લઘુલેખ

(201) સગપણ (નાતો)

William’s Tales (Bilingual Multi Topic Reads)

Click here to read in English

મારી અમેરિકાસ્થિત ધર્મની માનેલી એક બહેનને લખવામાં આવેલા પત્રનો અંશ :

“વ્હાલી બહેન,

એક વખતે જ્યારે આપણે બધાં આપણા ધાર્મિક સ્થળેથી પાછાં ફરતાં હતાં, ત્યારે તેં મને તારી કારમાં બેસાડ્યો હતો અને એક પ્રશ્ન પૂછ્યો હતો કે “ભાઈબહેનના સંબંધોમાં કયો મહાન ગણાય – લોહીના સગે બનેલો કે લાગણીથી બંધાએલો?” તારા આ પ્રશ્નનો મેં તને તરત જ જવાબ આપી દીધો હતો કે ‘એ બાબત એકબીજાની સમજદારી ઉપર આધાર રાખે છે.’ તારો આ સીધો જ પ્રશ્ન આપણા પરસ્પરના ભાઈબહેન તરીકેના સંબંધના સંદર્ભે હતો.

મારા મુદ્દાને સ્પષ્ટ કરવા હું તને શેક્સપિઅર (Shakespeare) ના નાટક ‘King Lear’ના કથાવસ્તુમાંથી એક ઉદાહરણ આપવાનું પસંદ કરીશ. તેં મને જેવો પ્રશ્ન પૂછ્યો હતો તેવો જ પ્રશ્ન રાજા લીઅરે (Lear) એક પછી એક એમ પોતાની પુત્રીઓને પણ ‘પિતા અને પુત્રીઓના પ્રેમસંબંધ’ સબબે પૂછ્યો હતો. સૌથી નાની પુત્રીએ પોતાના પિતાને વાસ્તવિકતા ઉપર આધારિત જવાબ આપ્યો હતો, જે તેમને પસંદ પડ્યો ન હતો. પરંતુ, પાછળથી તેમને…

View original post 95 more words

પેપર પીન

[‘માનવધર્મ’ પાંગરે છે, ફળે છે અને ફૂલે છે; પરિવારમાં જ. સંસ્કારી પરિવારોનાં નિવાસસ્થાનો એ જ ‘માનવધર્મ’નાં ધર્મસ્થાનો બની રહે છે. મહેન્દ્રભાઈને હું ઓળખતો નથી, પણ મારા મિત્ર સુરેશભાઈ જાનીને સંબોધીને મોકલાયેલી તેમની મેઈલ્સ મને અવારનવાર મળતી રહે છે. તેમની આજની મેઈલમાં ઉમદા વિચાર રજૂ થયેલ હોઈ મારા વાચકો સાથે તેમની અનુમતિની અપેક્ષાએ  શેર કરું છું.  – વલીભાઈ   મુસા]

 પેપર પીન 

એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સભ્યને યોગ્ય સલાહ-સૂચન આપતા અને એનાથી પરિવાર જળવાઈ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.

એક વખત મોટા દીકરાએ આ વડીલને કહ્યું, ” બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખૂંચે છે. અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? ” વડીલે દીકરાની પીઠ પર હાથ મૂકીને કહ્યું, ” બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે. તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે, પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઈ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે; ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરું છું, કારણ કે પરિવારને એક રાખવો એ વડીલ તરીકેની મારી ફરજ છે.”

દીકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું છે કે દીકરાને તેમની આ વાત ગળે  ઊતરી નથી. દીકરો એના ટેબલ પર બેસીને કંઈક લખી રહ્યો હતો. ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઊડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેરવિખેર થઈ ગયા.

દીકરાએ ઊભા થઈને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ એને તેમના પર ખૂબ ગુસ્સો આવ્યો. એનાથી ના રહેવાયું, એટલે એણે વડીલને કહ્યું, ” તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? ” વડીલે કહ્યું, “એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી, મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દૂર કરી. એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી, એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.”

દીકરાએ કહ્યુ, ” બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા. તમે ટાંચણીને દૂર કરીને બધા કાગળને પણ છૂટા કરી નાંખ્યા. ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે.” પિતાજીએ પોતાના દીકરા સામે જોઈને સ્મિત કર્યું અને પછી કહ્યુ, ” બેટા, મારું કામ પણ આ ટાંચણી જેવું જ છે. તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું, પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઈને રહ્યા છો.”

