અતુલના સ્વપ્નદૃષ્ટા શ્રી બી.કે. મઝમુદાર- શ્રી બી.કે.સાહેબની માનવતા

                                        અતુલના સ્વપ્નદૃષ્ટા શ્રી. બી.કે.સાહેબની માનવતા.

IMG_1120

શ્રી બલ્લુભાઈ કૃષ્ણલાલ મજમુદાર ધી અતુલ પ્રોડક્ટ્સના જનરલ મેનેજર તરીકે કર્મચારીઓમાં તેઓ  ‘ બી.કે.’સાહેબ’ના હુલામણા નામે જાણીતા હતા. તેમના જીવનનાં અનેકવિધ ઉજ્જ્વળ પાસાંઓ છે. તેમના એક પાસાનો ઉલ્લેખ તેમને અંજલીરૂપે  રજૂ કરું છું.

આ પ્રસંગ છે ૧૯૫૭-૫૮નો. અતુલના કામદારોનો પગાર તે દિવસોમાં દર મહિનાની સાતમી તારીખે થતો,અને તે દિવસ પગાર સુદ સાતમ તરીકે કામદારોમાં જાણીતો હતો.અતુલમાં તે વખતે આશરે ૨૦૦૦ – ૨૫૦૦  કામદારો કામ કરે.પગારને દિવસે બધા જ કામદારો પગાર લેવા કેશ ઓફીસે આવે તો પ્રોડક્ષન કામમાં વિક્ષેપ પડે અને બીજી બાજુ કેશ ઓફીસ આગળ મોટું ટોળું ભેગુ થાય અને ઓફીસના કામકાજમાં ખલેલ પહોંચે. આથી કંપનીએ વ્યવસ્થા કરેલી કે,ટાઈમ કીપર ખાતાનો સ્ટાફ દરેક ખાતામાં જઈ દરેક કામદારને તેની પગારની સ્લીપ વહેંચી આવે. આ સ્લીપમાં કામદારનું નામ, તેના ખાતાનું નામ,પગારનો મહિનો,પગારની રકમ, તેમાંથી મહિના દરમ્યાન પગાર પેટે એડવાન્સ ઉપાડેલી રકમ બાદ કરી છેલ્લે પગાર પેટે ચૂકવવા પાત્ર રકમ આંકડામાં તેમજ શબ્દોમાં લખવામાં આવે.સ્લીપ જોઈ તેમાં કંઈ ભૂલચૂક હોય તો તે કામદાર ટાઈમ કીપરની ઓફીસમાં જઈ તે મુજબ સુધારો કરાવી આવે, અને બપોરે લંચ પછી કૅશ ડિપાર્ટમેન્ટના   માણસો કૅન્ટીન હૉલમાં સ્લીપ મુજબ પગાર ચૂકવે.

એક કામદાર જીગલો ગાંડો.ખરું નામ તો યાદ નથી; પરન્તુ જીગલો ગાંડો તરીકે સૌ તેને જાણે. તે ગાંડો તો નહિં પરન્તુ  સ્વતંત્ર સ્વભાવનો અને કૈંક ધૂની તથા માનસિક નબળાઈ  હોવાને લીધે લોકો તેને ગાંડો કહે.ઈશ્વર જેને માનસિક વિકૃતિ આપે છે તેને તેના બદલામાં અખૂટ શક્તિ આપે છે. જીગલામાં પણ શક્તિનો અખૂટ ભંડાર હતો. ચાર ચાર વ્યક્તીઓના  કામ એ એકલો સહજમાં કરી નાંખે.

જીગલાએ પગાર પેટે રકમ એડવાન્સમાં ઉપાડેલી હોવાથી તેની પગાર સ્લીપમાં  ફક્ત ૪ (ચાર) રૂપિયા થતા હતા.સ્લીપ સવારના તેના હાથમાં આવી ગઈ હતી. તે ઝાઝું તો ભણ્યો નહોતો પરન્તુ દુનિયાદારીએ તેને હોંશીયાર બનાવ્યો હતો.લખતાં તો ઝાઝું આવડે નહી તેથી આંકડા ૪ ની જોડે મીંડું કરી  ૪ ના ૪૦ કરી દીધા.

