથી.

ખરી વાત એ છે કે ધર્મનો અન્ય પુરુષાર્થ સાથે કેવી જાતનો સંબંધ છે એ ન સમજવાથી જ ધર્મની આ સર્વ વિડંબણા થાય છે. સિપાઈના પેહરા બદલાય છે તેમ ધર્મ,અર્થ અને કામ ના પેહરા નથી કે અર્થ અને કામના સમય ઉપરાંત ધર્મનો સમય જોઈએ. અર્થ અને કામનો સમય તે જ ધર્મનો : માત્ર ધર્મના અંત:પ્રવેશથી અર્થ અને કામ સપ્રયોજન અને પવિત્ર બને છે એટલું જ: અંત: પ્રવેશ, બાહ્ય સહચાર નહિ. અન્ય પુરુષાર્થ સાથે ધર્મનો બાહ્ય સહચાર એ નિર્થક દંભ છે. આનું એક દ્રષ્ટાંત સાંભળેલું અમને યાદ આવે છે.

એક સારા દેશી રાજ્યના એડમિનિસ્ટ્રેટર પોતાના રાજ્યકાર્યમાં એવાં ગૂંથાયેલા રહેતા કે રાત્રે સૂતી વખતે પાસે મીણબત્તી અને દીવાસળીની પેટી રખાવે અને રાતમાં જ્યારે એકાએક વિચાર સૂઝી આવે (તે રાજ્યપ્રકરણી જ) ત્યારે ઝટ દીવો કરી એ વિચાર લખી કાઢે. એમને સંધ્યા-પૂજાનો તો વખત ક્યાંથી મળે ? તેથી તેઓ નહાવાની કુંડીમાં પાણી કઢાવે ત્યારથી સંધ્યા ભણવા માંડશે, તે નહાઈને પાતળ ઉપર જમવા બેસે ત્યાં સુધીમાં પૂરી થાય – જેથી પોતાના જીવનની એક ક્ષણ પણ સરકારી નોકરીમાંથી ઓછે ન કરવી પડે અને પ્રભુભક્તિ થઈ ગણાય ! આ ધર્મનો વ્યવહારમાં કરવો જોઈતો જે અંત:પ્રવેશ તે નથી. એ તો માત્ર બાહ્ય સહચાર છે. બલ્કે તે પણ છે કે કેમ એ શંકા પડતું છે.

ઔરંગઝેબ ચાલતે યુધ્ધે પણ હાથી ઉપરથી ઊતરી વખતસર પ્રભુની બંદગી કરવી ચૂકતો નહિ. એ ખરા હૃદયથી તે કરવા માટે એને આપણે દંભ તો નહિ કહીએ, તથાપિ એ ધર્મનું ખરું સ્વરૂપ – જે અર્થ અને કામને અર્થાત વ્યવહારને પવિત્ર બનાવવાનું તે – એ સમજ્યો નહોતો અને તેથી એનો વ્યવહાર ધર્મથી વિખૂટો પડી અપવિત્ર બલકે પાપી બન્યો હતો. ધર્મનો વ્યવહારમાં એટલે કે અર્થ અને કામમાં અંત:પ્રવેશ થયેલો કેમ જાણવો?

એક દ્રષ્ટાંતથી બતાવીશ : એક મોચી બૂટ સીવવા બેસે છે; સીવતાં સીવતાં એને થયું કે બિચારા બચ્ચાને આ ચામડું તો ખૂંચશે: તુરત કાપેલું ચામડું એને ફેંકી દીધું. અને બીજું કૂણું ચામડું લઇ ફરીથી સીવવા બેઠો- એ માણસે પ્રભુને ઓળખ્યો. પ્રભુની ઓળખ જેવી નિત્ય વ્યવહારમાં થાય છે તેવી સમાધિમા પણ થતી નથી. અર્થ અને કામથી દૂર રહ્યે ધર્મ આવડતો નથી. ધર્મની શિક્ષાશાળા તે આ વ્યવહારનું જગત છે. પાણીમાં પડ્યાં વિના માત્ર હાથ હલાવવાની વાત જાણવાથી તરતાં આવડતું નથી; વ્હાણે ચઢ્યા વિના વહાણ હંકારતા આવડતું નથી; યુદ્ધનું શાસ્ત્ર પણ ગમે તેટલું શીખો પણ રણભૂમિ ઉપર હિંમત, શાંતિ સમયસૂચકતા વગેરે ગુણો તમે કેટલા રાખી શકો છો તે ઉપર જ તમારા જ્યપરાજયનો આધાર છે, આ જ પ્રમાણે ધર્મની પણ છે.

ધર્મની ચાર વાતો અરણ્યની ગુફામાં બેસીને કરવાથી ધર્મ આવડતો નથી. અરણ્યની ગુફા એ પ્રાચીન રૂઢીનો દાખલો લીધો, પણ વર્તમાન સમયની સમયની ગુફાઓ થોડી નથી; યુનિવર્સીટી, પુસ્તકશાળા, પ્રાર્થનામંદિર વગેરે આ જાતની ગુફાઓ જ છે. એમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન જ્યાં સુધી વ્યવહારની કસોટીએ ચઢતું નથી ત્યાં સુધી એ સિદ્ધ અને સંસ્કારી બનતું નથી. અમારા વખતના એક શિક્ષક માટે એવી વાત ચાલતી કે એમને ઘોડા ઉપર બેસતા આવડતું નહોતું, પણ એ ગુરુત્વમધ્યબિંદુનો સિદ્ધાંત જાણતા હતા અને તેથી ગુરુત્વમધ્યબિંદુણી રેખા ઘોડામાં રાખવી એ કરતાં મનુષ્યે ઘોડે બેસવામાં કાંઈ વિશેષ કરવાનું નથી એમ તેઓ સમજતા હતા. આવી સમજથી તેઓ ઘોડે બેઠા, પણ ઘોડાએ એમની સમજને માન ન આપ્યું ! આપણો વ્યવહાર એ પણ આવો જ ઘોડો છે; એને સમતાનો સિદ્ધાંત જાણનાર અસંખ્ય ઘોડેસ્વારને પાડ્યા છે, અને આપણને પ્રતિદિન કેટલી બધી વાર પાડે છે એનો સાક્ષી આપણો આત્મા જ છે. પણ ઘોડે બેસી જાણે તે ઘોડેસ્વારને સમતાનો સિદ્ધાંત જાણવાનું શું પ્રયોજન છે? એમ તમે પૂછશો.

