વીડિયો

પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું! (Reblogged)

સુજ્ઞ માનવતાપ્રેમી લેખકો/વાચકો/રી-બ્લૉગરો, પ્રતિભાવકો અને સમભાવી મિત્રો,

જય જગત.

મારા આ ‘માનવધર્મ’ બ્લૉગને  શરૂઆતથી જ સહિયારા બ્લૉગ તરીકે જાહેર કર્યો છે. અન્ય લેખકો સાથે  સમયાંતરે વચ્ચે વચ્ચે અવકાશ પૂરવા પૂરતા મારા પોતાના લેખો આપવાની મારી ગણતરી હતી, પરંતુ અફસોસ કે લેખકમિત્રો તરફથી જોઈએ તેટલો સહયોગ પ્રાપ્ત ન થતાં મારે મારા પોતાના અર્ધા જેટલા નવીન કે Reblogged લેખો આપવા પડ્યા છે. મારો અતૂટ વિશ્વાસ છે કે આપ સૌ માનવતાપ્રેમી તો છો જ, પણ કોણ જાણે કયા કારણે આપણા આ બ્લૉગને  જોઈએ તેટલું પ્રોત્સાહન મળતું નથી તેનું કારણ અને તારણ હું આપ સૌ લેખકો-વાચકો દ્વારા આ લેખના પ્રતિભાવ માધ્યમે મેળવવા માગું છું. મારો આજનો Reblogged લેખ કદાચ આપની માનવતાની ભાવનાને ઢંઢોળે અને લેખક, વાચક કે પ્રતિભાવક તરીકે આપ સૌનો દિલી સહયોગ મળી રહે  તેવી આશા રાખું છું.

“પૃથ્વી ઉપર જીવન સંભવિત છે, પણ સલામત ખરું!”

મારો ઉપરોક્ત લેખ સ્વયં સ્પષ્ટ હોઈ કોઈ વિશ્વશાંતિ અંગેની વાતોનું પુનરાવૃત્તિ ન કરતાં એટલું તો જરૂર લખીશ કે માનવતાના મહાયજ્ઞ માટેના આપણા આ બ્લૉગના નગણ્ય એવા યોગદાનને  પ્રોત્સાહિત કરવા માટે આપ સૌ એક વાચક તરીકે વાંચન કરીને અને અન્યોને વાંચન માટે પ્રેરીને પણ પીઠબળ આપી શકો છો. આ બ્લૉગની અત્યારસુધીની આંકડાકીય વાસ્તવિક પરિસ્થિતિ નીચે આપું છું, જેનાથી મારાં અને આ બ્લૉગ ઉપર પદાર્પણ કરી ચૂકેલાઓનાં  દિલોની બળતરાનો આપને ખ્યાલ આવી શકશે.

બ્લૉગ શરૂ થયા તારીખ : ૧૯-૦૩-૨૦૧૫ . . . . . દિવસો – ૧૧૩

તા.૧૦-૦૭-૨૦૧૫ સુધીની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

લેખોની સંખ્યા – ૧૨

Views – ૧૯૪

પ્રતિભાવો – ૬

આ બ્લૉગને હું તા.૧૫-૦૮-૨૦૧૫ કે જે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે, ત્યાં સુધી ચાલુ રાખવા માગું છું. જો બ્લૉગની પરિસ્થિતિમાં કોઈ સુધારો નહિ વર્તાય તો વાસ્તવિકતાને સરઆંખો પર ચઢાવીને તેને નેટફલક ઉપરથી દૂર કરી દઈશ અને એનું દોષારોપણ મારા માથે સહર્ષ ઓઢી લઈશ.

સસ્નેહ,

– વલીભાઈ મુસા

Advertisements

સૂરએ હમ્દ – તરજુમો, પૃથક્કરણ, ગ઼ઝલ અને વીડિયો (વિવિધ સ્રોતેથી)

[મુસ્લીમોના ધર્મગ્રંથ ‘કુરઆને શરીફ’ ની પ્રથમ સૂરા “સૂરએ હમ્દ” યાને “સૂરએ ફાતિહા” એ સાર્વત્રિક એવી પ્રાર્થના (દુઆ) છે કે ગાગરમાં સાગરની જેમ એમાં ઘણી ખાસિયતો અને ખૂબીઓ સમાવિષ્ટ થયેલી માલૂમ પડશે. પ્રથમ નીચે અરબી ભાષા પણ ગુજરાતી લિપિમાં તેને મૂળ રૂપે આપ્યા પછી નીચે તેનો તરજુમો આપવામાં આવ્યો છે. આ બંને  લખાણોને  મારા મિત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથા ‘પરિક્રમા’માંથી તેમના સૌજન્યથી લેવામાં આવ્યાં છે. મુસ્લીમો પોતાની રોજિંદી પાંચ નમાજોમાંની પહેલી અને બીજી રકાત (Unit)માં વાજીબ (ફરજિયાત)ની રૂએ આ સૂરાને પઢતા હોય છે.]

