પેપર પીન

[‘માનવધર્મ’ પાંગરે છે, ફળે છે અને ફૂલે છે; પરિવારમાં જ. સંસ્કારી પરિવારોનાં નિવાસસ્થાનો એ જ ‘માનવધર્મ’નાં ધર્મસ્થાનો બની રહે છે. મહેન્દ્રભાઈને હું ઓળખતો નથી, પણ મારા મિત્ર સુરેશભાઈ જાનીને સંબોધીને મોકલાયેલી તેમની મેઈલ્સ મને અવારનવાર મળતી રહે છે. તેમની આજની મેઈલમાં ઉમદા વિચાર રજૂ થયેલ હોઈ મારા વાચકો સાથે તેમની અનુમતિની અપેક્ષાએ  શેર કરું છું.  – વલીભાઈ   મુસા]

 પેપર પીન 

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સભ્યને યોગ્ય સલાહ-સૂચન આપતા અને એનાથી પરિવાર જળવાઈ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એક વખત મોટા દીકરાએ આ વડીલને કહ્યું, ” બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખૂંચે છે. અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? ” વડીલે દીકરાની પીઠ પર હાથ મૂકીને કહ્યું, ” બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે. તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે, પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઈ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે; ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરું છું, કારણ કે પરિવારને એક રાખવો એ વડીલ તરીકેની મારી ફરજ છે.”

દીકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું છે કે દીકરાને તેમની આ વાત ગળે  ઊતરી નથી. દીકરો એના ટેબલ પર બેસીને કંઈક લખી રહ્યો હતો. ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઊડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેરવિખેર થઈ ગયા.

દીકરાએ ઊભા થઈને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ એને તેમના પર ખૂબ ગુસ્સો આવ્યો. એનાથી ના રહેવાયું, એટલે એણે વડીલને કહ્યું, ” તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? ” વડીલે કહ્યું, “એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી, મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દૂર કરી. એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી, એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.”

દીકરાએ કહ્યુ, ” બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા. તમે ટાંચણીને દૂર કરીને બધા કાગળને પણ છૂટા કરી નાંખ્યા. ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે.” પિતાજીએ પોતાના દીકરા સામે જોઈને સ્મિત કર્યું અને પછી કહ્યુ, ” બેટા, મારું કામ પણ આ ટાંચણી જેવું જ છે. તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું, પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઈને રહ્યા છો.”

મિત્રો, ઘણીવખત પરિવારના વડીલની અમુક વાતો આપણને ખૂંચતી હોય, પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

સૌજન્ય :-

મહેન્દ્રભાઈ ઠાકર

સંપર્ક સૂત્ર : mahendra thaker <mhthaker@gmail.com>

Disclaimer :

It is the greatness of Mahendrabhai in his acceptance that the content of this post has  been received by him through ‘what’s app…’ and nothing is his own. All credit goes to the original author with my feelings of gratitude that the content of this post has been used for the cause of humanity and not for any personal gains.  – Valibhai Musa

Advertisements

5 comments

  1. હીરલબેન, પ્રવીણકાન્તભાઈ અને શરદભાઈ,
   ‘પેપર પીન’ ઉપર આપ ત્રણેયે જે ચર્ચા કરી છે, તેને આપની અનુમતિની અપેક્ષાએ એ લેખની નીચે પ્રતિભાવ કક્ષમાં કોપી-પેસ્ટ કરું છું કે જેથી આપના વિચારો યોગ્યસ્થાને જળવાઈ રહે.
   આગોતરા આભારસહ,
   સસ્નેહ,
   વલીભાઈ મુસા
   નોંધ:- આ પ્રતિભાવ પાછળ આવનારા ત્રણ કોપે પ્રતિભાવોની અગાઉ આવે તે માટે હિંમતભાઈ જોશી (આતા)ના પ્રતિભાવના Reply વિકલ્પે મૂકવામાં આવ્યો છે.

   Like

 1. By Mail from Hiral Shah (Wed, Mar 30, 2016 at 5:12 PM) :-

  પેપરપીન વાળી વાત અને પ્રતિભાવો, મને ખબર નંઇ કેમ પણ વિચારોમાંથી ખસ્યા જ નંઇ.

  હવે કેમ આવી વેદના વધતી ગઇ છે અને એનું શું સોલ્યુશન હોઇ શકે?