મિત્રો, ઘણીવખત પરિવારના વડીલની અમુક વાતો આપણને ખૂંચતી હોય, પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.

સૌજન્ય :-

મહેન્દ્રભાઈ ઠાકર

સંપર્ક સૂત્ર : mahendra thaker <mhthaker@gmail.com>

Disclaimer :

It is the greatness of Mahendrabhai in his acceptance that the content of this post has  been received by him through ‘what’s app…’ and nothing is his own. All credit goes to the original author with my feelings of gratitude that the content of this post has been used for the cause of humanity and not for any personal gains.  – Valibhai Musa

અતુલના સ્વપ્નદૃષ્ટા શ્રી બી.કે. મઝમુદાર- શ્રી બી.કે.સાહેબની માનવતા

                                        અતુલના સ્વપ્નદૃષ્ટા શ્રી. બી.કે.સાહેબની માનવતા.

IMG_1120

શ્રી બલ્લુભાઈ કૃષ્ણલાલ મજમુદાર ધી અતુલ પ્રોડક્ટ્સના જનરલ મેનેજર તરીકે કર્મચારીઓમાં તેઓ  ‘ બી.કે.’સાહેબ’ના હુલામણા નામે જાણીતા હતા. તેમના જીવનનાં અનેકવિધ ઉજ્જ્વળ પાસાંઓ છે. તેમના એક પાસાનો ઉલ્લેખ તેમને અંજલીરૂપે  રજૂ કરું છું.

આ પ્રસંગ છે ૧૯૫૭-૫૮નો. અતુલના કામદારોનો પગાર તે દિવસોમાં દર મહિનાની સાતમી તારીખે થતો,અને તે દિવસ પગાર સુદ સાતમ તરીકે કામદારોમાં જાણીતો હતો.અતુલમાં તે વખતે આશરે ૨૦૦૦ – ૨૫૦૦  કામદારો કામ કરે.પગારને દિવસે બધા જ કામદારો પગાર લેવા કેશ ઓફીસે આવે તો પ્રોડક્ષન કામમાં વિક્ષેપ પડે અને બીજી બાજુ કેશ ઓફીસ આગળ મોટું ટોળું ભેગુ થાય અને ઓફીસના કામકાજમાં ખલેલ પહોંચે. આથી કંપનીએ વ્યવસ્થા કરેલી કે,ટાઈમ કીપર ખાતાનો સ્ટાફ દરેક ખાતામાં જઈ દરેક કામદારને તેની પગારની સ્લીપ વહેંચી આવે. આ સ્લીપમાં કામદારનું નામ, તેના ખાતાનું નામ,પગારનો મહિનો,પગારની રકમ, તેમાંથી મહિના દરમ્યાન પગાર પેટે એડવાન્સ ઉપાડેલી રકમ બાદ કરી છેલ્લે પગાર પેટે ચૂકવવા પાત્ર રકમ આંકડામાં તેમજ શબ્દોમાં લખવામાં આવે.સ્લીપ જોઈ તેમાં કંઈ ભૂલચૂક હોય તો તે કામદાર ટાઈમ કીપરની ઓફીસમાં જઈ તે મુજબ સુધારો કરાવી આવે, અને બપોરે લંચ પછી કૅશ ડિપાર્ટમેન્ટના   માણસો કૅન્ટીન હૉલમાં સ્લીપ મુજબ પગાર ચૂકવે.

એક કામદાર જીગલો ગાંડો.ખરું નામ તો યાદ નથી; પરન્તુ જીગલો ગાંડો તરીકે સૌ તેને જાણે. તે ગાંડો તો નહિં પરન્તુ  સ્વતંત્ર સ્વભાવનો અને કૈંક ધૂની તથા માનસિક નબળાઈ  હોવાને લીધે લોકો તેને ગાંડો કહે.ઈશ્વર જેને માનસિક વિકૃતિ આપે છે તેને તેના બદલામાં અખૂટ શક્તિ આપે છે. જીગલામાં પણ શક્તિનો અખૂટ ભંડાર હતો. ચાર ચાર વ્યક્તીઓના  કામ એ એકલો સહજમાં કરી નાંખે.