સુરએ હમ્દ 

બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ /

અલ્હમ્દો લિલ્લાહે રબ્બિલ આલમીન. / અર્રહમા નિર્રહીમ / માલેકે યવ મિદ્દીન / ઈય્યાક નઅબોદો, વ ઈય્યાક નસ્તઈન / એહદેનસ્સેરાતલ મુસ્તકીમ / સેરાતલ્લઝીન અન અમ્ત અલય્હિમ / ગયરિલ મગ્ઝૂબે અલય્હિમ વલઝ્ઝાલીન.

તરજુમો 

“શરૂ કરું છું અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન અને ખૂબ જ રહમ કરવાવાળો છે.

સર્વે વખાણ અલ્લાહ માટે છે જે દુનિયાઓનો રબ (માલિક) છે. જે ઘણો જ મહેરબાન અને રહમ કરવાવાળો છે. જે કયામતના દિવસનો માલિક છે. અમે ફક્ત તારી જ ઈબાદત કરીએ છીએ અને તારી જ મદદ ચાહીએ છીએ. અમને સીધા રસ્તા ઉપર કાયમ રાખ. તે લોકોના રસ્તા પર કે જેમના પર તારી રહેમતો ઉતારી છે. ન કે તેઓના માર્ગ પર કે જેમના પર તારો ગઝબ ઉતર્યો હોય અને જેઓ અવળે માર્ગે ગુમરાહ થયા હોય.”

પૃથક્કરણ 

જો એવો સવાલ કરવામાં આવે કે કુરઆને મજીદની બીજી સુરાઓને છોડીને નમાઝમાં કિરઅતની શરૂઆત સૂરએ હમ્દ (અલહમ્દની સૂરા)થી જ શા માટે કરવામાં આવે છે ?

આ સવાલનો જવાબ એ છે કે સૂરએ હમ્દમાં ખૈર (ભલાઈ) અને હિકમતની જેટલી વાતો છે, તેટલી કુરઆને મજીદના બીજા કોઈ સૂરામાં નથી.

સૂરએ હમ્દની કેટલીક આયતોના અર્થનું પૃથક્કરણ :- અલ્લાહ તઆલાનો કૌલ છે.

અલ હમ્દો લિલ્લાહ : જેનાથી અલ્લાહે બંદાને ખૈર (ભલાઈ)ની જે તૌફીક આપી છે. આ તૌફીક આપવા માટે બંદાએ અલ્લાહનો જે શુક્ર અદા કરવાનું વાજિબ ફરમાવ્યું છે, તે શુક્ર અદા થાય છે.

રબ્બિલ આલમીન : આયતના આ ટુકડાથી અલ્લાહનાં વખાણ અને તેની બુઝુર્ગીના સ્વીકારની સાથોસાથ એ વાતનો સ્વીકાર થાય છે કે ખાલિક (પૈદા કરનાર) અને માલિક છે, તેના સિવાય બીજો કોઈ નથી.

અર રહમાનિર રહીમ : જેમાં અલ્લાહ તઆલા પાસે રહેમતની માંગણી અને તેની નેઅમતોનો ઉલ્લેખ છે, જે રહેમત અને નેઅમત અલ્લાહ તઆલાએ પોતાની મખલૂક ઉપર નાઝિલ ફરમાવી છે.

માલિકે યવ્મિદદીન : જેમાં ફરીથી જીવતા થવાનો સ્વીકાર, હિસાબ-કિતાબનો તેમજ સજા અને જઝાનો સ્વીકાર અને તેના હુકમનો સ્વીકાર છે. તેમાં એ વાતનો પણ સ્વીકાર કરવામાં આવે છે; જેવી રીતે તે દુનિયાનો માલિક છે, તેવી જ રીતે તે આખેરતનો પણ માલિક છે.

ઇય્યાક નઅબોદો : આ વાકયમાં અલ્લાહની નઝદીકી મેળવવાની ઇચ્છા વ્યકત કરવામાં આવી છે. અને એ વાતનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે કે (બંદાનાં) બધા જ કાર્યો ફકત અલ્લાહ માટે જ છે. ગૈરૂલ્લાહ (અલ્લાહ સિવાય બીજા) કોઈના માટે નથી.

વ ઇય્યાક નસ્તઈન : આ વાકયમાં અલ્લાહ તઆલાએ બંદાઓને ઇબાદતની જે તૌફીક આપી છે, તેમાં વધારો કરવાની વિનંતી કરી છે. તેમજ અલ્લાહે તેના બંદા ઉપર જે મહેરબાનીઓ કરી છે, તે મદદ અને રક્ષણ આપવાનું સતત ચાલુ રાખવાની વિનંતી છે.

એહદેનસ્સેરાતલ મુસ્તકીમ : આ વાકયમાં આદાબે ઇલાહી તેમજ અલ્લાહની રસ્સીને મજબૂતીથી પકડી રાખવા (ની તૌફીક મળવા)ની વિનંતી તેમજ અલ્લાહની અઝમત અને કિબ્રિયાઈની મઅરેફતમાં વધારો કરવાની ગુઝારિશ કરવામાં આવી છે.

