નિબંધ

વ્યવહાર અને પરમાર્થ – આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન ક્યાં છે એ બતાવાયું છે. અન્ય બે પુરુષાર્થ કરતાં ધર્મની વિશિષ્ટતા એ છે કે તેમાં ઉત્તરાવસ્થાનો ધર્મ તે પૂર્વાવસ્થાના ધર્મથી તદ્દન ભિન્ન નથી, પણ પૂર્વાવસ્થાનો ધર્મ જ ઉત્તરાવસ્થામાં પરિપાક્દશાને પામે છે-એ મૃગશિરનો વા વાતાં જેમ કેરી મીઠી બને છે, તેમ પ્રભુનાં દ્વાર સમીપ આવતાં ધર્મ કોઈક અનેરી મીઠાશ ધારણ કરે છે. એ અવસ્થામાં અર્થ અને કામ સાથેનો એનો સંબંધ ક્ષીણ થઇ એ શુદ્ધ રૂપે પ્રકાશે છે, અને એ વખતે એ ‘સંન્યાસ’ ને નામે ઓળખાય છે; પણ આ સ્થિતિ સામાન્ય જનમાં દુર્લભ છે. તેથી એ સ્થિતિનો વિચાર હવે પછીથી કરવાનો રાખી, પૂર્વાવસ્થામાં ધર્મ જ્યારે અર્થ અને કામ સાથે જોડાયેલો હોય છે તે વખતે એનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય છે અને તે બીજાં બે પુરુષાર્થ સાથે કેવી જાતનો સંબંધ ધરાવે છે એ વિશે આજ વિચાર કરીશું.

સર નારાયણ ચંદાવરકરે એક ભાષણમાં ટાંકેલો પોતાનો અનુભવ યાદ આવે છે. સર નારાયણ કહે છે કે ‘એક દિવસરજાના દહાડામાં હું પૂના પાસેના એક ગામ બહાર ફરવા નીકળ્યો હતો. સૂર્યનો લાલ પ્રકાશ ખેતરો ઉપર પથરાયેલો હતો અને સઘળું શાંત હતું. મારી આગળ એક બાઈ આસપાસનાં ખેતરોમાંથી છાણ લઇ પાસે મૂકેલી ટોપલીમાં ભરતી જતી હતી. એટલામાં મારી પાસે થઈને એક માણસ તથા બે જુવાન છોકરા નીકળ્યા. પેલા માણસે છોકરાઓને કહ્યું : ‘આપણે દુનિયામાં શું કરવું છે? મેહનત કરવી, પેટ ભરવું અને ગુપચુપ બેસી રેહવું.’ આ શબ્દો સાંભળીને હું બોલ્યો : ‘ભાઈ ! આ છોકરાઓને દુનિયાનો આવો હલકો ખ્યાલ કેમ આપો છો ? મેહનત કરવી અને પેટ ભરવું તે સિવાય શું બીજું કાંઈ જ કરવાનું નથી ?’ એણે ઉત્તર દીધો: ‘ભગવાનનું સ્મરણ કરવું એ તો ખરું જ તો.’ પછી પેલી બાઈ મારી સાથે વાતમાં ભળી અને કહ્યું : ‘ભાઈ, ઠીક કહો છો: ‘પણ ભગવાનનું ફક્ત સ્મરણ કરીશું તેથી એ અન્ન કેમ આપશે?’ પેલી બાઈએ તૂરત જવાબ વાળ્યો : ‘ભગવાનનું સમરણ કરશો તો તમે ચોરી નહિ કરો, જૂઠ્ઠું નહિ બોલો અને આળસુ બની પડી નહિ રહો.’