આનો ઉત્તર કે- દુનિયામાં હંમેશાં ઘોડે જ બેસવાનું હોતું નથી. કોઈકવાર ઊંટે પણ બેસવાનું આવે. તે વખતે એ ઊંચું અને કઢંગુ પ્રાણી જોઈ તમારું કાળજું ન ધળકે તે માટે એટલું જાણવાની જરૂર છે કે જ્યાં બેસીશું ત્યાં જો સમતાથી બેસીશું તો પડવાનો ભય નથી.

માટે જ પેલી બાઈએ કહ્યું છે કે ‘જેણે ભગવાનને ઓળખ્યો છે તેનામાં જૂઠ, ચોરી, આળસ એ કદી પણ નહિ આવે.’ જેણે ભગવાનને નથી ઓળખ્યો તેમની શાહુકારી તો જ્યાં સુધી જેલ છે ત્યાં સુધી જ; એનો ઉદ્યોગ પણ જ્યાં સુધી પારકે પૈસે રબર ટાયરની ગાડીઓ દોડાવવાની નથી મળી ત્યાં સુધી જ. માટે ચોરી, આળસ વગેરે અટકાવવાનો ખરો ઉપાય જે સર્વ દેશોમાં સર્વ કાળમાં મનુષ્યની સર્વ અવસ્થાઓમાં કામ લાગે છે તે એ જ છે કે પ્રભુની ઓળખ કરવી. અને પર્ભુની જેણે ખરી ઓળખ થઇ હશે તે સારી રીતે જાણશે જ કે પ્રભુ મારી અને આ દુનિયાની બહાર નથી, આખા વિશ્વનો એ જ અંતર્યામી છે, અને તેથી એનું સ્મરણ અર્થાત ધર્મ એ પણ દુનિયાના સઘળા વ્યવહારનો -અર્થનો અને કામનો – અંતર્યામી થવો ઘટે છે, એટલે કે અર્થ ને કામનો એ દાસ નથી, પણ અર્થ અને કામ ઉપર અમલ ભોગવી અર્થ અને કામને પોતાના કાર્યમા પ્રેરે છે. ધર્મનું આ જીવંત અંતર્યામિત્વ જેના જાણવામાં નથી તેઓ ધર્મને પોતાની દુનિયાદારીના વૈભવનું સાધન બનાવવા ઈચ્છે છે !

જે ધર્મ પૈસો આપે, સર્વ પ્રકારનું સુખ આપે એ જ ધર્મ ખરો ! એક જાણે તો અણગમો વ્યક્ત કરતા કહ્યું છે તેમ ‘MEN DONOT WORSHIP GOD; THEY USE HIM.’-જૂના વખતમાં અમારી જ્ઞાતિના એક અમલદાર વિશે કેહવાય છે કે (આશા છે કે એ વાત કલ્પિત હશે) તેઓ નિત્ય દેવનું પૂજન કરતા, અને પૂજન કરતી વખતે બોલતા નહિ, માત્ર સંજ્ઞાથી જ વાત કરતા હતા, તેવામાં કારકૂને આવીને પૂછ્યું કે અમુક ગુન્હેગારને શી શિક્ષા કરવી ? પેલા અમલદારે પોતાના લાલજીને પોતાના જનોઈથી વીંટીને ટાંગ્યા, અને આચમની વતી ફટકા મારી બતાવ્યા ! અરે દુષ્ટ ! તને ખબર નથી કે જે પ્રેમાળ માતાનાં દામણાંથી પણ પૂરેપૂરો બંધાયો નથી તે તારા સૂતરના તાંતણાથી બંધાવાનો હતો? માત્ર તું તારી ભાવનાને જ બાંધે છે ! અને એને પણ તું પવિત્ર પદવીથી ભ્રષ્ટ કરી તારા દુનિયાદારીના વ્યવહારનું સાધન બનાવે છે ! તારા કરતાં તો જેઓએ પ્રભુને જગતની બહાર બેસાડી મૂક્યો છે અને જગતમાં એને અવતરતો અનેર મૂર્તિમંત થતો જોતા નથી તેઓ જ સારા. ધર્મને અર્થ અને કામનો દાસ બનાવવો તે કરતાં તો ધર્મનું નામ છોડી દઇ અર્થ અને કામની સેવા કર્યાં કરવી એ જ સારું.

આપણા કેળવાયેલા સ્વદેશબંધુઓની બલ્કે આજકાલ પૃથવી ઉપર ઘણે ભાગે, આ બીજી સ્થિતિ જ જોવામાં આવે છે. પણ પૃથ્વીના બીજાં ભાગમાં એટલું સારું છે કે ધર્મશિક્ષણ એ દેશના પ્રાથમિક માધ્યમ તેમજ ઉચ્ચ સામાન્ય શિક્ષણનો ભાગ હોઈ એની સર્વથા ઉપેક્ષા થઇ શકતી નથી. પણ આપણે ત્યાં તો કેળવાયેલો વર્ગ ધર્મજ્ઞાનથી તદ્દન વિરહિત રહે છે અને તેથી સામાન્ય અશિક્ષિત વર્ગના ધર્મથી જ દેશની ધાર્મિક ભાવના સચવાઈ રહે છે. આ સ્થિતિમાં ફેરફાર થવાની બહુ જરૂર છે. ધર્મમાં જીવ હશે તો જ અર્થ અને કામમાં જીવ આવશે – કૂવામાં પાણી નહિ હોય તો હવાડો કેટલો વખત ભર્યો રેહવાનો હતો? આપણો કૂવો પાતાળ કૂવો છે – એમાં પાણી કદી પણ ખૂંટવાનું નથી; પણ યોગ્ય સંભાળ નહિ લઈએ તો એ નહિ ચાલે. કૂવો માટી કચરાથી પૂરાઈ ગયો હોય તો તે ગાળવો. એમાં કહોવડામણ દેખાતું હોય તો તે કઢાવી નાંખી સ્વચ્છ કરો. બહોળાં અને સ્વચ્છ પાણીથી તમારાં અર્થ અને કામનાં ખેતરો યોગ્ય સમયે અને યોગ્ય માપમાં પાશો તો એનો પાક સારો ઉતરશે. જમીન ચૂસે, વાવેતરનાં મૂળ ચૂસે તે કરતાં અધિક પાણી ઢોળીને જમીન બગાડશો નહિ, વાવેતરને કહોવડાવશો નહિ. પણ પાણી વિના ખેતરો સૂકાવા દેશો નહિ.

-આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

(‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં આવેલ છે.)

સૌજન્ય : “દાદીમાની પોટલી ” – અશોકકુમાર ‘દાસ’

દૈવ્ય, માનવ્ય અને દાનવ્ય ! – વલીભાઈ મુસા

ઘણા સમય પહેલાં ‘અખંડ આનંદ’ સામયિકમાં એક લેખ વાંચવામાં આવ્યો હતો, જેને યાદદાસ્તની ટેકણલાકડીએ અત્રે પ્રસ્તુત કરું છું.

“હિંદુ ધર્મ અનુસાર બ્રહ્મા સૃષ્ટિના સર્જક, વિષ્ણુ સૃષ્ટિનું પાલનપોષણ કરનાર અને મહેશ સંહારક છે. બ્રહ્માએ પોતાનાં સર્જનોમાંનું  શ્રેષ્ઠ સર્જન એવા માનવીને સર્જ્યા પછી એક અભિપ્રાય મેળવવા માટે દેવોને બોલાવ્યા. બ્રહ્માજી ઇચ્છતા હતા કે માનવીઓને દેવત્વનો ગુણ આપવામાં આવે કે જેના વિકાસ થકી તેઓ દેવોની કક્ષામાં આવી શકે અને પોતાના નિવાસસ્થાન એવી પૃથ્વીને સ્વર્ગીય બનાવી શકે. બ્રહ્માએ દેવોને પૂછ્યું, ‘માનવીને એવી કઈ જગ્યાએ દેવત્વ આપવું કે જેથી તેઓ તેને આસાનીથી પ્રાપ્ત ન કરી શકે. દેવત્વ અતિ મૂલ્યવાન છે અને એમ કોઈ સામાન્ય માનવીને પણ હાથ લાગી જાય તેમ ન થવું જોઈએ.’

કોઈક દેવે સૂચન કર્યું, ‘દેવત્વને સમુદ્રમાં છેક તળિયે સંતાડી દેવામાં આવે તો કોઈનેય હાથ લાગશે નહિ !’

બ્રહ્માજીએ મુસ્કરાતા ચહેરે કહ્યું, ‘મેં માનવીને એવી બુદ્ધિશક્તિ પ્રદાન કરી છે કે તેઓ દરિયામાં ડૂબકી લગાવવાનાં ઉપકરણોનો આવિષ્કાર કરશે અને દેવત્વને મેળવી લેશે.’

બીજા દેવે કહ્યું, ‘તો પછી આપણે તેને અવકાશમાં સંતાડી દઈએ તો !’

‘ના, એમ પણ નહિ; કેમ કે માનવી અવકાશની સફર પણ ખેડી શક્શે અને ત્યાંથી પણ દેવત્વને પ્રાપ્ત કરી લેશે.’

બધા દેવોએ સામૂહિક અવાજે કહ્યું, ‘આપ બ્રહ્મા છો અને આપ બ્રહ્મજ્ઞાન ધરાવો છો. અમારું જ્ઞાન આપની સરખામણીએ સીમિત છે. આપ જ કહો ને કે માનવીઓને દેવત્વ ક્યાં આપવું ? પ્રભુ, જો જો હોં કે એ દેવત્વ તેમને આસાનીથી પ્રાપ્ત ન થઈ જાય તેની કાળજી રાખશો; નહિ તો તેઓ અમારા ઉપર પ્રભુત્વ મેળવી લેશે અને અમારું અવમૂલ્યન થઈ જશે.’

બ્રહ્માએ પોતાનો અંતિમ ફેંસલો સંભળાવી દીધો, ‘માનવીઓને દેવત્વ તેમનાં અંત:કરણોમાં આપીશ. સામાન્ય કક્ષાના જીવો દેવત્વને પ્રાપ્ત કરવા માટે બહાર ભટક્યા કરશે અને પોતાનાં અંત:કરણોમાં ડોકિયું પણ નહિ કરે. મારા સર્જેલા માનવોમાં કેટલાક એવા મહામાનવો હશે કે જે આત્મચિંતન દ્વારા દેવત્વને ગ્રહણ કરી શક્શે. આવી સિદ્ધિ મેળવનારા એ મહામાનવોને તેમની યોગ્યતાના ધોરણે તમારાઓ ઉપર પણ સરસાઈ આપતાં અચકાઈશ નહિ.’

મનુષ્યને સર્જનટાણે જ દૈવી અને આસુરી ગુણો આપી દેવામાં આવ્યા છે. દૈવી ગુણોને વિકસાવનાર દેવ બની શકે અને એ જ પ્રમાણે આસુરી ગુણોના પ્રભાવ હેઠળ જીવનારો માનવી અસુર પણ બની શકે. કસ્તુરીમૃગનો દાખલો લઈએ તો તેની નાભિમાં જ કસ્તુરી હોવા છતાં તે તેની સુગંધ પ્રાપ્ત કરવા માટે તે જંગલોમાં ભટક્યા કરે છે. આપણે માનવીઓ પણ દેવત્વને પ્રાપ્ત કરવા માટે બહાર ભટકતા હોઈએ છીએ, જે એ રીતે  કદીય પ્રાપ્ત થનાર નથી. આપણે જાતને ઢંઢોળવી પડશે, આત્મમંથન કરવું પડશે અને તો જ મોંઘામૂલા એ દેવત્વને પ્રાપ્ત કરી શકીશું અને સ્વર્ગમાં વસતા એ દેવો ઉપર પ્રભુત્વ પણ મેળવી શકીશું.

દૈવી અને આસુરી ગુણોને આપણે ભલાઈ અને બુરાઈ તરીકે પણ ઓળખી શકીએ. ભલાઈ આચરવી અને બુરાઈથી બચવું એટલું માત્ર કરવાથી ભલે આપણે દેવત્વ પ્રાપ્ત કરીએ કે ન કરીએ, પણ માનવ્ય તો જરૂર પ્રાપ્ત થઈ શકશે.

કવિ ઉમાશંકર  જોશીના એક કાવ્યની પંક્તિ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું !’ને આપણે સ્મરી લઈએ.

