ચિંતનલેખ

પેન્ડીંગ કૉફી – નીલમ દોશી

તદ્દન તો નથી એ માયુસ માનવની જાતથી
તેથી  હજી ઘરોમાં એ ઘોડિયું દયે  છે. – અશરફ  ડબાવાલા

રોજ સવારે છાપામાં આવતા સમાચારોનું વિશ્લેષણ કરીએ તો તુરંત જણાશે કે કોઈપણ પેપરમાં નેગેટિવ સમાચારોનું પ્રમાણ વધારે હોય છે. પોઝિટિવ સમાચાર કવચિત્ જ દેખા દેતા હોય છે. બાકી ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મારફાડ વગેરે અનેક નકારાત્મક વાતોથી ટી.વી. કે છાપાંઓ ઉભરાતાં હોય છે; જે આપણે ચા પીતાંપીતાં, પેટનું પાણી પણ હલાવ્યા સિવાય આરામથી વાંચીને છાપુ બાજુમાં ફેંકીને જાણે કશું જ ન બન્યું હોય એમ આપણા રૂટિનમાં વ્યસ્ત બની જઈએ છીએ. આપણી સંવેદનશીલતા એવી તો બુઠ્ઠી બની ગઈ છે કે એવા કોઈ સમાચારો આપણને ખલેલ સુદ્ધાં નથી પહોંચાડી શકતા.

કદીક  પ્રશ્ન થાય છે કે શું દુનિયામાં કોઈ સારી વાત બનતી જ નથી ! વિશ્વમાંથી સારપ મરી પરવારી છે કે શું ? માનવતા કયાંય દેખા નથી દેતી કે શું ? આપણું આટલી હદે અધઃપતન થઈ ગયું છે ? તો તો ઈશ્વરને પણ એના ઉત્તમ સર્જન એટલેકે માનવી પરથી શ્રદ્ધા ઊઠી ગઈ હશે. પણ ના, સાવ એવું નથી. હજુ ઘરોમાં નવાં પારણાં બંધાતાં રહે છે, અર્થાત્ ઈશ્વરનું સર્જન હજુ ચાલુ છે. ઈશ્વરે માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ગુમાવી નથી દીધી એ એનો પુરાવો છે.

હજુ અનેક જગ્યાએ કોઈ ને કોઈ રીતે, એક કે બીજાં સેવાનાં કામો અવિરતપણે ચાલુ જ છે. આજે પણ કોઈ સત્કાર્ય માટે ટહેલ નાખવામાં આવે તો દાન દેનારાઓનો તોટો નથી પડતો. સારા કામ માટે આજે પણ અનેક લોકો તત્પર છે. કશુંક સારું કરવું છે એવી ભાવના હજુ પણ લોકોનાં દિલમાં જીવંત છે જ; પણ ઘણી વાર લોકોને કેમ કરવું, શું કરવું એની જાણ નથી હોતી. પૈસા કોઈ સારા કામમાં વાપરવા છે, પણ કયાં વાપરવા એની દિશા નથી. ઘણીવાર અનેક એન.આર.આઈ. લોકો પણ કહે છે કોઈ સારું કામ થતું હોય તો કહેજો અમારે પૈસા આપવા છે, અર્થાત્ લોકોના દિલની ભાવના, એના માંહ્યલામાં  સારપ હજુ ધબકે છે અને કમનસીબે સારા કામને એટલી પ્રસિધ્ધિ નથી મળતી; લોકો સુધી સારી વાત જલદીથી પહોંચતી નથી. ખરાબ વાત વીજળીની ઝડપથી ફરી વળે છે, પણ સારી વાતને પ્રકાશમાં આવતાં વાર લાગે છે.

હમણાં એક સરસ મજાની વાત જાણવા મળી. એની ખુશબૂ આજે અત્તરકયારીમાં..

ઈટલીની  એક રેસ્ટોરન્ટની વાત છે. એકવાર બે ગ્રાહક ત્યાં કૉફી પીવા આવ્યા અને પાંચ કૉફીનો ઓર્ડર આપ્યો અને કહ્યું, ‘બે અમારી અને ત્રણ પેન્ડીગ.’

ત્યાં  બે મિત્રો ઊભા હતા. તેમને આ સાંભળીને નવાઈ લાગી.

એક મિત્રે ઈટલીના મિત્રને પૂછયું,‘આ પેન્ડીંગ કૉફી વળી શું છે ? એનો  મતલબ શું ?’

‘હમણાં સમજાશે. વેઈટ કર અને  જોતો રહે.’ ઈટલીના મિત્રે બીજા દેશના મિત્રને કહ્યું.

થોડીવારે બીજા બે ગ્રાહક આવ્યા. તેમણે બે કૉફી માગી, પીધી અને બે કૉફીના પૈસા આપી ગયા.

થોડીવાર પછી બીજા ત્રણ ગ્રાહક આવ્યા. તેમણે સાત કૉફીનો ઓર્ડર આપ્યો. સાતના પૈસા ચૂકવ્યા. ત્રણ કૉફી પીધી અને ચાર પેન્ડીંગ કહી ચાલતા થયા.

