તાવીજ પહેરવાથી શૌહર સારું કમાશે! (REBLOGGED WITH COURTESY FROM ‘ABHIVYAKTI- GOVIND MARU)

“મૌલવીજી! મારું નામ રેશ્મા. આ મારી નાની બહેન સાયરા છે. સાયરા માનસીક અસ્થીર છે. સારવાર ચાલુ છે. તમે નુરહજુરી ઈલમના જાણકાર છો, એવી મને જાણકારી મળી એટલે અમે તમારી પાસે આવ્યા છીએ!”

“રેશ્મા! તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. સાયરાની સ્થીતી મેલીવસ્તુના કારણે થઈ છે. મેલીવસ્તુનો નીકાલ દવાખાનામાં ન થાય. એકસો એકાવન ટકા સારું થઈ જશે. લોકો યુ.કે., યુ.એસ.એ., કેનેડા અને ઓસ્ટ્રેલીયાથી મારી પાસે આવે છે! અશક્ય કશું નથી, બધું શક્ય છે!”

“મૌલવીજી! સાયરાને સારું થઈ જાય તો અમારી ચીંતા ટળે. સાયરા તેર વર્ષની થઈ છતાં તેની માનસીક ઉમ્મર ચાર–પાંચ વર્ષના બાળક જેવી જ છે!”

“રેશ્મા! ચીંતા છોડી દે. સાયરાની જવાબદારી મારી. એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય!ખતરનાક ઈચ્છાધારી વશીકરણ, શત્રુનાશ, ધારેલી વ્યક્તીનું મીલન, સૌતનમુક્તી, એક તરફી પ્રેમ, દારુ છોડાવવા, સન્તાનપ્રાપ્તી, ધંધામાં બરક્ત, છુટાછેડા, પતીપત્ની વચ્ચે અણબનાવ, મન્ત્રતન્ત્ર, મુઠચોટ, સગાઈ, ગુપ્તબીમારી, વીઝામાં વીલમ્બ, બગડેલા સમ્બન્ધ સુધારવા વગેરે સમસ્યાઓનો મારી પાસે ઉકેલ છે. મેં કરેલું કામ કોઈ તોડી શકે નહીં. અને મારી પહેલાં કોઈ કામ કરી બતાવે તો રુપીયા પાંચ લાખનું ઈનામ આપવાની મેં જાહેરાત કરી છે!”

રેશ્મા સાદીકઅલી પટેલ (ઉમ્મર : 21) અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હતી. તેની શાદી થઈ ગઈ હતી. પતી સાદીકઅલી સાઉથ આફ્રીકામાં ધંધા અર્થે ગયા હતા. રેશ્મા પીયરમાં હતી. નાની બહેનની ચીંતામાં તે જીવ બાળી રહી હતી. તે ઈચ્છતી હતી કે સાયરાને જલદી સારું થઈ જાય! મૌલવીજીના એ શબ્દો ‘એવું કોઈ કામ નથી જે મારાથી ન થાય!’– રેશ્માના હૃદયને ખુબ ગમ્યા! તેણે કહ્યું : “મૌલવીજી! મને શ્રદ્ધા છે. તમારા શબ્દો, આશીર્વાદ હકીકત બને!”

“રેશ્મા! ઉપરવાળો જરુર મદદ કરશે!”

મૌલવીજીએ ગ્લાસમાં પાણી લીધું. ગ્લાસમાં ત્રણ ફુંક મારી. પછી તે પાણી સાયરાને પીવડાવી દીધું! કહ્યું : “રેશ્મા! આવતા શુક્રવારે સાયરાને લઈને આવજે. બીજી વીધી કરવાની જરુર છે!”

મૌલવીજીનું નામ હતું ઈકબાલ અહમદ દેસાઈ (ઉમ્મર : 58). સુરતના તડકેશ્વર વીસ્તારમાં રહેતા હતા. દોરા–ધાગા, તન્ત્રમન્ત્ર દ્વારા ઈલાજ કરતા હતા. તે કાયમ લીલા રંગની વેશભુષામાં રહેતા. ગળામાં ચમકદાર નંગોની ત્રણ–ચાર માળાઓ પહેરતાં. તેમનું વ્યક્તીત્વ ધ્યાનાકર્ષક હતું!