જીગલાએ પગાર પેટે રકમ એડવાન્સમાં ઉપાડેલી હોવાથી તેની પગાર સ્લીપમાં  ફક્ત ૪ (ચાર) રૂપિયા થતા હતા.સ્લીપ સવારના તેના હાથમાં આવી ગઈ હતી. તે ઝાઝું તો ભણ્યો નહોતો પરન્તુ દુનિયાદારીએ તેને હોંશીયાર બનાવ્યો હતો.લખતાં તો ઝાઝું આવડે નહી તેથી આંકડા ૪ ની જોડે મીંડું કરી  ૪ ના ૪૦ કરી દીધા.

બપોરે પગાર લેવા ગયો અને પગાર પેટે રૂ.૪૦ની ચુકવણી  કૅશીઅર ચંદુભાઈ બેન્કરે કરી દીધી. પગારની વહેંચણી પુરી કરી કૅશ ડિપાર્ટમેન્ટના માણસો કૅશરૂમમાં કૅશ  મેળવવા (ટૅલી )કરવા બેઠા.હિસાબ મળે નહિં, રૂ.૩૬ ની ભૂલ આવે. સ્લીપોનો સરવાળો વારાફરતી દરેક જણાએ કરી જોયો. ભૂલ પકડાય નહી કૅશ ડિપાર્ટમેન્ટના બધા સ્ટાફને પરસેવો છૂટી ગયો.કારણ કે એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટના હેડ શ્રી બી.ડી. પટેલ સાહેબની ધાક જબરી.ખાતાવાર લેજર ચેક કરી જોયાં,પગારની સ્લીપો ચેક કરી રૂ. ૩૬ નો મેળ પડે નહી. હિસાબ મેળવ્યા વગર ઘેર જવાય નહિં. હિસાબ મેળવતાં રાતના આઠ વાગ્યા.

શ્રી ઠકોરભાઈ કૅશીઅર જરા શાણા અને સમજુ. તેમણે કહ્યું  લેજરના આંકડા કરતાં સ્લીપોના આંકડાની ગણતરીમાં ફેર આવે છે. સ્લીપોનો સરવાળો વધુ આવે છે તેથી ભૂલ પગારની સ્લીપોમાં જ છે. સૌથી મોટું ખાતું એઝો પ્લાન્ટનું માટે એઝો ખાતાની ૨૫ – ૨૫ સ્લીપો જુદા જુદા માણસોને આપો અને આંકડા અને શબ્દોની રકમ ચેક કરો. આમ કરવાથી જીગલાની સ્લીપમાં આંકડામાં ૪૦ અને શબ્દોમાં ચાર.કેશીયરે ઉતાવળમાં આંકડો ૪૦ જોયો અને પેમેન્ટ કરી દીધું.શબ્દોમાં રકમ જોઈ નહિં.આમ રૂ ૪ ની જગ્યાએ રૂ ૪૦ ચુકવી દીધા.આમ રૂ ૩૬ ની રકમનો ભેદ મળી ગયો.બધાને હૈયે ટાઢક થઈ. બીજે દિવસે જીગલાને બોલાવી તપાસ કરી તેની પાસેથી પૈસા વસૂલ કરીશું કહી સૌ ઘેર ગયા.

બીજે દિવસે ૮મી એ શનિવાર હતો. પગાર હાથમાં આવ્યો તેથી જીગલો તો રાજાપાઠમાં. કામ પર આવ્યો નહિં. ત્રીજે દિવસે તારીખ ૯મી એ રવિવારની રજા.આ બાજુ સ્ટાફમાં ગભરામણ. એકાઉન્ટ્સના  ચોપડા તો ક્લીઅર કરવા જ પડે.  શ્રી બી.ડી. પટેલસાહેબને વાત કરવાની કોઈની હિંમત નહિં. કૅશ ડિપાર્ટમેન્ટની જવાબદારી શ્રી ચંદુભાઈ બૅન્કર સંભાળે. તેથી તેમણૅ હિંમત  એકઠી કરી. સૌને સાથે લઈને શ્રી બી.ડી.પટેલસાહેબને વાત કરી. તેમણે  પહેલાં તો બધાની ની ધૂળ કાઢી નાંખી, અને ઘટતી રકમ રૂ. ૩૬ દરેક્ના પગારમાંથી કાપી મૂકી દેવાની તાકીદ કરી. શ્રી બી.ડી. પટેલસાહેબનો કડપ એવો કે તેમની સામે કોઈ ચું કે ચાં કરી ના શકે .સૌ વીલા  મોઢે શ્રી પટેલ સાહેબની ઑફીસમાંથી બહાર આવ્યા. સામે શ્રી બી.કે.સાહેબ મળ્યા. બધાના મોઢાં પડી ગયાં હતાં તેથી શ્રી બી.કે. સાહેબે સહજ જ પૂછ્યું,કૅશ ડિપાર્ટમેન્ટનો બધો  જ સ્ટાફ  કેમ અહીં ? શું બાબત છે ? કોઈ પ્રશ્ન છે ?  શ્રી ચંદુભાઈ બૅન્કરે વિગતે વાત કરી. બી.કે. સાહેબે શાંતિથી વાત સાંભળી અને કહ્યું કે જીગલો કામ ઉપર આવે ત્યારે મારી પાસે બોલાવજો. ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો.