બંને મિત્ર બધું જોતા ત્યાં જ ઊભા હતા.

થોડીવાર પછી  એ રેસ્ટોરન્ટમાં  એક ગરીબ ગ્રાહક  આવ્યો. અને આશાભરી નજરે મેનેજરને પૂછયું કે કોઈ પેન્ડીગ કૉફી છે ?

અને તુરત મેનેજરે તેને કૉફી આપી.

મિત્રે પૂછયું,  ‘સમજાયું તને ?’

જેની પાસે પૈસા છે એ આ રીતે થોડી વધારે કૉફીના પૈસા જમા કરાવી દે છે જેથી કોઈ ગરીબને એ મળી શકે. રેસ્ટોરન્ટના મેનજર પણ એટલા જ પ્રામાણિક હોય છે કે જેટલી પેન્ડીંગ કૉફી હોય તેટલી અચૂક ગરીબ ગ્રાહક સુધી પહોંચાડે છે.

આ રીતે ફકત કૉફી જ નહીં, પેન્ડીગ લંચ અને ડીનર પણ અચૂક જોવા મળે છે.

કોણ કહે છે માનવીમાં સારપ ખૂટી ગઈ છે ?  એ પૈસાથી કોને લાભ થાય છે એ જાણવાની પણ દરકાર કર્યા સિવાય બિલકુલ નિ:સ્વાર્થભાવે જયારે આવાં કામ થતાં હોય, ત્યારે ઈશ્વરને તેના સર્જન માટે ગૌરવ અચૂક થતું જ હશે ને ! મૌન રહીને સેવાની ધૂણી ધખાવનાર આવા અગણિત લોકો ખૂણેખાંચરે ફેલાયેલા છે. એમની સુવાસથી, એમની ભાવનાથી જ કદાચ આટઆટલાં ખરાબ કામો પછી પણ ઈશ્વરને હજુ માનવજાતમાંથી સાવ શ્રધ્ધા ઊઠી નહીં ગઈ હોય ને ! એથી જ તો એનું સર્જન આજ સુધી ચાલુ રહ્યું હશે ને ! ઈશ્વર આપણને નિમિત્ત બનાવીને આપણા વડે અનેક સારાં કામો કરાવવા ઇચ્છે છે. કોણ કયારે, કેવી રીતે, કયા સ્વરૂપે નિમિત્ત બની શકે છે એની જાણ કયાં થતી હોય છે ?

આજે કોઈ નાનકડું સારું કામ કરે તો પણ તેની ચારે તરફ જાહેરાત થતી જોવા મળે છે. મંદિરોમાં પણ ભગવાનની મૂર્તિ સુદ્ધાં આગળ દાતાના નામની તકતી વંચાતી જોવા મળે છે, ત્યારે  મનમાં પ્રશ્ન જાગે છે દરેક જગ્યાએ, દરેક સમયે નામનો મોહ શા માટે ? જાહેરાતનાં પાટિયાં શા માટે ? દાન આપતાં પહેલાં નામ મૂકવાની શરતો શા માટે ? એનાં પ્રવચનો શા માટે ? દરેક વખતે એ જરૂરી હોય છે ખરું ?

ઘણી વખત જાહેરમાં મોટાં દાન કરનારી દાનવીર  વ્યક્તિ તેના ઘરના ગરીબ નોકરનું જે રીતે, જે ક્રૂરતાથી શોષણ કરતી હોય છે એ જોઈને પણ અનેક પ્રશ્નો મનમાં જાગે છે. સારા દેખાવા માટે કે સમાજમાં વાહવાહ કરાવવા માટે આવા દાનવીરો દંભનો બુરખો ઓઢીને જ ફરતા જોવા મળે છે. એક જ માનવીમાં હમેશાં દેવ અને દાનવ બંને શ્વસતા હોય છે. એનામાં રહેલી દૈવી વૃત્તિ જયારે ઉપર આવે, ત્યારે એ સારાં કાર્ય કરે છે અને જયારે માનવીની ભીતરમાં રહેલી આસુરી વૃત્તિ ઉપર આવે, ત્યારે એને  નઠારો બની જતાં વાર પણ નથી લાગતી. કયારે કઈ વૃત્તિ ઉપર આવે છે એ કળી શકવું સહેલું નથી હોતું.

એથી જ કહ્યું છે ને કે દરેક વાતનો તાગ પામી શકાય, પણ માનવીના મનનો તાગ પામવો ખૂબ અઘરું કામ છે. માનવીની ભીતરમાં રહેલી દૈવી વૃત્તિ ઉપર આવતી રહે અને અન્યને ઝળહળાવતી રહેશે એ શ્રધ્ધા સાથે.

આભાર.

– નીલમબેન દોશી

(માનવધર્મને પુરસ્કૃત કરતા આ લેખ અને ભવિષ્યે તેઓના બ્લૉગમાંની ‘અત્તરક્યારી’ શ્રેણીમાંના મારા ‘માનવધર્મ’ બ્લૉગ માટે મને મનપસંદ અન્ય લેખોના ચયન માટે  ખુલ્લી ઓફર આપવા બદલ નીલમબહેનને ધન્યવાદ. – વલીભાઈ મુસા)

Advertisements