સેરાતલ્લઝીન અન્‍અમ્ત અલયહિમ : આ વાકયમાં આવતી દુઆમાં રગબત (ચાહના)ની તાકીદ કરવા માટેની છે. જેમાં અલ્લાહની એ નેઅમતોનો ઝિક્ર છે, જે અલ્લાહે પોતાના અવલિયાઓને અતા કરી હતી અને તેમના જેવી નેઅમતો આપવા માટેની દરખાસ્ત (દુઆ) કરવામાં આવી છે.

ગયરીલ મગઝુબે અલયહિમ : આ શબ્દોમાં એ દુશ્મનોથી અલ્લાહ પાસે એ બાબતોમાં રક્ષણ માગવાની દુઆ કરવામાં આવી છે જે દુશ્મને ઇલાહી અને  અલ્લાહના હુકમની નાફરમાની કરે છે. (અને ગુમરાહીમાં ભટકેલા છે) એ બંનેમાં પોતાની ગણત્રી ન થાય.

વલઝઝાલીન : આ છેલ્લા શબ્દોમાં એ વાતથી રક્ષણ માગવામાં આવ્યું છે કે તે (સૂરા પડનાર) એ લોકોમાંથી ન થઈ જાય કે જે લોકો અલ્લાહના માર્ગથી ભટકી ગયા હોય છે. અને પોતે એમ માની રહ્યા હોય છે કે (સમજતા હોય છે કે) પોતે નેક કામ કરી રહ્યા છે.

આમ આ સૂરામાં તમામ ભલાઈના હુકમો તેમજ દુનિયા અને આખેરતની તમામ હિકમતનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બીજા કોઈ સૂરામાં જોવા મળતી નથી.

[હાજી નાજી લાયબ્રેરીના બ્લૉગના સૌજન્યથી ઉપરોક્ત પૃથક્કરણ અહીં નકલ કરવામાં આવ્યું છે.]

 ગ઼ઝલ

કુરઆનિક સંદેશ (સૂરએ હમ્દ) – જનાબ ‘દીપક’ બારડોલીકર

ફ્કત અલ્લાહના માટે અતિ ઉત્તમ પ્રશંસાઓ;
ભલાઈ, બંદગી ભકિત અને  છે સર્વ ગુણગાનો.

બહુ સુંદર, અનુપમ સર્વ સૃષ્ટિનો જે સર્જક છે;
સકળ સંસારનો માલિક, દશે દિશાનો જે શાસક છે.

કણેકણ પર દયાદૃષ્ટિ છે તેની,  તે દયાળુ છે;
કરૂણાવંત છે મોટો અને બેહદ કૃપાળુ છે.

કયામતના દિવસનો તે ફકત છે એક તે આકા;
નહીં ત્યાં અન્ય કોઈની લગીરે ચાલશે આજ્ઞા.

અમે કરીએ છીએ બસ બંદગી તારી, ફકત તારી;
તમન્ના છે, મળે તારો જ ટેકો ને મદદ તારી .

ખુદાવંદ,  તું રસ્તો ચીંધજે સીધો સફળતાનો;
હૃદયની શુદ્ધતાનો, ભવ્ય ઇન્સાની મહત્તાનો.

સુભાગી એ જનોને ચીંધજે  એ રસ્તો કે જેઓ પર;
થઈ તારી કૃપાવર્ષા, રહી મીઠી નજર અકસર.

નથી ઇચ્છા મળે તે દુર્જનોના દુષ્ટ રસ્તાઓ;
વરસતી જેમના પર રહી તવ કોપ જ્વાળાઓ.

ખપે ના તેમનો મારગ, થયા બર્બાદ જે લોકો;
ગયા અવળી દિશામાં ને થયા બર્બાદ જે લોકો.

– * જનાબ “દીપક” બારડોલીકર (‘આબે કૌસર’ના સૌજન્યથી)
[‘બઝમે વફા’ બ્લૉગના આભારસહ)

* (અહીં ક્લિક કરવાથી  ગ઼ઝલકારનો પરિચય મેળવી શકાશે.)

– વલીભાઈ મુસા (સંકલનકાર)

ધ્યાનાકર્ષક નોંધ :-

[સર્વધર્મ સમભાવના આદર્શને ઉજાગર કરતું અને કેટલીક ગેરસમજોને સ્વયં સ્પષ્ટ કરતું હિંદુ પંડિત સ્વામી લક્ષ્મીશંકર આચાર્યનું ઈસ્લામ અને હિંદુ ધર્મનું તુલનાત્મક મનનીય પ્રવચન આ વિડિયો ટ્યુબ દ્વારા શ્રવણ કરવાની ભલામણ કરવામાં આવે છે, જેમાં આ લેખમાંના ‘સૂરએ હમ્દ’ ઉપરની તલસ્પર્શી છણાવટ પણ તેઓશ્રીના સ્વમુખે સાંભળવા  મળશે. – સંપાદક]