તારીખ ૧૦મી ને સોમવારે જીગલો કામ ઉપર આવ્યો.કોઇ પણ જાતના ભય અને સંકોચ વગર કામે લાગી ગયો. લગભગ સવારના નવ સવાનવ વાગે એકાઉન્ટસ ઑફીસમાંથી  એઝોપ્લાન્ટમાં  ફોન આવ્યો કે જીગલાને શ્રી બી.કે. સાહેબ બોલાવે છે, માટે તેને મોકલી આપો.બીજા કામદારોને જીગલાના પગારના ગોટાળાની ખબર નહિં.સૌને એમ કે સાહેબને કંઈ કામ હશે તેથી તેને બોલાવતા હશે. જીગલો શ્રી બી.કે. સાહેબની ઑફીસે પહોંચી ગયો. શ્રી બી.કે. સાહેબની ઑફીસમાં એક બાજુથી જીગલો અને બીજી બાજુથી શ્રી ચંદુભાઈ બૅન્કર અને શ્રી  ઠાકોરભાઈ દેસાઈ એક સાથે જ દાખલ થયા.

જીગલો શ્રી બી.કે. સાહેબને સલામ કરી એક બાજુ ઉભો રહ્યો એટલે શ્રી બી.કે. સાહેબે કહ્યું, આવો જગુભાઈ.
(શ્રી બી.કે. સાહેબ હંમેશાં દરેકને માન પૂર્વક જ બોલાવતા.)

ચંદુભાઈ બૅન્કરે પગારની સ્લીપ શ્રી બી.કે. સાહેબને બતાવી કેવી છેતરપીંડી કરી છે તે જણાવ્યું.

શ્રી બી. કે. સાહેબે જીગલા તરફ ફરી તેને સ્લીપ બતાવી પુછ્યું,
આ સ્લીપ તમે ચેક ચાક કરી સુધારી છે ?

સ્લીપ જોઈને હાથમાં લઈ એ બોલ્યોઃ સાહેબ મને લખતાં નીં આવડે.આ મીંડું મેં મૂક્યું છે. સાવ સાહજીકતા અને નિર્દોષતાથી તેણે જણાવ્યું.

એવું કેમ કર્યું ?
તદ્દન નિર્દોષ, નિષ્કપટ અને  ભોળાભાવે તેણે જવાબ આપ્યો.
કેમ સાબ, ખાવા નીં જોવે ?
ચાર રૂપિયામાં આખો મહિનો કેં  કરી ખાવું ?
એટલે ચોરી કરવાની ?
મેં ચોરી કાં કરી ?
(તેને મન  ચોરી એટલે રાત્રે કોઈના ઘરમાં પેસી ચોરી કરવી એને ચોરી કરી કહેવાય.)
આને ચોરી જ કહેવાય.
તો પગારમાંથી કાપી લેજો.
એટલી જ સહજતાથી અને નિર્દોષભાવે ચોરીની કબૂલાત
શ્રી ચંદુભાઈ અને શ્રી ઠકોરભાઈના હૈયે ટાઢક થઈ.
આ માણસની નિખાલસતા અને નિર્દોષતા ઉપર શ્રી બી.કે. સાહેબ હસી પડ્યા, અને બોલ્યાઃ સારૂં જગુભાઈ જાવ. હવેથી આવું કરતા નહિં. અને જીગલાએ ત્યાંથી વિદાય લીધી.પછીચંદુભાઈ અને ઠાકોરભાઈ તરફ ફરી કહ્યું”ચાર રૂપિયામાં તે બીચારો શું કરે ?  મારી સિગારેટનું બીલ જ માસિક ૫૦ રૂપિયા છે. આ લો રૂ. ૩૬ .” એમ કહી ખિસ્સામાંથી રૂ. ૩૬  કાઢી આપ્યા અને તેના પગારમાંથી આવતે મહિને કાપશો નહિં  તેમ જણાવ્યું.
આવા ઉદાર અને માનવતાવાદી હતા શ્રી . બી.કે. સાહેબ.

