માનવતા

કારની બારી અને વરસાદ (એક અવલોકન) – સુરેશ જાની

[છેલ્લાં છએક વર્ષથી શ્રી વલીભાઈ મુસા આ લખનારના મિત્ર બની ગયા છે. એ મિત્રતાની શરૂઆત એકમેકના બ્લૉગ પરનાં લખાણોના વાંચનથી થઈ હતી. પરંતુ ૨૦૧૦માં તેમને પહેલી વખત સદેહે મળવાનો મોકો મળ્યો, ત્યારે એ પ્રેમાળ માણસ મને કાણોદર લઈ જઈને જ જંપ્યા. એ મુલાકાતમાં માત્ર વલીભાઈની સજ્જનતા જ નહીં; કાણોદરની માનવતાથી ભરેલી મહેંક પણ અનુભવાયા વિના ન રહી. હવે જ્યારે વલીભાઈ કાણોદરના સમાજના લાભાર્થે તથા સમસ્ત ગુજરાતી અને વિશ્વસમાજના હિતમાં, માનવતાના સંદેશ લહેરાવવાના પાક ઈરાદાથી, ‘જીવો અને જીવવા દો’ ના શીર્ષક-સંદેશવાળા તેમના નવા બ્લોગ ‘માનવધર્મ’ સાથે ગુજરાતી નેટ જગતમાં એક આવકાર્ય પદાર્પણ કરી રહ્યા છે; ત્યારે માનવ જીવનને ઉર્ધ્વમુખી બનાવવા પ્રેરણા આપતા મારા એક જૂના લેખથી આ સ્તુત્ય પદાર્પણને આવકારું છું. –  સુરેશ જાની]

કારની બારી અને વરસાદ

આ પાણીનાં ટીપાંઓની વાત છે. અમે ગરાજમાંથી ગાડી બહાર કાઢી. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. બારીના કાચ પર ટીપાં બાઝવા લાગ્યાં. નવું ટીપું પડે અને નીચે નીતરતાં, કાચ પર જામેલાં ટીપાંઓને સાથે લેતું જાય. જેમ જેમ એમની વસ્તી વધે, તેમ તેમ રેલો મોટો થતો જાય, અને પછી તો નાનકડો ઝરો બની સડસડાટ નીચે ઊતરી જાય. પાર્કિંગમાં ઊભેલી કારમાંનું આ દર્શન અગાઉ પણ ઘણી વાર થયું હતું.

અમારી કાર શેરીના રસ્તાથી બહાર, મુખ્ય રસ્તા પર આવી અને પૂરપાટ ઝડપે આગળ ધસવા માંડી.

અને એક નવો જ નજારો સર્જાવા લાગ્યો. ધસમસતા પવનના જોરે, હવે એ રેલો થોડોક વાંકો ફંટાવા લાગ્યો. ગુરૂત્વાકર્ષણના એકમાત્ર બળના સ્થાને પવનના ઝપાટાનું નવું બળ ઊમેરાયું હતું.

ગાડી હવે હાઈવે પર આવી ગઈ હતી. કલાકના સાઠ માઈલની ઝડપે ચાલતી ગાડીના પ્રતાપે, પવને પણ પ્રભંજનરૂપ ધારણ કર્યું હતું. પાણીનાં ટીપાં અને રેલા આ બે બળના પ્રતાપે મુક્ત બની ગયાં. બ્રાઉનિયન મોશન જેવી રમતનો માહોલ ખડો થઈ ગયો. હવે અવનતિનું સ્થાન આનંદભરી રમતે લીધું હતું. સજીવ બની ગયાં હોય, તેમ એમની રમત એ જોવા લાયક લ્હાવો બની ગઈહતી.

કુદરતનો સામાન્ય નિયમ અચૂક અવનતિને જ પોષતો હોય છે. ગુરૂત્વાકર્ષણનું બળ નીચે પાડે,પાડે ને પાડે જ. જીવન અચૂક મૃત્યુ તરફ જ ગતિ કરતું રહેવાનું. એમાં કોઈ મીનમેખ ફરક ન જ હોય.

પણ આગળ ધસવાની ગતિ, ઉન્નત ગતિ, ચોગમ દુર્ગમ અંધકારની વચ્ચે ઝગમગતા, નાનકડા કોડિયાનો પ્રકાશ, જીવનના એક નાના ટુકડાને – ઓલ્યા નાચીજ પાણીના બિંદુ જેવા તેના હિસ્સાને – એક એવું પરિમાણ આપી શકે, કે એ વળાંક ઓલી પાણીની રમત જેવો રમણીય હોઈ શકે. ભલે એ રમત પણ ક્ષણજીવી રહેવા સર્જાઈ હોય; ભલે એ બ્રાઉનિયન મોશનનો અંતિમતબક્કો પાણીને ધરાશાયી જ કરવાનો હોય; ભલે એક રમતિયાળ રેલો ઓગળી જાય અને બીજો એનું સ્થાન લે. પરંતુ એ નાનકડી રમતની પણ એક ગરિમા હતી. એક સુંદરતા સાકાર બની નિરાકાર થઈ ગઈ હતી. એના ક્ષણિક  અસ્તિત્વનોય એક રૂઆબ હતો.

અને જીવનના આવા નાના નાના ઝબકારાઓની રમત થકી જ તો ઉત્ક્રાંતિનો પ્રવાહ મંદ પણ અવિરત ગતિએ આગળ ધપતો રહે છે ને ?

કારની બારી પરનો પાણીનો રમતિયાળ રેલો………જીવનની એક મધુરિમાનો સંદેશ. કાણોદરની જનતા અને તેના મોભીઓ માટે વિચારવા લાયક એક સંદેશ.

કાણોદરનાં સૌ નાનાંમોટાં ટીપાં ભેગા મળી પ્રગતિ અને ઉચ્ચ જીવનધારાના વિચાર-વર્તનના ઝપાટે સતત પ્રગતિ કરતાં રહો. કલ્યાણમય જીવન અને સમાજનું સર્જન કરતાં રહો.

નીચે બે  લિંક આપવામાં આવ્યા છે; જે પૈકી ‘માનવતાની મેરેથોન’ એ અંગ્રેજી Video Tube છે, જેને સંપૂર્ણ જોવાની ભલામણ  કરવામાં આવે છે અને ‘જીતુ-રેહાના’  એ PDF માં ગુજરાતી લેખ છે. મને વિશ્વાસ છે કે આ બંને સામગ્રી આપ વાચકોના  માનવ્ય-ભાવને સ્પર્શ્યા સિવાય રહેશે નહિ.


(૧) માનવતાની મેરેથોન

(૨) જીતુ-રેહાના – એક મનનીય  સત્ય ઘટનાત્મક લેખ

ચાલો ત્યારે, હાલ પૂરતો રજા લઉં છું. ભવિષ્યે વલીભાઈના આ બ્લૉગ ઉપર કોઈક કૃતિના માધ્યમે મળતો રહીશ. આપ વાચકોમાંથી કોઈને મને મળવાની વહેલી ઇચ્છા થાય તો મારા બ્લૉગ ‘સૂરસાધના’ અને ત્યાંથી મારા અન્ય મનપસંદ બ્લૉગ્ઝની મુલાકાત લઈ શકો છો.

તથાસ્તુ.

ભવદીય,
સુરેશ જાની

Advertisements