ઉપરનો ઉત્તર સાંભળી સર નારાયણનું હૃદય સ્વદેશાભિમાનથી હરખાયું. કોનું ન હરખાય? છેલ્લી સાક્ષર-નિરક્ષરની ગણતરીમાં કદાચ આ સઘળાં સાદાં ખેડૂતજનો ‘અભણ’ વર્ગમાં નોંધાયા હશે ! પણ ભણેલાઓને પૂછો કે વ્યવહાર અને પરમાર્થનો સંબંધ આ કરતાં વધારે યથાર્થ અને સચોટ રીતે તમે દર્શાવી શકશો? કહે છે કે પ્રભુનાં દફતરમાં તો ‘આપણા આગળના તે પાછળ, અને પાછળના તે આગળ’ એમ હોય છે. તે બરોબર છે: ‘અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનાતામ્’ (ઉપનિષદ) શબરી ક્યાં નૈવૈધનો વિધિ ભણવા ગઈ હતી? એ બિચારીએ પ્રભુને બોર ધરાવ્યાં ત્યારે પાસે બેઠેલા કોઈ કે પૂછ્યું કે ખાંટા તો નથી? ત્યારે તેને ઉત્તર આપ્યો કે ‘એકે એક કરડી ચાખીને લાવી છું !’ પ્રભુએ એ બોર સ્વીકાર્યાં. માટે અમે તો સ્પષ્ટ કબૂલ કરીશું કે પ્રભુનાં રહસ્યો જેવાં આ સાદાં-ભોળા-અજ્ઞાન ભાસતાં મનુષ્યોને સમજાયાં હોય છે, તેવાં આપણી મૂર્ખ વિદ્વતાને સ્વપ્નામાં પણ ભાસ્યાં હોતાં નથી. તેથી આજ તો આ બાઈના ઉત્તરને જ સૂત્રસ્થાને રાખી એના વિવરણ રૂપે બે શબ્દો કહીશું.

વ્યવહાર સાથે પરમાર્થ શી રીતે જોડવો, ચોતરફ ચાલતા દુનિયાદારીના પ્રચંડ વિગ્રહની વચમાં ઊભા રહી પ્રભુભક્તિ શી રીતે કરવી, – એ પ્રશ્ન હંમેશાં વિકટ ગણાયો છે. પણ વર્તમાન સમયમાં તો એ ઘણાને તદ્દન અસમાધેય જ લાગે છે, કેટલાંક મનુષ્યોમાં ધનની તૃષ્ણાનો વાયુ પુષ્કળ બ્હેકી રહ્યો હોય છે તેમણે માટે તો કદાચ એમ કહી શકાય કે તેઓ પ્રભુનું સ્મરણ કરતા નથી એ એમની ભૂલ છે. પણ જે મનુષ્યોને સામાન્ય ગુજરાન માટે ઘર અને બજારના વૈતરાં કરવાં પડે છે તેમની પાસે પ્રભુભક્તિની શી આશા રાખી શકાય? બેશક, જો પ્રભુ જ નિત્ય અને સાચો ઠરે અને આ દુનિયા ક્ષણભંગુર અને મિથ્યા ઠરે તો પ્રભુભક્તિ સામે કોઈ પણ સ્વાર્થને ટકવાનો હક નથી. પણ આ દુનિયા જેવી સત્ય અને અનિવાર્ય લાગે છે તેવો જ્યાં સુધી પ્રભુ નથી લાગતો ત્યાં સુધી તો આ દુનિયાના વ્યવહારને જ પ્રાધાન્ય આપવું જોઈએ. આમ પૂર્વપક્ષ થાય છે. આથી વર્તમાન સમયમાં ધર્મ પ્રત્યે સામાન્યજનોમાં અનેક તરેહના ભાવો જોવામાં આવે છે. કેટલાક તો ધર્મ ને – ડાહ્યા ની સભામાં ગાંડો આવ્યો હોય એમ પોતાના ડાહ્યાડમરા દુનિયાદારીના વિચારોની મોગલાઈ સભામાંથી હંસીને હાંકી કાઢે છે ! કેટલાક એ બિચારાને સભાને છેડે એક ખૂણે બેસાડી મૂકે છે. અને એ ડાહ્યાઓની સભામાં એણે જરાએ બોલવાનો હક્ક તો શેનો જ હોય? કેટલાક મનુષ્ય હૃદયના ભાવોમાં એની ઉત્કૃષ્ટતા સ્વીકારે છે; પણ એ તો જાણે વારતેહવારે ઘડી બે ઘડી પેહરવાનાં કપડાં હોય એમ સમજીને ! વળી કેટલાક એને આ કરતાં વધારે આવશ્યક માને છે. પણ તેઓ એના ઉપર દર અઠવાડિયે મળ ધોવાની ‘કેથાટિક પિલ.’ કરતાં કે તાવ રોકવાના ‘કિવનાઇન’ કરતાં વધારે પ્રેમની દ્રષ્ટિએ જોતા નથી.