શુક્રવારે રેશ્મા, સાયરાને લઈને મૌલવીજી પાસે આવી, કહ્યું : “મૌલવીજી, છેલ્લાં એક વીકથી સાયરાને સારું રહે છે. તોફાન ઓછા કરે છે! મને વીશ્વાસ બેસી ગયો છે કે સાયરાને જલદી સારું થઈ જશે!”

“રેશ્મા! ઈલમની અસર છે! એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય!”

મૌલવીજીએ કાળો દોરો હાથમાં લીધો. તેના ઉપર ત્રણ ફુંક મારી. પછી તે દોરો સાયરાના જમણા કાંડે બાંધી દીધો! લોબાનનો ધુપ કર્યો. મન્ત્રતન્ત્રની વીધી કરી, કહ્યું : “રેશ્મા, આવતા શુક્રવારે એકલી આવજે. સાયરાને સાથે લાવવાની જરુર નથી. કુટુમ્બના કોઈ એક સભ્ય ઉપર વીધી કરીએ તો પણ બીજા સભ્ય ઉપર અસર થાય છે!”

સાયરાને સાથે લઈને સુરત જવું–આવવું મુશ્કેલ હતું. રેશ્માને શાંતી થઈ. શુક્રવારે રેશ્મા મૌલવીજી પાસે પહોંચી.

મૌલવીજીએ પુછયું : “રેશ્મા! સાયરાને કેમ છે?”

“મૌલવીજી! ઘણો સુધારો છે!”

“થોડા દીવસોમાં સાયરાને સારું થઈ જશે! રેશ્મા, આજે તને જુદા કારણસર મેં અહીં બોલાવી છે!”

“મૌલવીજી! કહો કયું કારણ છે?”

“રેશ્મા! તું ગુપ્તતા! જાળવે તો કહું!”

“મૌલવીજી! કસમ ખાઈને કહું છું. તમે જે કંઈ કહેશો તે કોઈને નહીં કહું!”

“રેશ્મા! સાઉથ આફ્રીકામાં તારા શૌહરને ધંધામાં મુશ્કેલી છે!”

“મૌલવીજી! તમને કઈ રીતે ખબર પડી?”

“રેશ્મા! મન્ત્રતન્ત્રની વીધી દ્વારા મને જાણવા મળ્યું છે!”

રેશમાના ચહેરા ઉપર ચીંતાના વાદળો ઘેરાવા લાગ્યા. તેના કપાળે પરસેવો વળી ગયો. રેશ્માએ કહ્યું : “મૌલવીજી! આનો કોઈ ઉકેલ તમારી પાસે છે?”

“રેશ્મા! ચીંતા કેમ કરે છે? એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય!”

મૌલવીજીએ લોબાનનો ધુપ કર્યો. અગરબત્તીઓ પેટાવી. રેશ્માના માથા ઉપર મોરપીંછની સાવરણી ફેરવી. કાળા રંગના તાવીજ ઉપર ત્રણ ફુંક મારી અને તે તાવીજ રેશ્માના જમણા બાવડા ઉપર બાંધીને મૌલવીજીએ કહ્યું : “રેશ્મા! આ તાવીજ પહેરવાથી શૌહર સારું કમાશે! કોઈ અડચણ નહીં આવે!”

રેશ્માના ચહેરા ઉપર ખુશીઓ આળોટવા લાગી! તેણે મૌલવીજીના સલામ કરીને કહ્યું : “મૌલવીજી! ખરેખર, તમે જે કરી શકો, તે કોઈ ન કરી શકે! તમે મને ચીંતાના દરીયામાં ડુબતી બચાવી લીધી છે!”

“રેશ્મા! એક નાનકડી વીધી બાકી છે. એ વીધી પછી કોઈ ચીંતા જ નહીં રહે! આ વીધી જીતાલી ગામે, તારા નીવાસસ્થાને કરવી પડશે!”

“મૌલવીજી! તમે મારા ઘેર આવશો, એ તો અમારું સદ્ભાગ્ય કહેવાય! મારા માતા–પીતા તમારા દર્શન કરવા આતુર છે! હું તો રાજી–રાજી થઈ જઈશ!”