સમાપ્ત.

( પ્રકાશિત; “અખંડ આનંદ “માસીક  મૅ,  ૨૦૧૦)
લેખકઃ  ઉમાકાન્ત વિ. મહેતા.
૨૦, મીડો, ડ્રાઈવ,ટૉટૉવા.
એન જે .૦૭૫૧૨ યુએસએ.
ફોનઃ   (૧)  ૯૭૩  ૯૪૨  ૧૧૫૨.
(૨)  ૯૭૩  ૩૪૧  ૯૯૭૯.
ઈ-મેઈલઃ<mehtaumakant@yahoo.com>

કૌટુંબિક વડીલોનું સન્માન એટલે માનવધર્મની બારાખડી

શ્રી પી. કે. દાવડા (યુ.એસ.એ.)ના સૌજન્યથી :

અપમાનિત થતા વડીલો

૮મી જુલાઈ, ૨૦૧૩ના મુંબઈ સમાચારમાં એક સર્વેક્ષણના આંકડા પ્રગટ થયા હતા. આ સર્વેક્ષણ મુજબ ૬૦ વર્ષથી વધારે ઉંમરનાં વડીલોને અપમાનિત કરવાની વૃતિ કુટુંબોમાં વધતી જાય છે.

સર્વેમાં જણાયું છે કે અપમાન કરવામાં ૫૯% પુત્રવધૂઓ હોય છે, જ્યારે ૪૧% પુત્રો હોય છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે ફરિયાદ શા માટે કરતા નથી, તો ૪૬% લોકોએ કહ્યું કે કુટુંબની વાત બહાર કેમ કહેવાય? જ્યારે ૫૪% એ કહ્યું, કોને ફરિયાદ કરીએ?

સર્વેમાં ૬૫% વૃધ્ધોએ કબૂલ કર્યું હતું કે હા વૃધ્ધોનું અપમાન થાય છે, પણ પોતાનું અપમાન થાય છે એમ કબૂલ કરનારામાં

મુંબઈમાં ૧૧%,

હૈદ્રાબાદમાં ૩૭.૫%

કલકતામાં ૨૮%

દિલ્હીમાં ૨૦%

ચેન્નઈમાં ૯.૬૪%   લોકો હતા.

આમ સરેરાશ ૨૦% વૃધ્ધોએ તો કબૂલ કર્યું કે તેઓ અપમાનિત થાય છે.

૧૫મી જૂને ‘વિશ્વ વૃદ્ધ અત્યાચાર વિરોધી જાગૃતિ દિન’ હતો. એ નિમિત્તે એક બિનસરકારી સંસ્થાએ કરેલા ૨૪ શહેરોમાં ૬,૭૪૮ જયેષ્ઠ વય (૬૦ વર્ષથી વધુ)ના વડીલોના સર્વેક્ષણનાં પરિણામો ચિંતા કરાવે એવાં અને ચોંકાવી મૂકે એવાં છે.

લાંબો સમય કુટુંબના સંચાલનની દોર પોતાના હાથમાં રાખી હોવાના પરિણામે ચોક્કસ માન-આદર-આધિપત્યથી ટેવાઈ ગયેલાં વૃદ્ધોને આ વયે એથી વિરુદ્ધનો અનુભવ બહુ આકરો લાગે છે. આત્મસન્માન તૂટે, ઇચ્છાનો અમલ ન થાય, અપમાન થાય, હડધૂત થવાય, ઝઘડા થાય, ન કર્યાં હોય એવાં કામો કરવાની ફરજ પડે કે એવી અસહ્ય અને તદ્દન અસ્વીકાર્ય સ્થિતિ અનેક ઘરોમાં પ્રવર્તતી હોય છે. માત્ર અભણ ગરીબ કે ચોક્કસ સામાજિક માળખાનાં કુટુંબોમાં વૃદ્ધોની આ હાલત હોય છે એવું નથી, ભણેલાં-ગણેલાં, આર્થિક રીતે સમૃદ્ધ અને ચોક્કસ સામાજિક દરજ્જો ધરાવતાં કુટુંબોમાં પણ વૃદ્ધોની આવી સ્થિતિ છે.