ખરી વાત એ છે કે ધર્મનો અન્ય પુરુષાર્થ સાથે કેવી જાતનો સંબંધ છે એ ન સમજવાથી જ ધર્મની આ સર્વ વિડંબણા થાય છે. સિપાઈના પેહરા બદલાય છે તેમ ધર્મ,અર્થ અને કામ ના પેહરા નથી કે અર્થ અને કામના સમય ઉપરાંત ધર્મનો સમય જોઈએ. અર્થ અને કામનો સમય તે જ ધર્મનો : માત્ર ધર્મના અંત:પ્રવેશથી અર્થ અને કામ સપ્રયોજન અને પવિત્ર બને છે એટલું જ: અંત: પ્રવેશ, બાહ્ય સહચાર નહિ. અન્ય પુરુષાર્થ સાથે ધર્મનો બાહ્ય સહચાર એ નિર્થક દંભ છે. આનું એક દ્રષ્ટાંત સાંભળેલું અમને યાદ આવે છે.

એક સારા દેશી રાજ્યના એડમિનિસ્ટ્રેટર પોતાના રાજ્યકાર્યમાં એવાં ગૂંથાયેલા રહેતા કે રાત્રે સૂતી વખતે પાસે મીણબત્તી અને દીવાસળીની પેટી રખાવે અને રાતમાં જ્યારે એકાએક વિચાર સૂઝી આવે (તે રાજ્યપ્રકરણી જ) ત્યારે ઝટ દીવો કરી એ વિચાર લખી કાઢે. એમને સંધ્યા-પૂજાનો તો વખત ક્યાંથી મળે ? તેથી તેઓ નહાવાની કુંડીમાં પાણી કઢાવે ત્યારથી સંધ્યા ભણવા માંડશે, તે નહાઈને પાતળ ઉપર જમવા બેસે ત્યાં સુધીમાં પૂરી થાય – જેથી પોતાના જીવનની એક ક્ષણ પણ સરકારી નોકરીમાંથી ઓછે ન કરવી પડે અને પ્રભુભક્તિ થઈ ગણાય ! આ ધર્મનો વ્યવહારમાં કરવો જોઈતો જે અંત:પ્રવેશ તે નથી. એ તો માત્ર બાહ્ય સહચાર છે. બલ્કે તે પણ છે કે કેમ એ શંકા પડતું છે.

ઔરંગઝેબ ચાલતે યુધ્ધે પણ હાથી ઉપરથી ઊતરી વખતસર પ્રભુની બંદગી કરવી ચૂકતો નહિ. એ ખરા હૃદયથી તે કરવા માટે એને આપણે દંભ તો નહિ કહીએ, તથાપિ એ ધર્મનું ખરું સ્વરૂપ – જે અર્થ અને કામને અર્થાત વ્યવહારને પવિત્ર બનાવવાનું તે – એ સમજ્યો નહોતો અને તેથી એનો વ્યવહાર ધર્મથી વિખૂટો પડી અપવિત્ર બલકે પાપી બન્યો હતો. ધર્મનો વ્યવહારમાં એટલે કે અર્થ અને કામમાં અંત:પ્રવેશ થયેલો કેમ જાણવો?

એક દ્રષ્ટાંતથી બતાવીશ : એક મોચી બૂટ સીવવા બેસે છે; સીવતાં સીવતાં એને થયું કે બિચારા બચ્ચાને આ ચામડું તો ખૂંચશે: તુરત કાપેલું ચામડું એને ફેંકી દીધું. અને બીજું કૂણું ચામડું લઇ ફરીથી સીવવા બેઠો- એ માણસે પ્રભુને ઓળખ્યો. પ્રભુની ઓળખ જેવી નિત્ય વ્યવહારમાં થાય છે તેવી સમાધિમા પણ થતી નથી. અર્થ અને કામથી દૂર રહ્યે ધર્મ આવડતો નથી. ધર્મની શિક્ષાશાળા તે આ વ્યવહારનું જગત છે. પાણીમાં પડ્યાં વિના માત્ર હાથ હલાવવાની વાત જાણવાથી તરતાં આવડતું નથી; વ્હાણે ચઢ્યા વિના વહાણ હંકારતા આવડતું નથી; યુદ્ધનું શાસ્ત્ર પણ ગમે તેટલું શીખો પણ રણભૂમિ ઉપર હિંમત, શાંતિ સમયસૂચકતા વગેરે ગુણો તમે કેટલા રાખી શકો છો તે ઉપર જ તમારા જ્યપરાજયનો આધાર છે, આ જ પ્રમાણે ધર્મની પણ છે.