બપોરે પગાર લેવા ગયો અને પગાર પેટે રૂ.૪૦ની ચુકવણી  કૅશીઅર ચંદુભાઈ બેન્કરે કરી દીધી. પગારની વહેંચણી પુરી કરી કૅશ ડિપાર્ટમેન્ટના માણસો કૅશરૂમમાં કૅશ  મેળવવા (ટૅલી )કરવા બેઠા.હિસાબ મળે નહિં, રૂ.૩૬ ની ભૂલ આવે. સ્લીપોનો સરવાળો વારાફરતી દરેક જણાએ કરી જોયો. ભૂલ પકડાય નહી કૅશ ડિપાર્ટમેન્ટના બધા સ્ટાફને પરસેવો છૂટી ગયો.કારણ કે એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટના હેડ શ્રી બી.ડી. પટેલ સાહેબની ધાક જબરી.ખાતાવાર લેજર ચેક કરી જોયાં,પગારની સ્લીપો ચેક કરી રૂ. ૩૬ નો મેળ પડે નહી. હિસાબ મેળવ્યા વગર ઘેર જવાય નહિં. હિસાબ મેળવતાં રાતના આઠ વાગ્યા.

શ્રી ઠકોરભાઈ કૅશીઅર જરા શાણા અને સમજુ. તેમણે કહ્યું  લેજરના આંકડા કરતાં સ્લીપોના આંકડાની ગણતરીમાં ફેર આવે છે. સ્લીપોનો સરવાળો વધુ આવે છે તેથી ભૂલ પગારની સ્લીપોમાં જ છે. સૌથી મોટું ખાતું એઝો પ્લાન્ટનું માટે એઝો ખાતાની ૨૫ – ૨૫ સ્લીપો જુદા જુદા માણસોને આપો અને આંકડા અને શબ્દોની રકમ ચેક કરો. આમ કરવાથી જીગલાની સ્લીપમાં આંકડામાં ૪૦ અને શબ્દોમાં ચાર.કેશીયરે ઉતાવળમાં આંકડો ૪૦ જોયો અને પેમેન્ટ કરી દીધું.શબ્દોમાં રકમ જોઈ નહિં.આમ રૂ ૪ ની જગ્યાએ રૂ ૪૦ ચુકવી દીધા.આમ રૂ ૩૬ ની રકમનો ભેદ મળી ગયો.બધાને હૈયે ટાઢક થઈ. બીજે દિવસે જીગલાને બોલાવી તપાસ કરી તેની પાસેથી પૈસા વસૂલ કરીશું કહી સૌ ઘેર ગયા.

બીજે દિવસે ૮મી એ શનિવાર હતો. પગાર હાથમાં આવ્યો તેથી જીગલો તો રાજાપાઠમાં. કામ પર આવ્યો નહિં. ત્રીજે દિવસે તારીખ ૯મી એ રવિવારની રજા.આ બાજુ સ્ટાફમાં ગભરામણ. એકાઉન્ટ્સના  ચોપડા તો ક્લીઅર કરવા જ પડે.  શ્રી બી.ડી. પટેલસાહેબને વાત કરવાની કોઈની હિંમત નહિં. કૅશ ડિપાર્ટમેન્ટની જવાબદારી શ્રી ચંદુભાઈ બૅન્કર સંભાળે. તેથી તેમણૅ હિંમત  એકઠી કરી. સૌને સાથે લઈને શ્રી બી.ડી.પટેલસાહેબને વાત કરી. તેમણે  પહેલાં તો બધાની ની ધૂળ કાઢી નાંખી, અને ઘટતી રકમ રૂ. ૩૬ દરેક્ના પગારમાંથી કાપી મૂકી દેવાની તાકીદ કરી. શ્રી બી.ડી. પટેલસાહેબનો કડપ એવો કે તેમની સામે કોઈ ચું કે ચાં કરી ના શકે .સૌ વીલા  મોઢે શ્રી પટેલ સાહેબની ઑફીસમાંથી બહાર આવ્યા. સામે શ્રી બી.કે.સાહેબ મળ્યા. બધાના મોઢાં પડી ગયાં હતાં તેથી શ્રી બી.કે. સાહેબે સહજ જ પૂછ્યું,કૅશ ડિપાર્ટમેન્ટનો બધો  જ સ્ટાફ  કેમ અહીં ? શું બાબત છે ? કોઈ પ્રશ્ન છે ?  શ્રી ચંદુભાઈ બૅન્કરે વિગતે વાત કરી. બી.કે. સાહેબે શાંતિથી વાત સાંભળી અને કહ્યું કે જીગલો કામ ઉપર આવે ત્યારે મારી પાસે બોલાવજો. ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો.