-વલીભાઈ મુસા

સૂરએ હમ્દ – તરજુમો, પૃથક્કરણ, ગ઼ઝલ અને વીડિયો (વિવિધ સ્રોતેથી)

[મુસ્લીમોના ધર્મગ્રંથ ‘કુરઆને શરીફ’ ની પ્રથમ સૂરા “સૂરએ હમ્દ” યાને “સૂરએ ફાતિહા” એ સાર્વત્રિક એવી પ્રાર્થના (દુઆ) છે કે ગાગરમાં સાગરની જેમ એમાં ઘણી ખાસિયતો અને ખૂબીઓ સમાવિષ્ટ થયેલી માલૂમ પડશે. પ્રથમ નીચે અરબી ભાષા પણ ગુજરાતી લિપિમાં તેને મૂળ રૂપે આપ્યા પછી નીચે તેનો તરજુમો આપવામાં આવ્યો છે. આ બંને  લખાણોને  મારા મિત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથા ‘પરિક્રમા’માંથી તેમના સૌજન્યથી લેવામાં આવ્યાં છે. મુસ્લીમો પોતાની રોજિંદી પાંચ નમાજોમાંની પહેલી અને બીજી રકાત (Unit)માં વાજીબ (ફરજિયાત)ની રૂએ આ સૂરાને પઢતા હોય છે.]

સુરએ હમ્દ 

બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ /

અલ્હમ્દો લિલ્લાહે રબ્બિલ આલમીન. / અર્રહમા નિર્રહીમ / માલેકે યવ મિદ્દીન / ઈય્યાક નઅબોદો, વ ઈય્યાક નસ્તઈન / એહદેનસ્સેરાતલ મુસ્તકીમ / સેરાતલ્લઝીન અન અમ્ત અલય્હિમ / ગયરિલ મગ્ઝૂબે અલય્હિમ વલઝ્ઝાલીન.

તરજુમો 

“શરૂ કરું છું અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને ખૂબ જ રહમ કરવાવાળો છે.

સર્વે વખાણ અલ્લાહ માટે છે જે દુનિયાઓનો રબ (માલિક) છે. જે ઘણો જ મહેરબાન અને રહમ કરવાવાળો છે. જે કયામતના દિવસનો માલિક છે. અમે ફક્ત તારી જ ઈબાદત કરીએ છીએ અને તારી જ મદદ ચાહીએ છીએ. અમને સીધા રસ્તા ઉપર કાયમ રાખ. તે લોકોના રસ્તા પર કે જેમના પર તારી રહેમતો ઉતારી છે. ન કે તેઓના માર્ગ પર કે જેમના પર તારો ગઝબ ઉતર્યો હોય અને જેઓ અવળે માર્ગે ગુમરાહ થયા હોય.”

પૃથક્કરણ 

જો એવો સવાલ કરવામાં આવે કે કુરઆને મજીદની બીજી સુરાઓને છોડીને નમાઝમાં કિરઅતની શરૂઆત સૂરએ હમ્દ (અલહમ્દની સૂરા)થી જ શા માટે કરવામાં આવે છે ?

આ સવાલનો જવાબ એ છે કે સૂરએ હમ્દમાં ખૈર (ભલાઈ) અને હિકમતની જેટલી વાતો છે, તેટલી કુરઆને મજીદના બીજા કોઈ સૂરામાં નથી.

સૂરએ હમ્દની કેટલીક આયતોના અર્થનું પૃથક્કરણ :- અલ્લાહ તઆલાનો કૌલ છે.

અલ હમ્દો લિલ્લાહ : જેનાથી અલ્લાહે બંદાને ખૈર (ભલાઈ)ની જે તૌફીક આપી છે. આ તૌફીક આપવા માટે બંદાએ અલ્લાહનો જે શુક્ર અદા કરવાનું વાજિબ ફરમાવ્યું છે, તે શુક્ર અદા થાય છે.

રબ્બિલ આલમીન : આયતના આ ટુકડાથી અલ્લાહનાં વખાણ અને તેની બુઝુર્ગીના સ્વીકારની સાથોસાથ એ વાતનો સ્વીકાર થાય છે કે ખાલિક (પૈદા કરનાર) અને માલિક છે, તેના સિવાય બીજો કોઈ નથી.

અર રહમાનિર રહીમ : જેમાં અલ્લાહ તઆલા પાસે રહેમતની માંગણી અને તેની નેઅમતોનો ઉલ્લેખ છે, જે રહેમત અને નેઅમત અલ્લાહ તઆલાએ પોતાની મખલૂક ઉપર નાઝિલ ફરમાવી છે.

માલિકે યવ્મિદદીન : જેમાં ફરીથી જીવતા થવાનો સ્વીકાર, હિસાબ-કિતાબનો તેમજ સજા અને જઝાનો સ્વીકાર અને તેના હુકમનો સ્વીકાર છે. તેમાં એ વાતનો પણ સ્વીકાર કરવામાં આવે છે; જેવી રીતે તે દુનિયાનો માલિક છે, તેવી જ રીતે તે આખેરતનો પણ માલિક છે.

ઇય્યાક નઅબોદો : આ વાકયમાં અલ્લાહની નઝદીકી મેળવવાની ઇચ્છા વ્યકત કરવામાં આવી છે. અને એ વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે (બંદાનાં) બધા જ કાર્યો ફકત અલ્લાહ માટે જ છે. ગૈરૂલ્લાહ (અલ્લાહ સિવાય બીજા) કોઈના માટે નથી.

વ ઇય્યાક નસ્તઈન : આ વાકયમાં અલ્લાહ તઆલાએ બંદાઓને ઇબાદતની જે તૌફીક આપી છે, તેમાં વધારો કરવાની વિનંતી કરી છે. તેમજ અલ્લાહે તેના બંદા ઉપર જે મહેરબાનીઓ કરી છે, તે મદદ અને રક્ષણ આપવાનું સતત ચાલુ રાખવાની વિનંતી છે.

એહદેનસ્સેરાતલ મુસ્તકીમ : આ વાકયમાં આદાબે ઇલાહી તેમજ અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી રાખવા (ની તૌફીક મળવા)ની વિનંતી તેમજ અલ્લાહની અઝમત અને કિબ્રિયાઈની મઅરેફતમાં વધારો કરવાની ગુઝારિશ કરવામાં આવી છે.

