મહેશ

દૈવ્ય, માનવ્ય અને દાનવ્ય ! – વલીભાઈ મુસા

ઘણા સમય પહેલાં ‘અખંડ આનંદ’ સામયિકમાં એક લેખ વાંચવામાં આવ્યો હતો, જેને યાદદાસ્તની ટેકણલાકડીએ અત્રે પ્રસ્તુત કરું છું.

“હિંદુ ધર્મ અનુસાર બ્રહ્મા સૃષ્ટિના સર્જક, વિષ્ણુ સૃષ્ટિનું પાલનપોષણ કરનાર અને મહેશ સંહારક છે. બ્રહ્માએ પોતાનાં સર્જનોમાંનું  શ્રેષ્ઠ સર્જન એવા માનવીને સર્જ્યા પછી એક અભિપ્રાય મેળવવા માટે દેવોને બોલાવ્યા. બ્રહ્માજી ઇચ્છતા હતા કે માનવીઓને દેવત્વનો ગુણ આપવામાં આવે કે જેના વિકાસ થકી તેઓ દેવોની કક્ષામાં આવી શકે અને પોતાના નિવાસસ્થાન એવી પૃથ્વીને સ્વર્ગીય બનાવી શકે. બ્રહ્માએ દેવોને પૂછ્યું, ‘માનવીને એવી કઈ જગ્યાએ દેવત્વ આપવું કે જેથી તેઓ તેને આસાનીથી પ્રાપ્ત ન કરી શકે. દેવત્વ અતિ મૂલ્યવાન છે અને એમ કોઈ સામાન્ય માનવીને પણ હાથ લાગી જાય તેમ ન થવું જોઈએ.’

કોઈક દેવે સૂચન કર્યું, ‘દેવત્વને સમુદ્રમાં છેક તળિયે સંતાડી દેવામાં આવે તો કોઈનેય હાથ લાગશે નહિ !’

બ્રહ્માજીએ મુસ્કરાતા ચહેરે કહ્યું, ‘મેં માનવીને એવી બુદ્ધિશક્તિ પ્રદાન કરી છે કે તેઓ દરિયામાં ડૂબકી લગાવવાનાં ઉપકરણોનો આવિષ્કાર કરશે અને દેવત્વને મેળવી લેશે.’

બીજા દેવે કહ્યું, ‘તો પછી આપણે તેને અવકાશમાં સંતાડી દઈએ તો !’

‘ના, એમ પણ નહિ; કેમ કે માનવી અવકાશની સફર પણ ખેડી શક્શે અને ત્યાંથી પણ દેવત્વને પ્રાપ્ત કરી લેશે.’

બધા દેવોએ સામૂહિક અવાજે કહ્યું, ‘આપ બ્રહ્મા છો અને આપ બ્રહ્મજ્ઞાન ધરાવો છો. અમારું જ્ઞાન આપની સરખામણીએ સીમિત છે. આપ જ કહો ને કે માનવીઓને દેવત્વ ક્યાં આપવું ? પ્રભુ, જો જો હોં કે એ દેવત્વ તેમને આસાનીથી પ્રાપ્ત ન થઈ જાય તેની કાળજી રાખશો; નહિ તો તેઓ અમારા ઉપર પ્રભુત્વ મેળવી લેશે અને અમારું અવમૂલ્યન થઈ જશે.’

બ્રહ્માએ પોતાનો અંતિમ ફેંસલો સંભળાવી દીધો, ‘માનવીઓને દેવત્વ તેમનાં અંત:કરણોમાં આપીશ. સામાન્ય કક્ષાના જીવો દેવત્વને પ્રાપ્ત કરવા માટે બહાર ભટક્યા કરશે અને પોતાનાં અંત:કરણોમાં ડોકિયું પણ નહિ કરે. મારા સર્જેલા માનવોમાં કેટલાક એવા મહામાનવો હશે કે જે આત્મચિંતન દ્વારા દેવત્વને ગ્રહણ કરી શક્શે. આવી સિદ્ધિ મેળવનારા એ મહામાનવોને તેમની યોગ્યતાના ધોરણે તમારાઓ ઉપર પણ સરસાઈ આપતાં અચકાઈશ નહિ.’

મનુષ્યને સર્જનટાણે જ દૈવી અને આસુરી ગુણો આપી દેવામાં આવ્યા છે. દૈવી ગુણોને વિકસાવનાર દેવ બની શકે અને એ જ પ્રમાણે આસુરી ગુણોના પ્રભાવ હેઠળ જીવનારો માનવી અસુર પણ બની શકે. કસ્તુરીમૃગનો દાખલો લઈએ તો તેની નાભિમાં જ કસ્તુરી હોવા છતાં તે તેની સુગંધ પ્રાપ્ત કરવા માટે તે જંગલોમાં ભટક્યા કરે છે. આપણે માનવીઓ પણ દેવત્વને પ્રાપ્ત કરવા માટે બહાર ભટકતા હોઈએ છીએ, જે એ રીતે  કદીય પ્રાપ્ત થનાર નથી. આપણે જાતને ઢંઢોળવી પડશે, આત્મમંથન કરવું પડશે અને તો જ મોંઘામૂલા એ દેવત્વને પ્રાપ્ત કરી શકીશું અને સ્વર્ગમાં વસતા એ દેવો ઉપર પ્રભુત્વ પણ મેળવી શકીશું.

દૈવી અને આસુરી ગુણોને આપણે ભલાઈ અને બુરાઈ તરીકે પણ ઓળખી શકીએ. ભલાઈ આચરવી અને બુરાઈથી બચવું એટલું માત્ર કરવાથી ભલે આપણે દેવત્વ પ્રાપ્ત કરીએ કે ન કરીએ, પણ માનવ્ય તો જરૂર પ્રાપ્ત થઈ શકશે.

કવિ ઉમાશંકર  જોશીના એક કાવ્યની પંક્તિ ‘હું માનવી માનવ થાઉં તો ઘણું !’ને આપણે સ્મરી લઈએ.

-વલીભાઈ મુસા

Advertisements