કાવ્ય

(૫૦૫) “મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં) : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૨)

William’s Tales (Bilingual Multi Topic Reads)

મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં)

(ભાવાનુવાદ)

એ.કે.૪૭ની ગોળીઓની વર્ષા તણી એ રમઝટે,
સ્વાત, પાકિસ્તાનના એ દાંતાળા મારગડે,
એકલાઅટૂલાએ જ્યાં ધૈર્ય ધરવું કઠિન,
એવા વનરાવને એ નાનકડી કિશોરી,
નિજ વૅનમાં,
હુમલા સામેના પ્રતિકાર તણો પડકાર ઝીલી લે
ને ન થાય આધીન એ ઘાતકી ઘેલછાઓને;
બની નિ:સંકોચ
અને વળી મુક્ત વિશ્વ તણા મુક્ત માનવીની જ્યમ
રહી નિર્ભયા, ન જરાય ઝૂકતી !
ઊભી રહી અડીખમ વૈષમ્ય સામે સ્મિતસહ
અને ચીંધ્યો મારગ સાવ સાચો જગતને;
શાંતતા અને અધિકાર રક્ષવા,
રહી ઊભી ટટ્ટાર નતમસ્તકે
અને બોલાવ્યો જયજયકાર –
જ્ઞાન, શાંતિ અને જ્યોતિ તણો;
વળી જુલમગાર અને રક્તપાતી શાસન તણા
અંધારા પ્રદેશ મહીં, થઈ મશાલ તું ઊભરી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

To Malala (On receiving the Nobel prize)

Among the bullety bushes of AK 47
where it’s hard to be composed and one
at a forked road in Swat, Pakistan
a tiny girl when attacked in a van
chose to resist…

View original post 546 more words

ગળપણ ગાળવું છે – મુનિરા અમી

(અછાંદસ)

ગળપણ ગાળવું છે;
ઠામ દિલનું ભરાય એટલું.
જીવનમાંથી મીઠાશ તારવવી છે એટલી,
કે મનના કિનારા છલકાય.
દિલની જો સીમાઓ જરા વિસ્તરે,
તો સમાય એમાં દુનિયા આખી.
પણ, મૂંઝવણ છે;
એટલું હમણાં કેમ કરીને વેતરું?
ખબર નથી, મારી હસ્તીની ગાગરમાં
ગોળ એટલો છે ય ખરો;
કે શેકી શકું કંસાર આખા સંસાર માટે?
સૂઝે છે એવામાં કામિયાબ,
કીમિયો કરકસરનો;
કે આયખામાંથી અમી તારવું એટલું,
કે કમ સે કમ,
આત્માની કુલડી ભરાય
એટલું તો શીરીન જરૂર પાકે.
ને પછી જ્યાં કોઈ મન મોળું ભાળું,
ત્યાં ચપટીભર મીઠાશ મૂકી દઉં.
આ પુરવઠો પૂરો એમ પણ પડે,
ને સુખનો શીરો જગત આખું પણ ચાખે;
જો આ જિંદગી, દિલદુણીભર ખાંડની ખંડણી
નિયમિત ભરે;
કાં, ગળપણ ગાળવાની કળા,
જગતમાં હસ્તગત સહુ કરે.

-મુનિરા અમી

(કવયિત્રી મુનિરા અમીની સહમતી અને “Ink and I Poetry”નાસૌજન્યથી અત્રે પ્રસ્તુત)

પારેવાની વ્યગ્રતા (અછાંદસ)

રક્તના ઊડી રહ્યા ચોમેર છાંટા।
સ્મશાનના ધુમાડા, ને કબ્રસ્તાનના સન્નાટા;
રગદોળી રહ્યા ધરતીની છટા.
ચળકતી કટારો, ને અર્ધબળ્યું માનવમાંસ,
મૃત્યુની ગંધથી ઘૂંટાઈ રહી ઘટા;

ઈસુના દયાભાવને હવે કોણ રક્ષે ?
રાહબર જ જ્યાં એના ચડાવે કરુણાને વધસ્તંભે !
ભૂલી ભાઈચારો એ મોહમ્મદનો ચીંધ્યો
મચાવી રહ્યા શાંતિ કાજે શોર હવે એના જ મુરીદો !