  શું ‘દયા, અનુકંપા, કરુણા, પ્રેમ, સહનશક્તિ’ આ બધા ગુણો ‘સ્વતંત્રતાની આડમાં સ્વછંદી’ બનવામાં એટલા બધા

  નામશેષ થતા જાય છે?

  શું બાળકોના ઉછેરમાં આ ગુણોનું આરોપણ એટલું બધું કઠિન છે? આવા ગુણોવાળી વ્યક્તિને ખરેખર સમાજ ‘દુનિયાદારીના ભાન વગરની કે વારંવાર ઉલ્લુ બનાવે છે?

  શું ખરેખર બધો દોષ ‘વહુ’ નો જ? દીકરાઓના ઉછેરમાં કોઇ જ કમી નંઇ? શું જેટલી અપેક્ષા વહુ પાસેથી વડીલોની કાળજી માટે રખાય એટલી કાળજી વહુના વડીલો માટે રાખવાની (સંજોગોવસાત) તૈયારી દીકરાને કેમ શીખવવામાં નંઇ આવતી હોય?

  ઘણા સવાલો ઉઠે પણ ……

  Like

 2. By Mail from Pravinkant Shastri (Wed, Mar 30, 2016 at 6:49 PM) : –

  મારા એક લેખમાંથી ખાસ તો હિરલબેન માટે કંઈક ઉતારું છું. અમેરિકા હોય કે ઈંગ્લેન્ડ, ભારત કે અન્ય ભૂમિ પરિસ્તિતિ તો કંઈક અંશે સમાન જ છે.
  વડિલોએ દેશ કાળને અનુસરીને પરિવર્તન માટે તૈયારી રાખવી જ પડશે. તમે સાંઠ-સિત્તેરના દાયકામાં તમારા વડિલો માટે જે ફરજ બજાવી હોય તેવી જ ફરજ તમારા સંતાનો ચાળિસ વર્ષ પછી બજાવી શકે એવા સમય સંજોગો છે ખરા? વાસ્તવિકતાનો સમજ પૂર્વક સ્વીકાર થઈ શકે તો “શ્રાપ” માનતા વડિકોની અડધી મનોવેદના ઓછી થઈ જાય.

  આપણે પહેલા વિચારીયે. વૃધ્ધ કોણ? એક સમયે પચાસની ઉપર પહોંચો એટલે વૃધ્ધ ગણાવા માંડો. સરકાર પણ પંચાવન પર પહોંચો એટલે તમને નિવૃત્ત કરી દેતી. અમેરિકામાં તમે પંચાવને ઓલ્ડ નથી ગણાતા. પંચાવન પછી તમે એડલ્ટ કોમ્યુનિટીમાં રહેવા જવા લાયક બનો છો. વારંવાર ગુજરાતમાંથી પ્રગટ થતા વર્તમાન પત્રોમાં હાસ્યાત્મક સમાચાર વાંચવા મળે છે; અઠ્ઠાવન વર્ષની વૃધ્ધાને ગાયે ગબડાવી પાડી. પત્રકારો અને વાચકોનું આ માનસ? અને તે પણ ૨૦૧૨-૨૦૧૩ના વર્ષોમાં? ચાલો ભારતની વાત જવા દો. તમો અમેરિકાની કોઈ ઑફિસમાં જઈને ઉભા રહો. નજર મારો. હવે તો ફરજીયાત નિવૃત્તિની ઉમ્મર ૬૫ વર્ષની રહી નથી. તમને ૬૫ થી ૭૦ વર્ષના ઘણા સ્ત્રી પુરુષો દરેક ક્ષેત્રમાં યુવાનો સાથે કામ કરતા દેખાશે.

  જેમણે ગીતા ન વાંચી હોય એવો માનવી પણ જાણતોજ હોય છે કે હું જનમ્યો છું એટલે વહેલો મોડો મરવાનો જ છું. જાતસ્ય હિ ધ્ર્વોર્મૃત્યુ. જીવન લંબાશે તેમ શરીરના જીવંત કોષનાશ પામવાના જ છે. જેમ જેમ કોષ નાશ પામશે તેમ તેમ ઘડપણ આવતું જ જશે એ નિર્વિવાદ છે. એ શારીરિક પ્રક્રિયામાંથી કોઈ જીવ મુક્ત નથી. પણ માનસિક ઘડપણનું શું? સંતાનને ત્યાં સંતાન થાય એટલે ઘડપણનો બિલ્લો લગાવીને ફરવાનું? આ થઈ વૃધ્ધાવસ્થાની મનોદશા.