સેરાતલ્લઝીન અન્‍અમ્ત અલયહિમ : આ વાકયમાં આવતી દુઆમાં રગબત (ચાહના)ની તાકીદ કરવા માટેની છે. જેમાં અલ્લાહની એ નેઅમતોનો ઝિક્ર છે, જે અલ્લાહે પોતાના અવલિયાઓને અતા કરી હતી અને તેમના જેવી નેઅમતો આપવા માટેની દરખાસ્ત (દુઆ) કરવામાં આવી છે.

ગયરીલ મગઝુબે અલયહિમ : આ શબ્દોમાં એ દુશ્મનોથી અલ્લાહ પાસે એ બાબતોમાં રક્ષણ માગવાની દુઆ કરવામાં આવી છે જે દુશ્મને ઇલાહી અને  અલ્લાહના હુકમની નાફરમાની કરે છે. (અને ગુમરાહીમાં ભટકેલા છે) એ બંનેમાં પોતાની ગણત્રી ન થાય.

વલઝઝાલીન : આ છેલ્લા શબ્દોમાં એ વાતથી રક્ષણ માગવામાં આવ્યું છે કે તે (સૂરા પડનાર) એ લોકોમાંથી ન થઈ જાય કે જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી ગયા હોય છે. અને પોતે એમ માની રહ્યા હોય છે કે (સમજતા હોય છે કે) પોતે નેક કામ કરી રહ્યા છે.

આમ આ સૂરામાં તમામ ભલાઈના હુકમો તેમજ દુનિયા અને આખેરતની તમામ હિકમતનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બીજા કોઈ સૂરામાં જોવા મળતી નથી.

[હાજી નાજી લાયબ્રેરીના બ્લૉગના સૌજન્યથી ઉપરોક્ત પૃથક્કરણ અહીં નકલ કરવામાં આવ્યું છે.]

 ગ઼ઝલ

કુરઆનિક સંદેશ (સૂરએ હમ્દ) – જનાબ ‘દીપક’ બારડોલીકર

ફ્કત અલ્લાહના માટે અતિ ઉત્તમ પ્રશંસાઓ;
ભલાઈ, બંદગી ભકિત અને  છે સર્વ ગુણગાનો.

બહુ સુંદર, અનુપમ સર્વ સૃષ્ટિનો જે સર્જક છે;
સકળ સંસારનો માલિક, દશે દિશાનો જે શાસક છે.

કણેકણ પર દયાદૃષ્ટિ છે તેની,  તે દયાળુ છે;
કરૂણાવંત છે મોટો અને બેહદ કૃપાળુ છે.

કયામતના દિવસનો તે ફકત છે એક તે આકા;
નહીં ત્યાં અન્ય કોઈની લગીરે ચાલશે આજ્ઞા.

અમે કરીએ છીએ બસ બંદગી તારી, ફકત તારી;
તમન્ના છે, મળે તારો જ ટેકો ને મદદ તારી .

ખુદાવંદ,  તું રસ્તો ચીંધજે સીધો સફળતાનો;
હૃદયની શુદ્ધતાનો, ભવ્ય ઇન્સાની મહત્તાનો.

સુભાગી એ જનોને ચીંધજે  એ રસ્તો કે જેઓ પર;
થઈ તારી કૃપાવર્ષા, રહી મીઠી નજર અકસર.

નથી ઇચ્છા મળે તે દુર્જનોના દુષ્ટ રસ્તાઓ;
વરસતી જેમના પર રહી તવ કોપ જ્વાળાઓ.

ખપે ના તેમનો મારગ, થયા બર્બાદ જે લોકો;
ગયા અવળી દિશામાં ને થયા બર્બાદ જે લોકો.

– * જનાબ “દીપક” બારડોલીકર (‘આબે કૌસર’ના સૌજન્યથી)
[‘બઝમે વફા’ બ્લૉગના આભારસહ)

* (અહીં ક્લિક કરવાથી  ગ઼ઝલકારનો પરિચય મેળવી શકાશે.)

– વલીભાઈ મુસા (સંકલનકાર)

ધ્યાનાકર્ષક નોંધ :-

[સર્વધર્મ સમભાવના આદર્શને ઉજાગર કરતું અને કેટલીક ગેરસમજોને સ્વયં સ્પષ્ટ કરતું હિંદુ પંડિત સ્વામી લક્ષ્મીશંકર આચાર્યનું ઈસ્લામ અને હિંદુ ધર્મનું તુલનાત્મક મનનીય પ્રવચન આ વિડિયો ટ્યુબ દ્વારા શ્રવણ કરવાની ભલામણ કરવામાં આવે છે, જેમાં આ લેખમાંના ‘સૂરએ હમ્દ’ ઉપરની તલસ્પર્શી છણાવટ પણ તેઓશ્રીના સ્વમુખે સાંભળવા  મળશે. – સંપાદક]     

પેન્ડીંગ કૉફી – નીલમ દોશી

તદ્દન તો નથી એ માયુસ માનવની જાતથી
તેથી  હજી ઘરોમાં એ ઘોડિયું દયે  છે. – અશરફ  ડબાવાલા

રોજ સવારે છાપામાં આવતા સમાચારોનું વિશ્લેષણ કરીએ તો તુરંત જણાશે કે કોઈપણ પેપરમાં નેગેટિવ સમાચારોનું પ્રમાણ વધારે હોય છે. પોઝિટિવ સમાચાર કવચિત્ જ દેખા દેતા હોય છે. બાકી ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મારફાડ વગેરે અનેક નકારાત્મક વાતોથી ટી.વી. કે છાપાંઓ ઉભરાતાં હોય છે; જે આપણે ચા પીતાંપીતાં, પેટનું પાણી પણ હલાવ્યા સિવાય આરામથી વાંચીને છાપુ બાજુમાં ફેંકીને જાણે કશું જ ન બન્યું હોય એમ આપણા રૂટિનમાં વ્યસ્ત બની જઈએ છીએ. આપણી સંવેદનશીલતા એવી તો બુઠ્ઠી બની ગઈ છે કે એવા કોઈ સમાચારો આપણને ખલેલ સુદ્ધાં નથી પહોંચાડી શકતા.