૨૧મી સદીમાં માનવ અનેકવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે, ભૌતિક સુખ-સગવડો વધી રહી છે,આધ્યાત્મિક દૃષ્ટિએ પણ આગળ વધવા ફાંફાં મારતો થયો છે, શિક્ષણનો વ્યાપ વધવા સાથે એના સામાજિક લાભો મળતા થયા છે; આ સ્થિતિમાં એનું હૃદય સંકોચાઈ રહ્યું હોવાનું તારણ ચિંતા ઉપજાવે છે. વૃદ્ધો સાથેનો આવો રુક્ષ વ્યવહાર અને વૃદ્ધો પ્રત્યેનો આવો કઠોર અભિગમ, માણસ તરીકેની આપણી શરમ જ લેખાવી જોઈએ.

મૂળ સવાલ એ છે કે આવી પરિસ્થિતિ કેમ નિર્માણ પામી? અમે નાના હતા ત્યારે છેક નાની વયથી જ અમને શીખવવામાં આવતું :-

“કહ્યું કરો માબાપનું, દ્યો મોટાને માન,

ગુરૂને બાપ સમા ગણો, મળશે સારૂં જ્ઞાન.”

અને;

મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તો મોરી માત રે,

જનનીની જોડ જગે નહિ જડે રે લોલ..

અને;

છડો હું હતો છોકરો છેક છોટો

પિતા પાળી પોષી મને કીધો મોટો

રૂડી રીતથી રાખતા રાજી રાજી,

ભલા કેમ આભાર ભૂલું પિતાજી

અને;

ભૂલો ભલે બીજું બધું, માબાપ ને ભૂલશો નહિ,

અગણિત છે ઉપકાર એના, વાત વીસરશો નહિ.

લાખો કમાતા હો ભલે, માબાપ જેથી ના ઠર્યાં,

એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહિ.

બસ આ શિક્ષણે જ અમને અમારા વડીલોનું અપમાન કરતાં રોકી રાખ્યા.

-પી.કે.દાવડા

(તેઓશ્રીની મેઈલમાંથી સાભાર)

એક મનનીય વાત – On FB by S. P. Ashal

સુજ્ઞ ‘માનવધર્મ’ વાચકો,

આ લેખ વાંચતા માત્ર 37 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઈ જશે ..

બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બેઉને એક જ રૂમમાં રાખ્યા હતા..

એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાલ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગમાં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.

રૂમમાં ફક્ત એક જ બારી હતી અને તેની પાસે આ ભાઈનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતા જ રહેવું પડતું.

આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમનાં પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતા ..

દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠાં બેઠાં બીજા દર્દી આગળ  બારીની બહારની દુનિયાંનું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાક બીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હૉસ્પિટલના રૂમ સુધી સીમિત ન રહેતા બહારના વિશ્વ સુધી પહોંચતી…

“બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવ છે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગનાં ફૂલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યાં છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દૃશ્ય નજરે ચડે છે…” પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.

એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યું. જોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો, પરંતુ તે પોતાની કલ્પનામાં આ દૃશ્ય  જોઈ શકતો હતો.

આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા….

એક દિવસ સવારે, નર્સ તેમના સ્નાન માટે પાણી લાવી અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઈ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.

નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલ એટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઈ જવા માટે કહેવામાં આવ્યું.

બારી પાસેનો પલંગ ખાલી પડયો !

થોડા દિવસો પછી…બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.

હવે આ વ્યક્તિએ ધીમે ધીમે, થોડું કષ્ટ કરીને, બારી પાસે બેઠા થવાની કોશિશ કરી. એક હાથની કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?

બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કંઈ સમજાયું નહીં. તેણે નર્સને પૂછ્યું,  પહેલી વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો હતો? – જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!

નર્સે કહ્યું “પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમને પ્રોત્સાહિત કરવા માગતો હતો!”

ઉપસંહાર:

બીજાને ખુશ કરવા એ સૌથી મોટું સુખ છે, પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! * દુઃખ વહેંચવાથી અડધું થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમારે સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!”

આજ તો સૌગાદ છે તેથી જ તો તેને “Present” કહેવાય છે.

મિત્રો સાથે શેર કરો… તમે પણ ઓછામાં ઓછું એક જીવન તો બદલી જ શકો છો!‪#‎suresh_Ashal‬

– વલીભાઈ મુસા (સંપાદક)

* સ્વીડનની કહેવત : “Shared joy is a double joy; shared sorrow is half a sorrow.”