મહિનો: જાન્યુઆરી 2016

ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે……. (Re-blogged) – દર્શા કીકાણી

કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે,

અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે,

નથી એ ધર્મનાં ટીલાં, કલંકો છે મનુષ્યોનાં,

વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે!

વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં

ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે…….

– ‘શૂન્ય’ પાલનપુરી

ભગવાને માણસને બનાવ્યો. અને પછી માણસે ભગવાનને બનાવ્યો, અલગ અલગ ધર્મો બનાવીને! વિધિની વિચિત્રતા તો જુઓ, ભગવાને અનેક માણસ બનાવ્યાં અને માણસે અનેક ભગવાન (ધર્મો?) બનાવ્યા. ભગવાન હજુ માણસો બનાવ્યા કરે છે તો માણસ પણ ક્યાં નવરો બેઠો છે ? રોજરોજ નવા નવા બાબાઓ, ભગવાનો, માતાજીઓ અવતરતાં જ રહે છે! અને સાથે સાથે નાત, જાત, ધર્મ પણ વધતાં જ રહે છે. નાત, જાત, ધર્મ વધે અને સૌ સંપીને, હળીમળીને રહે તો તો વાંધો જ ક્યાં છે ? પરંતુ, અહીં તો એ બધાં એકબીજાની સામસામે આવી બાખડે છે! ધર્મના જ્ઞાનથી તો માણસની દ્રષ્ટિ વિકસે, તેની સમજ ખીલે, વધુ પરિપક્વ થાય અને તે પોતે વધારે સહિષ્ણુ બને.  ધર્મની ઓળખ માટે થતાં ટીલાં-ટપકાં આમ તો માણસની આભા વધારવા હોય, તેના જ્ઞાનને પ્રદર્શિત કરવા હોય. પણ જે રીતે માણસ ધર્મને નામે લડે છે તે જોતાં તો કપાળનાં એ આભૂષણોમાં માણસની વામનતા છલકે છે, તેની સંકુચિતતા ઉભરાય છે અને તે કલંક બની રહે છે.

જે માનવ ખરેખર ધર્મને જાણે છે તે ક્યારેય બીજાના ધર્મને ઉતારી નથી પાડતો. તે સર્વ ધર્મોને સમાન જાણે છે, ગણે છે. તેને ખબર છે કે આખરી મંઝિલ તો એક જ છે, રસ્તા ભલે અલગઅલગ હશે. માણસ ઝનૂની બની ધર્મ માટે મરી શકે છે પણ સમજુ બની ધર્મ માટે જીવી શકે તો ધરતી પર સ્વર્ગ જ સ્વર્ગ છે ! ગીતા તથા કુરાન સહિતના બધા ધર્મગ્રંથો એક જ વસ્તુ કહે છે જે કવિશ્રી ઉમાશંકર જોષીએ એક જ વાક્યમાં કહી નાખી : “હું માનવી માનવ થાઉં તો ઘણું !” માનવી જો આટલું સમજી જાય તો એણે ગીતા, કુરાન, વેદ કે પુરાણ, કંઈ વાંચવાની જરૂર નથી. ‘શૂન્ય’ પાલનપુરી કહે છે તેમ :

સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.

આપણે ઉપવનમાં જઈ મહાલીએ છીએ પણ તેની પાસેથી કંઈ ઉપદેશ લેતાં નથી. બાગમાં અનેક જાતનાં ફૂલો જોવાં મળે, ગુલાબ, મોગરો, ચંપો…. અનેક રંગનાં પુષ્પો હોય : લાલ, પીળાં, ગુલાબી. અરે, તેમનાં વિવિધ રંગોને લીધે તો ચમનમાં બહાર આવે. તમે ક્યારેય લાલ ફૂલોને પીળાં ફૂલો સાથે લડતાં જોયાં છે ? ક્યારેય ગુલાબને મોગરા સાથે બાથ ભીડતાં જોયાં છે ? ક્યારેય ચંપાની સુગંધ મોગરાની મહેકમાં ખલેલ પહોંચાડે છે ? ફૂલોને તોડીને ગુલદસ્તો બનાવો તો પણ પોતાનું જીવન સમર્પિત કરતા પહેલાં ફૂલો એકબીજા સાથે અનન્ય સંવાદિતા રાખી કેવાં શોભે છે ?  તો પછી આ માણસ જ કેમ આવો નપાવટ? ધોળી ચામડીનો માણસ કાળી ચામડીના માણસ સાથે કેમ લડે છે ? હિંદુ ધર્મની સુગંધમાં મુસલમાન ધર્મની મહેકમ ભળી જઈ નવી અહલાદક સુવાસ કેમ નથી રચાતી? અંગ્રેજી બોલતો માણસ હિન્દી બોલતા માણસ સાથે કેમ અસભ્ય વર્તન કરે છે ? માણસ ક્યારે સાચા અર્થમાં માણસ બનશે ?

– દર્શા કીકાણી

સૌજન્ય : દર્શાબહેન કીકાણી અને ‘વેબગુર્જરી’