કદીક  પ્રશ્ન થાય છે કે શું દુનિયામાં કોઈ સારી વાત બનતી જ નથી ! વિશ્વમાંથી સારપ મરી પરવારી છે કે શું ? માનવતા કયાંય દેખા નથી દેતી કે શું ? આપણું આટલી હદે અધઃપતન થઈ ગયું છે ? તો તો ઈશ્વરને પણ એના ઉત્તમ સર્જન એટલેકે માનવી પરથી શ્રદ્ધા ઊઠી ગઈ હશે. પણ ના, સાવ એવું નથી. હજુ ઘરોમાં નવાં પારણાં બંધાતાં રહે છે, અર્થાત્ ઈશ્વરનું સર્જન હજુ ચાલુ છે. ઈશ્વરે માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ગુમાવી નથી દીધી એ એનો પુરાવો છે.

હજુ અનેક જગ્યાએ કોઈ ને કોઈ રીતે, એક કે બીજાં સેવાનાં કામો અવિરતપણે ચાલુ જ છે. આજે પણ કોઈ સત્કાર્ય માટે ટહેલ નાખવામાં આવે તો દાન દેનારાઓનો તોટો નથી પડતો. સારા કામ માટે આજે પણ અનેક લોકો તત્પર છે. કશુંક સારું કરવું છે એવી ભાવના હજુ પણ લોકોનાં દિલમાં જીવંત છે જ; પણ ઘણી વાર લોકોને કેમ કરવું, શું કરવું એની જાણ નથી હોતી. પૈસા કોઈ સારા કામમાં વાપરવા છે, પણ કયાં વાપરવા એની દિશા નથી. ઘણીવાર અનેક એન.આર.આઈ. લોકો પણ કહે છે કોઈ સારું કામ થતું હોય તો કહેજો અમારે પૈસા આપવા છે, અર્થાત્ લોકોના દિલની ભાવના, એના માંહ્યલામાં  સારપ હજુ ધબકે છે અને કમનસીબે સારા કામને એટલી પ્રસિધ્ધિ નથી મળતી; લોકો સુધી સારી વાત જલદીથી પહોંચતી નથી. ખરાબ વાત વીજળીની ઝડપથી ફરી વળે છે, પણ સારી વાતને પ્રકાશમાં આવતાં વાર લાગે છે.

હમણાં એક સરસ મજાની વાત જાણવા મળી. એની ખુશબૂ આજે અત્તરકયારીમાં..

ઈટલીની  એક રેસ્ટોરન્ટની વાત છે. એકવાર બે ગ્રાહક ત્યાં કૉફી પીવા આવ્યા અને પાંચ કૉફીનો ઓર્ડર આપ્યો અને કહ્યું, ‘બે અમારી અને ત્રણ પેન્ડીગ.’

ત્યાં  બે મિત્રો ઊભા હતા. તેમને આ સાંભળીને નવાઈ લાગી.

એક મિત્રે ઈટલીના મિત્રને પૂછયું,‘આ પેન્ડીંગ કૉફી વળી શું છે ? એનો  મતલબ શું ?’

‘હમણાં સમજાશે. વેઈટ કર અને  જોતો રહે.’ ઈટલીના મિત્રે બીજા દેશના મિત્રને કહ્યું.

થોડીવારે બીજા બે ગ્રાહક આવ્યા. તેમણે બે કૉફી માગી, પીધી અને બે કૉફીના પૈસા આપી ગયા.

થોડીવાર પછી બીજા ત્રણ ગ્રાહક આવ્યા. તેમણે સાત કૉફીનો ઓર્ડર આપ્યો. સાતના પૈસા ચૂકવ્યા. ત્રણ કૉફી પીધી અને ચાર પેન્ડીંગ કહી ચાલતા થયા.

બંને મિત્ર બધું જોતા ત્યાં જ ઊભા હતા.

થોડીવાર પછી  એ રેસ્ટોરન્ટમાં  એક ગરીબ ગ્રાહક  આવ્યો. અને આશાભરી નજરે મેનેજરને પૂછયું કે કોઈ પેન્ડીગ કૉફી છે ?

અને તુરત મેનેજરે તેને કૉફી આપી.

મિત્રે પૂછયું,  ‘સમજાયું તને ?’

જેની પાસે પૈસા છે એ આ રીતે થોડી વધારે કૉફીના પૈસા જમા કરાવી દે છે જેથી કોઈ ગરીબને એ મળી શકે. રેસ્ટોરન્ટના મેનજર પણ એટલા જ પ્રામાણિક હોય છે કે જેટલી પેન્ડીંગ કૉફી હોય તેટલી અચૂક ગરીબ ગ્રાહક સુધી પહોંચાડે છે.

આ રીતે ફકત કૉફી જ નહીં, પેન્ડીગ લંચ અને ડીનર પણ અચૂક જોવા મળે છે.

કોણ કહે છે માનવીમાં સારપ ખૂટી ગઈ છે ?  એ પૈસાથી કોને લાભ થાય છે એ જાણવાની પણ દરકાર કર્યા સિવાય બિલકુલ નિ:સ્વાર્થભાવે જયારે આવાં કામ થતાં હોય, ત્યારે ઈશ્વરને તેના સર્જન માટે ગૌરવ અચૂક થતું જ હશે ને ! મૌન રહીને સેવાની ધૂણી ધખાવનાર આવા અગણિત લોકો ખૂણેખાંચરે ફેલાયેલા છે. એમની સુવાસથી, એમની ભાવનાથી જ કદાચ આટઆટલાં ખરાબ કામો પછી પણ ઈશ્વરને હજુ માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ઊઠી નહીં ગઈ હોય ને ! એથી જ તો એનું સર્જન આજ સુધી ચાલુ રહ્યું હશે ને ! ઈશ્વર આપણને નિમિત્ત બનાવીને આપણા વડે અનેક સારાં કામો કરાવવા ઇચ્છે છે. કોણ કયારે, કેવી રીતે, કયા સ્વરૂપે નિમિત્ત બની શકે છે એની જાણ કયાં થતી હોય છે ?

આજે કોઈ નાનકડું સારું કામ કરે તો પણ તેની ચારે તરફ જાહેરાત થતી જોવા મળે છે. મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિ સુદ્ધાં આગળ દાતાના નામની તકતી વંચાતી જોવા મળે છે, ત્યારે  મનમાં પ્રશ્ન જાગે છે દરેક જગ્યાએ, દરેક સમયે નામનો મોહ શા માટે ? જાહેરાતનાં પાટિયાં શા માટે ? દાન આપતાં પહેલાં નામ મૂકવાની શરતો શા માટે ? એનાં પ્રવચનો શા માટે ? દરેક વખતે એ જરૂરી હોય છે ખરું ?