ધર્મની ચાર વાતો અરણ્યની ગુફામાં બેસીને કરવાથી ધર્મ આવડતો નથી. અરણ્યની ગુફા એ પ્રાચીન રૂઢીનો દાખલો લીધો, પણ વર્તમાન સમયની સમયની ગુફાઓ થોડી નથી; યુનિવર્સીટી, પુસ્તકશાળા, પ્રાર્થનામંદિર વગેરે આ જાતની ગુફાઓ જ છે. એમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન જ્યાં સુધી વ્યવહારની કસોટીએ ચઢતું નથી ત્યાં સુધી એ સિદ્ધ અને સંસ્કારી બનતું નથી. અમારા વખતના એક શિક્ષક માટે એવી વાત ચાલતી કે એમને ઘોડા ઉપર બેસતા આવડતું નહોતું, પણ એ ગુરુત્વમધ્યબિંદુનો સિદ્ધાંત જાણતા હતા અને તેથી ગુરુત્વમધ્યબિંદુણી રેખા ઘોડામાં રાખવી એ કરતાં મનુષ્યે ઘોડે બેસવામાં કાંઈ વિશેષ કરવાનું નથી એમ તેઓ સમજતા હતા. આવી સમજથી તેઓ ઘોડે બેઠા, પણ ઘોડાએ એમની સમજને માન ન આપ્યું ! આપણો વ્યવહાર એ પણ આવો જ ઘોડો છે; એને સમતાનો સિદ્ધાંત જાણનાર અસંખ્ય ઘોડેસ્વારને પાડ્યા છે, અને આપણને પ્રતિદિન કેટલી બધી વાર પાડે છે એનો સાક્ષી આપણો આત્મા જ છે. પણ ઘોડે બેસી જાણે તે ઘોડેસ્વારને સમતાનો સિદ્ધાંત જાણવાનું શું પ્રયોજન છે? એમ તમે પૂછશો.

આનો ઉત્તર કે- દુનિયામાં હંમેશાં ઘોડે જ બેસવાનું હોતું નથી. કોઈકવાર ઊંટે પણ બેસવાનું આવે. તે વખતે એ ઊંચું અને કઢંગુ પ્રાણી જોઈ તમારું કાળજું ન ધળકે તે માટે એટલું જાણવાની જરૂર છે કે જ્યાં બેસીશું ત્યાં જો સમતાથી બેસીશું તો પડવાનો ભય નથી.

માટે જ પેલી બાઈએ કહ્યું છે કે ‘જેણે ભગવાનને ઓળખ્યો છે તેનામાં જૂઠ, ચોરી, આળસ એ કદી પણ નહિ આવે.’ જેણે ભગવાનને નથી ઓળખ્યો તેમની શાહુકારી તો જ્યાં સુધી જેલ છે ત્યાં સુધી જ; એનો ઉદ્યોગ પણ જ્યાં સુધી પારકે પૈસે રબર ટાયરની ગાડીઓ દોડાવવાની નથી મળી ત્યાં સુધી જ. માટે ચોરી, આળસ વગેરે અટકાવવાનો ખરો ઉપાય જે સર્વ દેશોમાં સર્વ કાળમાં મનુષ્યની સર્વ અવસ્થાઓમાં કામ લાગે છે તે એ જ છે કે પ્રભુની ઓળખ કરવી. અને પર્ભુની જેણે ખરી ઓળખ થઇ હશે તે સારી રીતે જાણશે જ કે પ્રભુ મારી અને આ દુનિયાની બહાર નથી, આખા વિશ્વનો એ જ અંતર્યામી છે, અને તેથી એનું સ્મરણ અર્થાત ધર્મ એ પણ દુનિયાના સઘળા વ્યવહારનો -અર્થનો અને કામનો – અંતર્યામી થવો ઘટે છે, એટલે કે અર્થ ને કામનો એ દાસ નથી, પણ અર્થ અને કામ ઉપર અમલ ભોગવી અર્થ અને કામને પોતાના કાર્યમા પ્રેરે છે. ધર્મનું આ જીવંત અંતર્યામિત્વ જેના જાણવામાં નથી તેઓ ધર્મને પોતાની દુનિયાદારીના વૈભવનું સાધન બનાવવા ઈચ્છે છે !