તારીખ ૧૦મી ને સોમવારે જીગલો કામ ઉપર આવ્યો.કોઇ પણ જાતના ભય અને સંકોચ વગર કામે લાગી ગયો. લગભગ સવારના નવ સવાનવ વાગે એકાઉન્ટસ ઑફીસમાંથી  એઝોપ્લાન્ટમાં  ફોન આવ્યો કે જીગલાને શ્રી બી.કે. સાહેબ બોલાવે છે, માટે તેને મોકલી આપો.બીજા કામદારોને જીગલાના પગારના ગોટાળાની ખબર નહિં.સૌને એમ કે સાહેબને કંઈ કામ હશે તેથી તેને બોલાવતા હશે. જીગલો શ્રી બી.કે. સાહેબની ઑફીસે પહોંચી ગયો. શ્રી બી.કે. સાહેબની ઑફીસમાં એક બાજુથી જીગલો અને બીજી બાજુથી શ્રી ચંદુભાઈ બૅન્કર અને શ્રી  ઠાકોરભાઈ દેસાઈ એક સાથે જ દાખલ થયા.

જીગલો શ્રી બી.કે. સાહેબને સલામ કરી એક બાજુ ઉભો રહ્યો એટલે શ્રી બી.કે. સાહેબે કહ્યું, આવો જગુભાઈ.
(શ્રી બી.કે. સાહેબ હંમેશાં દરેકને માન પૂર્વક જ બોલાવતા.)

ચંદુભાઈ બૅન્કરે પગારની સ્લીપ શ્રી બી.કે. સાહેબને બતાવી કેવી છેતરપીંડી કરી છે તે જણાવ્યું.

શ્રી બી. કે. સાહેબે જીગલા તરફ ફરી તેને સ્લીપ બતાવી પુછ્યું,
આ સ્લીપ તમે ચેક ચાક કરી સુધારી છે ?

સ્લીપ જોઈને હાથમાં લઈ એ બોલ્યોઃ સાહેબ મને લખતાં નીં આવડે.આ મીંડું મેં મૂક્યું છે. સાવ સાહજીકતા અને નિર્દોષતાથી તેણે જણાવ્યું.

એવું કેમ કર્યું ?
તદ્દન નિર્દોષ, નિષ્કપટ અને  ભોળાભાવે તેણે જવાબ આપ્યો.
કેમ સાબ, ખાવા નીં જોવે ?
ચાર રૂપિયામાં આખો મહિનો કેં  કરી ખાવું ?
એટલે ચોરી કરવાની ?
મેં ચોરી કાં કરી ?
(તેને મન  ચોરી એટલે રાત્રે કોઈના ઘરમાં પેસી ચોરી કરવી એને ચોરી કરી કહેવાય.)
આને ચોરી જ કહેવાય.
તો પગારમાંથી કાપી લેજો.
એટલી જ સહજતાથી અને નિર્દોષભાવે ચોરીની કબૂલાત
શ્રી ચંદુભાઈ અને શ્રી ઠકોરભાઈના હૈયે ટાઢક થઈ.
આ માણસની નિખાલસતા અને નિર્દોષતા ઉપર શ્રી બી.કે. સાહેબ હસી પડ્યા, અને બોલ્યાઃ સારૂં જગુભાઈ જાવ. હવેથી આવું કરતા નહિં. અને જીગલાએ ત્યાંથી વિદાય લીધી.પછીચંદુભાઈ અને ઠાકોરભાઈ તરફ ફરી કહ્યું”ચાર રૂપિયામાં તે બીચારો શું કરે ?  મારી સિગારેટનું બીલ જ માસિક ૫૦ રૂપિયા છે. આ લો રૂ. ૩૬ .” એમ કહી ખિસ્સામાંથી રૂ. ૩૬  કાઢી આપ્યા અને તેના પગારમાંથી આવતે મહિને કાપશો નહિં  તેમ જણાવ્યું.
આવા ઉદાર અને માનવતાવાદી હતા શ્રી . બી.કે. સાહેબ.

સમાપ્ત.

( પ્રકાશિત; “અખંડ આનંદ “માસીક  મૅ,  ૨૦૧૦)
લેખકઃ  ઉમાકાન્ત વિ. મહેતા.
૨૦, મીડો, ડ્રાઈવ,ટૉટૉવા.
એન જે .૦૭૫૧૨ યુએસએ.
ફોનઃ   (૧)  ૯૭૩  ૯૪૨  ૧૧૫૨.
(૨)  ૯૭૩  ૩૪૧  ૯૯૭૯.
ઈ-મેઈલઃ<mehtaumakant@yahoo.com>

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s