તારીખ 14 નવેમ્બર, 2011ને સોમવાર. બપોરના ત્રણ વાગ્યે મૌલવીજીએ, રેશ્માના ઘેર પધરામણી કરી. ઘરના સભ્યો આનન્દવીભોર બની ગયા! મૌલવીજીએ કહ્યું : “વીધીમાં બે કલાક લાગશે, ત્યાં સુધી રેશ્મા સીવાયના સૌ સભ્યોને, ઘરથી સો મીટર દુર જઈને ઉભા રહેવાનું છે! વીધી પુરી કર્યા બાદ હું અહીંથી જતો રહું ત્યારે જ તમારે પરત આવવાનું છે!”

ઘરના સૌ સભ્યો નીવાસસ્થાન છોડીને જતા રહ્યા ત્યારે મૌલવીજીએ કહ્યું : “રેશ્મા! આ વીધી ગુપ્ત છે અને બન્ધ રુમમાં જ કરવી પડશે!”

“ભલે. મૌલવીજી!”

“રેશ્મા! આજની વીધી પછી તારા શૌહરની બરકત થશે! શરત એટલી છે કે વીધીની કોઈ વાત ક્યારેય કોઈને કરવાની નથી. સાદીકને પણ નહીં! જો કોઈને ગન્ધ પણ આવશે તો વીધીની અવળી અસર થશે. સાયરા વધુ પાગલ થઈ જશે. રેશ્મા, તારી પણ એવી જ હાલત થઈ જશે! સાદીક તને છોડીને જતો રહેશે!”

“મૌલવીજી! હું કસમ ખાઈને કહું છું. વીધી કાયમ ગુપ્ત જ રહેશે!”

“રેશ્મા! આવી અદ્ભુત પ્રતીબધ્ધતા હોય, આવી શ્રદ્ધા હોય, તો જ વીધી, તન્ત્રમન્ત્રની અસર થાય!”

મૌલવીજીએ બન્ધ રુમમાં વીધીની તૈયારી કરી. તેમણે લીલા રંગની વેશભુષા ઉતારીને એક બાજુએ મુકી. રેશ્મા હેબતાઈ ગઈ. મૌલવીજીએ કહ્યું : “રેશ્મા! સંકોચ છોડી દે! સંકોચ કરીશ તો વીધી બીજી વખત કરવી પડશે!”

“મૌલવીજી! તમે શું કરી રહ્યા છો? આને વીધી કહેવાય?”

“રેશ્મા! આ વીધીનો એક નાનકડો ભાગ છે. વીધી કરવાથી ફાયદો છે, ન કરવાથી કલ્પના ન કરી શકીએ, તેવું નુકસાન થાય!”

“મૌલવીજી! આવું કામ તમે કઈ રીતે કરી શકો? તમારી ઉમ્મર તો જુઓ!”

“રેશ્મા! એવું કોઈ કામ નથી, જે મારાથી ન થાય!”

“મૌલવીજી! તમે સમજ્યા નહીં. હું તમારી દીકરી જેવી છું! દીકરી સાથે આવી વીધી કેમ થઈ શકે?”

રેશ્માનું વીચારતન્ત્ર ખોરવાઈ ગયું. તે બેહોશ થઈ ઢળી પડી. મૌલવીજીએ વીધી પુર્ણ કરી.

તારીખ 01 જાન્યુઆરી, 2012ના રોજ સાદીકભાઈ સાઉથ આફ્રીકાથી પરત ફર્યા. રેશ્માને સાસરીએ તેડી ગયા. અચાનક રેશ્માને ઉલટી થઈ. તેની સાસુને શંકા ગઈ. રેશ્માનું મેડીકલ ચેકઅપ કરાવ્યું. રેશ્માના પેટમાં બે મહીનાનો ગર્ભ હતો! પતી સાદીકભાઈએ રેશ્માને ધરપત આપી. રેશ્માએ જે બન્યું હતું તેનું વર્ણન કર્યું.

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી. જે. આઈ. વસાવાએ રેશ્માની ફરીયાદ રજીસ્ટર કરી, મૌલવીજીને જેલમાં પુર્યો!

(પીડીતાનું નામ કાલ્પનીક છે)
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’(19, એપ્રીલ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક :  શ્રી. રમેશ સવાણી, I.G.P.
10-Jatin Banglo, B/h-Judge’s Banglo, Police Choki, Bodakdev, Amdavad – 380 054 Mobile: 99099 26267  e.Mail: rjsavani@gmail.com
અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ :  govindmaru@gmail.com