જે ધર્મ પૈસો આપે, સર્વ પ્રકારનું સુખ આપે એ જ ધર્મ ખરો ! એક જાણે તો અણગમો વ્યક્ત કરતા કહ્યું છે તેમ ‘MEN DONOT WORSHIP GOD; THEY USE HIM.’-જૂના વખતમાં અમારી જ્ઞાતિના એક અમલદાર વિશે કેહવાય છે કે (આશા છે કે એ વાત કલ્પિત હશે) તેઓ નિત્ય દેવનું પૂજન કરતા, અને પૂજન કરતી વખતે બોલતા નહિ, માત્ર સંજ્ઞાથી જ વાત કરતા હતા, તેવામાં કારકૂને આવીને પૂછ્યું કે અમુક ગુન્હેગારને શી શિક્ષા કરવી ? પેલા અમલદારે પોતાના લાલજીને પોતાના જનોઈથી વીંટીને ટાંગ્યા, અને આચમની વતી ફટકા મારી બતાવ્યા ! અરે દુષ્ટ ! તને ખબર નથી કે જે પ્રેમાળ માતાનાં દામણાંથી પણ પૂરેપૂરો બંધાયો નથી તે તારા સૂતરના તાંતણાથી બંધાવાનો હતો? માત્ર તું તારી ભાવનાને જ બાંધે છે ! અને એને પણ તું પવિત્ર પદવીથી ભ્રષ્ટ કરી તારા દુનિયાદારીના વ્યવહારનું સાધન બનાવે છે ! તારા કરતાં તો જેઓએ પ્રભુને જગતની બહાર બેસાડી મૂક્યો છે અને જગતમાં એને અવતરતો અનેર મૂર્તિમંત થતો જોતા નથી તેઓ જ સારા. ધર્મને અર્થ અને કામનો દાસ બનાવવો તે કરતાં તો ધર્મનું નામ છોડી દઇ અર્થ અને કામની સેવા કર્યાં કરવી એ જ સારું.

આપણા કેળવાયેલા સ્વદેશબંધુઓની બલ્કે આજકાલ પૃથવી ઉપર ઘણે ભાગે, આ બીજી સ્થિતિ જ જોવામાં આવે છે. પણ પૃથ્વીના બીજાં ભાગમાં એટલું સારું છે કે ધર્મશિક્ષણ એ દેશના પ્રાથમિક માધ્યમ તેમજ ઉચ્ચ સામાન્ય શિક્ષણનો ભાગ હોઈ એની સર્વથા ઉપેક્ષા થઇ શકતી નથી. પણ આપણે ત્યાં તો કેળવાયેલો વર્ગ ધર્મજ્ઞાનથી તદ્દન વિરહિત રહે છે અને તેથી સામાન્ય અશિક્ષિત વર્ગના ધર્મથી જ દેશની ધાર્મિક ભાવના સચવાઈ રહે છે. આ સ્થિતિમાં ફેરફાર થવાની બહુ જરૂર છે. ધર્મમાં જીવ હશે તો જ અર્થ અને કામમાં જીવ આવશે – કૂવામાં પાણી નહિ હોય તો હવાડો કેટલો વખત ભર્યો રેહવાનો હતો? આપણો કૂવો પાતાળ કૂવો છે – એમાં પાણી કદી પણ ખૂંટવાનું નથી; પણ યોગ્ય સંભાળ નહિ લઈએ તો એ નહિ ચાલે. કૂવો માટી કચરાથી પૂરાઈ ગયો હોય તો તે ગાળવો. એમાં કહોવડામણ દેખાતું હોય તો તે કઢાવી નાંખી સ્વચ્છ કરો. બહોળાં અને સ્વચ્છ પાણીથી તમારાં અર્થ અને કામનાં ખેતરો યોગ્ય સમયે અને યોગ્ય માપમાં પાશો તો એનો પાક સારો ઉતરશે. જમીન ચૂસે, વાવેતરનાં મૂળ ચૂસે તે કરતાં અધિક પાણી ઢોળીને જમીન બગાડશો નહિ, વાવેતરને કહોવડાવશો નહિ. પણ પાણી વિના ખેતરો સૂકાવા દેશો નહિ.

-આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

(‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં આવેલ છે.)

સૌજન્ય : “દાદીમાની પોટલી ” – અશોકકુમાર ‘દાસ’

Advertisements