  જુના સમયમાં અને આજે પણ અમેરિકામાં કેટલાક કુટુંબમા ત્રણ પેઢી સાથે રહે છે. દાદા-દાદી, પુત્રો, પુત્રવધૂઓ અને પૌત્ર-પૌત્રીઓ સાથે રહે છે. અનેક બાંધ-છોડના સંઘર્ષ વચ્ચે જીવી રહ્યા છે. અથવા જીવવું પડે છે. નામ સ્થળ બદલીને થોડા દાખલાઓ જોઈયે.

  મહેસાણાથી ચિમનભાઈ બે નાના બાળકો સાથે અમેરિકામાં આવે છે. પતિ-પત્ની રોજ અઢાર કલાક કામ કરી, કરકસર કરી નાની મૉટેલ ખરીદે છે. છોકરાં મોટા થાય છે. નોકરી ધંધામાં ખાસ સફળતા નથી. આર્થિક કારણોસર સંયુક્ત કુટુંબમાં જીવન ગાળવું પડે છે. સહજીવન એક આર્થિક લાચારી છે. સાસુ-સસરા અને પુત્રવધૂઓ વચ્ચે શીત યુધ્ધ ચાલતું રહે છે. મનની મોકળાશ નથી.

  બીજો દાખલો…મનોજભાઈ એક સારી કંપનીમાં એન્જીનીયર હતા. એનો પુત્ર પણ સ્થાનિક યુનિવર્સીટીમાંથી એન્જીનીયર થયો છે. પિતા એને એની કંપનીમાં જ જોબ અપાવે છે. ઘર છોડવાનો કે જૂદા પડવાનો સવાલ જ નથી પુત્રવધુ આવે છે. એને પોતાના સમણા છે. સર્વ સુખ હોવા છતાં સાસુ-સસરાનું વર્ચસ્વ કઠે છે. સાસુ-સસરાને વહુનો સ્વભાવ રીત, રસમ અને વિચારો સાથે મેળ બેસતો નથી. સામાજીક રીતે એન્જીનીયર કુટુંબની એકતા વખણાય છે. બધાને અલગ થવું છે પણ માની લીધેલી પ્રતિષ્ઠા આડે આવે છે.

  એક બીજી વાત. શ્રી રણછોડજી દેસાઈ. નાના શહેરમાં વકીલ છે. એના બે પુત્રો પણ સાથે જ છે. પુત્રો પણ એ જ વ્યવસાયમાં છે. બધું કોર્ટનુ કામ ગુજરાતીમાં થાય છે. ક્લાયન્ટ્સ ગુજરાતીઓ છે. બન્ને ભાઈઓ સાથે અમેરિકા આવે છે. અંગ્રેજી આવડે છે પણ બોલવાનો મહાવરો નથી. અહીની બારની પરીક્ષા માટે ભણવું પડે તે ભણવાની જોગવાઈ અને અનુકૂળતા નથી. માતાપિતા વકિલાત ઘરબાર સમેટીને અમેરિકા આવે છે. પુત્રવધૂઓ બદલાયલી લાગે છે. પુત્રો વ્યવસાર બહારના કામ કરીને અમેરિકામાં જીવન થાળે પાડવા કોશિષ કરતા હોય છે. માતાપિતાને અનેક જાતનો અસંતોષ જાગે એ શક્ય છે. માબાપ ઈન્ડિયા પાછા જઈને ફરીથી પોતાનો વ્યવસાય શરુ કરે છે.

  આપણી ભારતીય સંસ્કૃતી પરસ્પરની ફરજ પર ઘડાયલી છે. માતાપિતા સંતાનોની મોટી ઉમ્મર સુધી આર્થિક, સામાજિક જવાબદારી નિભાવે છે. વયસ્ક થતા “માં બાપને ભૂલશો નહીં” ના ગાણા ગાવાનું શરૂ કરી દે છે. માતા-પિતાએ ફરજ બજાવી હોય, એ બજાવાયલી ફરજનું વળતર મેળવવાનો પોતાનો હક છે એવું પ્રતિસ્થાપીત કરવાનો પ્રયાસ કરે છે. ના..ભઈ..ના. ફરજ અને હકમાં ઘણો ફેર છે. પેઢી દર પેઢી વચ્ચેનો બદલાવ ખૂબ ઝડપથી મોટો થતો જાય છે. જે માતાપિતાની અપેક્ષાઓ વધારે હોય,અવાસ્તવિક હોય, અવ્યવહારુ હોય કે સમયાકૂળ ન હોય તેઓ માનસિક રિબામણી ભોગવે છે, દુખી થાય છે. બ્લેક મૅઇલીંગ કરીને સંતાનોને પણ દુઃખી કરે છે.

