મહિનો: ફેબ્રુવારી 2016

એક મનનીય અવતરણ

ચૌદમા તિબેટિયન બૌદ્ધ દલાઈ લામા (મૂળ નામ – Lhamo Dondrub)નું અવતરણ છે : “મારો આ સીધોસાદો ધર્મ છે. અહીં મંદિરની જરૂર નથી, કે પછી અટપટા કોઈ તત્ત્વજ્ઞાનની પણ. આપણું દિમાગ, આપણું હૃદય એ આપણું મંદિર છે અને ભલાઈ એ જ તત્ત્વજ્ઞાન છે. આપણા જીવનનો પરમ ઉદ્દેશ છે, અન્યોને મદદ કરવી. પરંતુ જો તમે તેમને મદદ ન કરી શકતા હો, તો ઓછામાં ઓછું તેમને નુકસાન તો ન જ પહોંચાડો. જો તમે બીજાઓને સુખી જોવા ઇચ્છતા હો, તો કરુણા દાખવો; જો તમે પોતે સુખી થવા માગતા હો, તો પણ કરુણા જ દાખવો.”

રજૂકર્તા : વલીભાઈ મુસા

(‘ગૂગલ સર્ચ’ના સૌજન્યથી)

Advertisements

પ્રેમે કરીને રહેજો મારા ભાઈલા રે (ભજન)

પુરોવચન 

વલીભાઈ,

ઘણાં વખતે પાછાં અહીં ભેગા થવાનું થયું. તે પણ એવે વખતે કે મારા મનમાં સતત એવો વિચાર આવ્યા કરે છે કે મનને માનવતા તરફ પ્રેરે તેવી વાતો, કથા, કવિતા અને ભજન એકબીજા સાથે શેર કરવાનું વધારવું. એક ભજન લખીને ખાસ લોકભારતી, સણોસરા જવું અને ત્યાંના વિદ્યાર્થી-ર્થિનીઓ સાથે બેસીને ભજન ગાવું તેવું મન થયું, એટલે કાલે જ લખીને લઈ ગયેલો.

મને હતું કે ભજન સાંભળીને છોકરાં તાળી પાડી લેશે એટલે પૂરું થશે; પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહથી સાંભળ્યું, તેમાં સુધારા સૂચવ્યા, અમે ત્યાં જ સુધાર્યું અને બધાંએ શીખીને ફરીથી ગાયું. સાંજની પ્રાર્થનામાં ફરી ગાયું. ઝૂમી ઝૂમીને ખૂલ્લા મને અને અવાજે ગાયું.

આપણાંમાંથી કોઈને સાંભળવું હશે તો એકાદ વિદ્યાર્થીના અવાજમાં રેકોર્ડ કરાવીને મોકલી પણ આપીશ.

– ધ્રુવ ભટ્ટ

# # # # #

પ્રેમે કરીને રહેજો મારા ભાઈલા રે

પ્રેમે કરીને રહેજો મારા ભાઈલા રે
તમે સહુનો કરો ને સ્વીકાર રે સાધો
મનખો રતન તારો મેલો ન થાયે રે

તમે કરશો ક્યાં જુદા નિવાસ રે સાધો
તાળાં જુદાં ઘર એક ખૂલે છે રે

શું કૈલાસે શું કાબે ફરવું રે
બધે એક જ છે કિરતાર રે સાધો
મનખો રતન તારો મેલો ન થાયે રે

વેદ પુરાણ કુરાન ઉઘાડો રે
બધી એમ વદે છે કિતાબ રે સાધો
મનખો રતન તારો મેલો ન થાયે રે

ના કોઈ ઊંચ નીચું મારા ભાઈલા રે
બધો એક જ છે પરિવાર રે સાધો
કોણ અલગ કહો કોણ પરાયો છે?

આપ હી એક ભળ્યો છે મારા ભાઈલા રે
જે છે તારી તે છે મારી નાત રે સાધો
મનખો રતન તારો મેલો ન થાયે રે

એ નહીં પામો ઘરમ ‘ને કરમમાં રે
એ તો બેઠું છે રૂદિયાની માંહ્ય રે સાધો
મનનું રતન તારું મેલું ન થાજો રે

પ્રેમે કરીને રહેજો મારા ભાઈલા રે…

-ધ્રુવ ભટ્ટ અને લોકભારતી, સણોસરાના વિદ્યાર્થીઓનું સહિયારું સર્જન