ઘણી વખત જાહેરમાં મોટાં દાન કરનારી દાનવીર  વ્યક્તિ તેના ઘરના ગરીબ નોકરનું જે રીતે, જે ક્રૂરતાથી શોષણ કરતી હોય છે એ જોઈને પણ અનેક પ્રશ્નો મનમાં જાગે છે. સારા દેખાવા માટે કે સમાજમાં વાહવાહ કરાવવા માટે આવા દાનવીરો દંભનો બુરખો ઓઢીને જ ફરતા જોવા મળે છે. એક જ માનવીમાં હમેશાં દેવ અને દાનવ બંને શ્વસતા હોય છે. એનામાં રહેલી દૈવી વૃત્તિ જયારે ઉપર આવે, ત્યારે એ સારાં કાર્ય કરે છે અને જયારે માનવીની ભીતરમાં રહેલી આસુરી વૃત્તિ ઉપર આવે, ત્યારે એને  નઠારો બની જતાં વાર પણ નથી લાગતી. કયારે કઈ વૃત્તિ ઉપર આવે છે એ કળી શકવું સહેલું નથી હોતું.

એથી જ કહ્યું છે ને કે દરેક વાતનો તાગ પામી શકાય, પણ માનવીના મનનો તાગ પામવો ખૂબ અઘરું કામ છે. માનવીની ભીતરમાં રહેલી દૈવી વૃત્તિ ઉપર આવતી રહે અને અન્યને ઝળહળાવતી રહેશે એ શ્રધ્ધા સાથે.

આભાર.

– નીલમબેન દોશી

(માનવધર્મને પુરસ્કૃત કરતા આ લેખ અને ભવિષ્યે તેઓના બ્લૉગમાંની ‘અત્તરક્યારી’ શ્રેણીમાંના મારા ‘માનવધર્મ’ બ્લૉગ માટે મને મનપસંદ અન્ય લેખોના ચયન માટે  ખુલ્લી ઓફર આપવા બદલ નીલમબહેનને ધન્યવાદ. – વલીભાઈ મુસા)

યે શરીફોંકા મોહલ્લા હૈ, યે ઇન્ડિયા હૈ ! – નવીન બેન્કર

બે મહિના માટે અમે (એટલે કે હું અને મારાં પત્ની) અમદાવાદ ગયાં હતાં. વતનની યાદ, વતનના દોસ્તો, પાડોશીઓને મળવા, જૂની યાદોને તાજી કરવા અને શિયાળામાં ત્યાં મળતાં તાજાં શાકભાજી ખાવાની અમારી જિજીવિષા તથા ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદમાં ગુજરાતી રંગભૂમિનાં નવાંનવાં નાટકો, ગુજરાતી સાહિત્ય પરિષદ યોજિત પરિસંવાદો, લેખકો-કવિઓ-ગઝલકારોની મુલાકાતો, મનપસંદ પુસ્તકોની ખરીદી- આ બધું મને ગમે છે. રીંગણ-મોગરી, ચોળી કે જામફળનું ગળચટું  શાક મને ત્યાં જ મળે છે.

પચાસેક વર્ષ પહેલાં, અમદાવાદથી બારેક માઈલ દૂર, શાંત સ્થળે અમે બે ડોસા-ડોસી નિવૃત્ત જીવન શાંતિપૂર્ણ રીતે વિતાવી શકીએ એવું એક બેડરૂમ-રસોડાનું ઘર એક સોસાયટીમાં બંધાવેલું. કાળક્રમે પછી તો અમેરિકા આવવાનું થયું અને એ નાનકડું ઘર, સમૃદ્ધિ વધતાં, બે માળના બંગલામાં ફેરવાઈ ગયું. નીચેના વિશાળ ખંડની દિવાલો પર, નટનટીઓ સાથેના ઇન્ટર્વ્યૂઝની તસ્વીરો, મેં ભજવેલાં નાટકોના ફોટાઓની ૮” બાય ૧૦” ની ફ્રેમો વગેરે લટકાવીને હું મારા મિથ્યાભિમાનને પોષતો ભૂતકાળની સ્મૃતિઓમાં જીવું છું.

આટલી પૂર્વભૂમિકા પછી હું ‘યે શરીફોં કા મોહલ્લા હૈ !’ની કથા પર આવું છું.

મારી સામેના બંગલાના નીચેના બે રૂમ નોકરી કરતી ચાર યુવાન છોકરીઓને ભાડે આપેલા છે. વીસથી માંડીને પચીસ વર્ષની વયની આ દીકરીઓ સવારે નવ વાગ્યે નીકળી જાય અને સાંજે સાત વાગ્યે પાછી ફરે. સામસામાં બારણાં એટલે અમે એકબીજાંને જોઈએ, પણ પરિચયના અભાવે હજી ‘હાય-હેલો’ કરવા જેવા સંબંધો અમારી વચ્ચે વિકસેલા ન હતા.

એક દિવસે  તેમાંની એક દીકરી એમના ઘરની ચાવી આપવા મારી પત્ની પાસે આવી હતી, ત્યારે મારી પત્નીએ એને બેસાડીને ચાપાણીનો વિવેક કરેલો. એ વખતે દિવાલ પરની નટનટીઓ સાથેની અમારી તસ્વીરો જોઈને એને અહોભાવની લાગણી થઈ અને પછી તો ચારેય જણીઓ સાંજે જૉબ પરથી આવીને અમારા ઘરે જ અડિંગો જમાવે. હુંય એમને અમેરિકાની ગળચટ્ટી વાતો કરીને હસાવું. ક્યારેક એ લોકો અમારી સાથે જમી પણ લે. એમ અમારો સંબંધ બંધાયો. મને એ દીકરીઓ ‘દાદુ’ કહે.

એક દિવસ સવારના પહોરમાં સામેના ઘરના ઓટલા પર સોસાયટીના મદ્રાસી ચેરમેન અને પંજાબી સેક્રેટરીએ આવીને શોરબકોર કરીને તથા ઘાંટા પાડી પાડીને પેલી છોકરીઓને ઉદ્દેશીને કહ્યું, ‘યે શરીફોંકા મોહલ્લા હૈ…યહાં ઐસા નહીં ચલેગા…તુમ લોગ તો ધંધા કરતી હો.’ …વગેરે…વગેરે…

આવા સમયે મોટાભાગે પાડોશીઓ ચૂપ રહેવાનું પસંદ કરતાં હોય છે, પણ હું ચૂપ ન રહી શક્યો. હું સામેના બારણે ગયો અને મદ્રાસી ચેરમેનને આ શું થઈ રહ્યું છે એની પૃચ્છા કરી.