  મારા ઘણા વડિલ મિત્રોના સંતાનો અભ્યાસ કે વ્યવસાયને ને કારણે કુટુંબથી દૂર રહ્યા છે. એમની પોતાની અલગ જીવન શૈલી છે. માબાપ પ્રત્યે પ્રેમ છે પણ વસ્તુ અને સમય સંજોગોનું મુલ્યાન્કન કરવાની દૃષ્ટિ જુદી છે. સંતાનોના મુલ્યાનકની સાથે માબાપ અલગ પડે છે. પણ અલગ રહેતા વૃધ્ધ માબાપ સહેલાઈથી સ્વીકારી લે છે. ‘ધે આર બાય ધેર ઓઉન’. જેઓ સાથે રહે છે તેઓને વર્ચસ્વ ગુમાવવાનું દુઃખ છે. તેઓ રિબાય છે.

  મારા એક મિત્ર સુરેશભાઈ અમેરિકામાં ત્રીશ પાંત્રીસ વર્ષથી સ્થાયી થયા છે. સુરેશભાઈ અને અમારા સરલા ભાભી એમના પુત્ર નયન અને પુત્રવધૂ માલતી સાથે રહે છે. એને પણ બે બાળકીઓ છે. મારી દૃષ્ટિએ સુખી કુટુંબ છે. હમણાં થોડા દિવસ પર સરલાભાભી મને મળવા આવ્યા. ઔપચારિક વાતો પછી મને કહે કે તમારા ભાઈબંધને સમજાવોને! મેં પૂછ્યુ તો એ રડવા લાગ્યા. કહે કે હવે આટલા વર્ષ પછી એને નયનથી છૂટા થવું છે. ઘરનું ઘર છોડી એપાર્ટમેન્ટમાં જવું છે. નયન અમારો એકનો એક દીકરો છે. કિન્ડર ગાર્ડનમાં જવા જૅટલી થઈ ત્યાં સૂધી બે નાની દીકરીઓને મેં મોટી કરી છે. તમે તો માલતીને ઓળખો છો. એના વાણી, વિચાર, વ્યવહાર અને વર્તનથી એ અકળાય છે. મારી સાથે પણ એનું વર્તન દેરાણી-જેઠાની હોય એવું રાખે છે. જાણે સસરા અને વહુ વચ્ચે વર્ચસ્વની માનસિક લડાઈ ચાલે છે. તમને તો ખબર છે કે અમને બન્નેને અનેક જાતની બિમારી છે. દેહનો ભરોસો નથી. કદાચ એક બે વર્ષ જૂદા થઈએ પણ એક જતાં બીજાએ તો પાછું નીચા મોંએ દીકરા પાસે જ આવવાનું છે ને! આટલા વર્ષ સાથે રહ્યા પછી છૂટા થઈએ તો દીકરો પણ વગોવાયને. એમની વાત અને દલીલ એવી છે કે હવે પાછલી જીંદગીમાં જે દિવસો જીવવા મળે તે માનસિક ક્લેશ વગર જીવવા છે. કહે છે કે જે વેઠે તે જ જાણે.

  સરલાબહેન અને સુરેશભાઈ બન્નેની વ્યથા સાચી છે. પિતા સુરેશભાઈ, દીકરાના લગ્ન જીવનને અને પોતાના મનની શાંતી માટે વળગણ છોડવા માટે ઉત્સુક છે. માતાને ભવિષ્યની ચિંતા સતાવે છે. જો બે માંથી એક ન હોય ત્યારની પરિસ્થિતિ માટે સરલાબહેન તૈયાર નથી. તો એમને માટેના કયા વિકલ્પો છે?