વિસ્મરાઈ ગયો
વિષાદયોગી અર્જુન પણ આજે,
સમજવાને હતો જે અસમર્થ;
થયાં શાને ભાઈ-ભાઈનાં મન ખાટાં ?

કાલ સુધી થતી હતી જ્યાં અમીવર્ષા;
વેરઝેર, ને શંકાના ઊગ્યા,
મિત્રોની આંખોમાં કાંટા;
વેરાન ગલીઓ, નિર્જન રસ્તા;
જાણે ભૂતિયા નગર તરફના ફાંટા;

અમાનુષી તાંડવનું મૂક સાક્ષી બન્યું આકાશ;
એની વિવશ વિશાળતામાં ઘુમરાતું
ભોળું એક પારેવું, વિચારી થાય વ્યગ્ર;

શોધું ક્યાં એ કૃષ્ણ,
કહી ને ગયો જે
સંભવામિ યુગે યુગે !!!

-મુનિરા અમી

આકાશગંગા – મહંમદઅલી પરમાર ‘સૂફી’

મને આકાશની વસ્તી, વિચારોમાં ફસાવે છે
શું મારો રિશ્તો છે આકાશથી, પ્રશ્ન સતાવે છે

સનાતન આવજા છે રાત અને દિવસ ને મોસમની
છુપીને કોણ આ ઘટમાળને શાશ્વત ચલાવે છે !

શું છે સૃષ્ટિ, છે ક્યાં સૃષ્ટિ, છે પાયા ક્યાંને ક્યાં છે છત?
અને અસ્તિત્વમાં લાવીને કોણ એને નભાવે છે !

સૂરજ અગ્નિનો ગોળો ધગધગે છે કરવા જગ રોશન
નિખર્વ વર્ષથી ઈંધણ તે બળવા ક્યાંથી લાવે છે!

બીજા લાખો કરોડો સૂર્ય છે બ્રહ્માંડની અંદર
ન જાણે કેટલી આકાશગંગાઓ રચાવે છે

જરુરત શું અને કોને હતી સૃષ્ટિના સર્જનની!
ગહન કેવા આ પ્રશ્નો છે કે ચૂપ અમને કરાવે છે!

હતું નહીં સૃષ્ટિનું અસ્તિત્વ જ્યારે, શું હતું ત્યારે?
ઉપસ્થિત સૂન્યમાંથી થઈ, તે ક્યાં અક્કલમાં આવે છે

જે કંઈ ભાખ્યું છે વિજ્ઞાને, તે છે એક બિન્દુ સાગરનું
નવી હર ખોળ, થોડું જઈને, છે ત્યાં, પાછી આવેછે

મહાસાગર શું છે, કીડી, મંકોડો શી રીતે જાણે!
અમારી સુક્ષ્મતાનું ભાન, ભવ્ય જગ કરાવે છે

છતાં માનવ છે સૃષ્ટિનું અનન્ય દૈવી એક સર્જન
જે સરજનહારની આછી પ્રતિછાયા બતાવે છે

મહાશક્તિ, પરમશક્તિ, અગમ્ય છે ‘સૂફી’ તો પણ
અલૌકિક રીતથી ઓળખ તે ભક્તોને કરાવે છે

‘સૂફી’ પરમાર

(મરહુમ મહંમદઅલી પરમાર ‘સૂફી’ નાં સ્વજનોની સહમતીની અપેક્ષાએ તેમના બ્લૉગ અને પુસ્તક ‘આધ્યાત્મિક કાવ્યો’ માંથી ઋણસ્વીકારસહ)

* મારા અન્ય બ્લૉગ ‘William’s Tales’ ઉપર આ  લિંકે “મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ” લેખ વાંચી શકાશે.