‘ગઈકાલે રાત્રે એક યુવાન છોકરો મોટરસાઇકલ પર આવેલો અને આખી રાત આ ઘરમાં રહ્યો. વહેલી સવારે રિક્ષામાં આમાંની એક છોકરી સાથે જતો રહ્યો છે અને એની મોટરસાઇકલ પણ અહીં જ પાર્ક કરતો ગયો છે. સોસાયટીના ચોકીદારે ફરિયાદ કરી છે. એટલે અમારે તો સોસાયટીનું નામ બદનામ ન થાય એ માટે આ ‘કચરો’ સાફ કરવો જ પડે ને !”- લુંગીમાસ્તર એવા એ મદ્રાસી ચેરમેને મને વાત સમજાવી.

રૂમમાં એક જ છોકરી હતી. બીજી બે છોકરીઓ હોળી મનાવવા એમના ગામડે ઉદેપુર બાજુ ગઈ હતી. રૂમવાળી છોકરી થરથર ધ્રૂજતી અને રડતી હતી. મેં એને શાંત પાડી અને પછી એણે કહ્યું,‘પેલી બે જણી તો બે દિવસથી હોળી મનાવવા ગામડે ગઈ છે. હું અને શીતલ ઘરમાં એકલાં જ હતાં. શીતલની તબિયત બરાબર ન હતી એટલે એણે એના માસીના દીકરાને ફોન કરીને રાત્રે બોલાવેલો. સામાન્ય ઉપચારોથી એની તકલીફ દૂર ન થઈ એટલે વહેલી સવારે કંદર્પ ઓટોરિક્ષા બોલાવીને શીતલને વલ્લભવિદ્યાનગર તેને મૂકવા ગયો છે અને એની મોટરસાઇકલ અહીં જ પાર્ક કરેલી છે.’

મેં એ મદ્રાસી લુંગીમાસ્તરને કહ્યું, ‘હું આ છોકરીઓને ઓળખું છું. સારા ખાનદાન ઘરની આ દીકરીઓ નોકરી કરતી એકલી રહે છે. બે રૂમના આ ઘરમાં પાતળી ગોદડીઓ પર પડી રહે છે. ઘરમાં પલંગ કે સારી પથારીઓ સુધ્ધાં નથી. છતાં તમને એવું લાગ્યું હોય તો તમારે એમને રાઈટીંગમાં નોટિસ આપવી જોઇએ. એમના ઘરમાલિકને જણાવવું જોઈએ. આજુબાજુવાળાં પાડોશીઓને પૂછપરછ કરવી જોઈએ અને પછી કંઈ તથ્ય લાગે તો સૌજન્યપૂર્વક પગલાં (Action) લેવાય. અને…હજી પેલી છોકરી અને એના કહેવાતા બોયફ્રેન્ડ કે માસીના દીકરાને તો તમે સાંભળ્યાં જ નથી. આમ આ રીતે સવારના પહોરમાં નીતિ અને ચારિત્ર્યના રખેવાળ બનીને ‘તુમ ધંધા કરતી હો’ જેવા હીન શબ્દપ્રયોગ કરીને કોઈ સ્ત્રી ઉપર આક્ષેપ મૂકવાનો તમને કોઈ અધિકાર નથી.’

પછી તો પેલો મદ્રાસી અને પંજાબી મારી પર જ તૂટી પડ્યા. ‘જુઓ નયનકુમાર, તમે બે માસ માટે અમદાવાદ આવ્યા છો; તો શાંતિથી ચૂપચાપ રહો. અમારી વાતમાં તમારે પડવાની જરૂર નથી. તમારે અમેરિકામાં ગમે તેમ ચાલતું હશે. અહીં નહીં ચાલે. યે તો શરીફોંકી બસ્તી હૈ….નાહક પોલીસકેસના બખેડામાં ફસાઈ જશો તો તમારી રીટર્ન ટિકિટ કેન્સલ કરાવવી પડશે…’ વગેરે…વગેરે…

પછીની વાત ટૂંકી છે. પેલો છોકરો એની મોટરસાઇકલ લેવા આવ્યો તો એને લેવા ન દીધી. અઠવાડિયા સુધી ધક્કા ખવડાવ્યા. પેલી શીતલ તો પાછી સોસાયટીમાં આવી જ નહીં. બાકીની બે પણ ડરની મારી ચાલી ગઈ.

બિચારી ચારેય ચકલીઓ ઊડી ગઈ. માળો ખાલી થઈ ગયો.

હજી આપણી માનસિકતા બદલાઈ નથી. એકલી રહેતી સ્ત્રીને કોઈ પુરુષ મળવા આવે, તો એ સ્ત્રીના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવામાં આવે છે. અમેરિકામાં પણ આપણાં દેશી બૈરાંની માનસિકતા આવી જ છે. એકલી રહી ને જૉબ કરતી કોઇ અપરિણીત કે ડાયવોર્સી સ્ત્રીના ઘેર કોઈ પુરુષમિત્ર આવે તો પડોશમાં રહેતી મંછાડોશીઓ કાનફૂસિયાં કરે જ છે અને મંદિરો કે સિનિયર્સની મિટીંગોમાં ઝેર ઓકતી જોવા મળે છે.

મને હજુ એ નથી સમજાતું કે પુખ્ત વયનાં સ્ત્રીપુરુષ નિર્દોષભાવે એકબીજાંને મળતાં હોય તો કહેવાતા એ ચોખલિયાં લોકોનાં ધર્મ અને સંસ્કૃતિનું કયું આભ તૂટી પડે છે ?

અહીં અમેરિકામાં પણ એક સ્ત્રીમિત્રને મળવા એના એપાર્ટમેન્ટ પર જઈ નથી શકાતું. એના એપાર્ટમેન્ટની બહાર કોઈ રેસ્ટોરન્ટના પાર્કીંગ લોટમાં એની રાહ જોવી પડતી હોય છે. પછી એને ફૉન કરીને જાણ કરતાં એ ચાલીને બહાર આવીને કારમાં બેસી જાય છે.

-નવીન બેન્કર

નોંધ :- અત્રે પાત્રોનાં નામ બદલવામાં આવ્યાં છે.