  Like

 3. By Mail from Sharad Shah (Wed, Mar 30, 2016 at 7:56 PM) :-

  “શું દયા, અનુકંપા, પ્રેમ, કરુણા, લાગણી, સહનશક્તિ વગેરે ગુણો
  સ્વતંત્રતાની આડમાં સ્વચ્છદતાનો ભોગ બની નામશેષ થતા જાય છે?”
  નામશેષ તો ખબર નથી પણ ક્ષીણ તો થઈ રહ્યા છે તે પ્રવિણભાઈએ આપેલ ઉદાહરણો
  અને આપણા બધાનો અનુભવ પણ છે. આ પરિણામ છે એકતરફી બુધ્ધીના વિકાસનુ. આપણી
  ભિતર પણ જોઈએ તો એક સતત સંઘર્ષ બુધ્ધી અને દિલ વચ્ચે ચાલે છે. ભારતિય
  સંસ્કૃતિમાં જોર દિલના વિકાસનુ રહ્યું છે જ્યારે પાશ્ચાત સંસ્કૃતિમાં
  બુધ્ધીના વિકાસનુ. અને બન્નેના પરિણામો આપણી નજર સમક્ષ છે. બુધ્ધી
  વિજ્ઞાન અને આર્થિક વિકાસ માટે ઉપયોગી છે જ્યારે દિલની ભાષા અને આયામ
  જુદા છે. હિરલ બહેનને જે લક્ષણો નામશેષ થવાનો ભય છે તે બધા દિલની પેદાશ
  છે અને આધુનિકયુગમાં બુધ્ધીના વિકાસ તરફ જેવી અને જેટલી ગતિ છે તે દિલના
  વિકાસ તરફ નથી. પરિણામ સ્વરુપ આ સમસ્યા છે અને તેનુ સમાધાન શું તેવો
  પ્રશ્ન ઉઠે છે.
  અમે નાના હતાં ત્યારે એક વાર્તા આવતી. કદાચ તમે બધાએ પણ સાંભળી હોય. એક
  જંગલમાં બે સાધુઓ રહેતાં. એક લંગડો અને બીજો આંધળો હતો. બન્ને વચ્ચે
  પ્રતિસ્પર્ધા અને હુંસાતુંસી ચાલતી. તેઓ વારંવાર ઝગડી પડતાં. એકવાર
  જંગલમાં ભયાનક આગ લાગી. આંધળો જોઈ ન શકે અને લંગડો જઈ ન શકે. બન્નેના જીવ
  જાય તેમ હતું. લંગડાએ પેલા આંધળાને કહ્યું,” તું મને તારા ખભે બેસાડ અને
  લઈ ચાલ તો આપણૉ બન્નેનો જીવ બચી શકે. નહીંતો આપણે બન્ને આ દાવાનળમાં
  હોમાઈ જાશું.” આંધળો કહે પણ હું તો જોઈ નથી શકતો, તને ખભે બેસાડી શું
  કરું?” લંગડો કહે,” તું નથી જોઈ શકતો પણ હું તો જોઈ શકું છું, હું તને
  માર્ગદર્શન કરીશ અને તે મુજબ તું ચાલજે તો બન્ને બચશું” અને તે મુજબ
  કરતાં બન્નેનો જીવ બચી ગયો. આ છે તો એક બાળવાર્તા, પણ અનેક ભારતિય
  બાળવાર્તાઓ ગહન અર્થ સભર છે.
  આપણું દિલ આંધળું છે અને બુધ્ધી લંગડી. દિલ તો ગમેતેના પ્રેમમાં પડી જાય,
  પણ બુધ્ધીનુ માર્ગદર્શન મળે તો યોગ્ય જીવનસાથી મેળવી શકાય અને જીવન નૈયા
  સુખેથી પાર કરી શકાય. તેથી ઉલટું કેવળ બુધ્ધીનો જ ઉપયોગ કરી કોઈ ધનવાન,
  શક્તિશાળી, રુપાળો પુરુષ કે સ્ત્રી શોધી પરણીએ તો તેનુ પરિણામ પણ અશુભ
  આવે. બહુ રુપાળો/કે રુપાળી હોય તો તેના લફરા ઝાઝા હોય. બહુ ધનવાન હોય તો
  ધનની પાછળ ગાંડપણ એવું સવાર હોય કે પતિ/કે પત્નીની કોઈ પ્રવાહ જ ન હોય.
  બહુ શક્તિશાળી હોય તો તેની શક્તિનુ પ્રદર્શન બાયડી પર પણ કરવાનો/ની. જરુર
  છે દિલ અને દિમાગના સમન્વયની. કોઈપણ દિશામાં એક તરફી વિકાસ ઘાતક બની શકે
  છે. એટલે શિક્ષણ કે સંસ્કાર એવા હોવા જોઈએ જે દિલનો અને દિમાગનો સરખો
  વિકાસ કરે. વિજ્ઞાન પણ વિકસે અને ધર્મ પણ. નવાયુગનો માનવી ઝોરબા પણ હોય
  અને બુધ્ધ પણ. અને ત્યારે જ માનવીનો સાચો વિકાસ થશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s