મોહમ્મદ

પારેવાની વ્યગ્રતા (અછાંદસ)

રક્તના ઊડી રહ્યા ચોમેર છાંટા।
સ્મશાનના ધુમાડા, ને કબ્રસ્તાનના સન્નાટા;
રગદોળી રહ્યા ધરતીની છટા.
ચળકતી કટારો, ને અર્ધબળ્યું માનવમાંસ,
મૃત્યુની ગંધથી ઘૂંટાઈ રહી ઘટા;

ઈસુના દયાભાવને હવે કોણ રક્ષે ?
રાહબર જ જ્યાં એના ચડાવે કરુણાને વધસ્તંભે !
ભૂલી ભાઈચારો એ મોહમ્મદનો ચીંધ્યો
મચાવી રહ્યા શાંતિ કાજે શોર હવે એના જ મુરીદો !

વિસ્મરાઈ ગયો
વિષાદયોગી અર્જુન પણ આજે,
સમજવાને હતો જે અસમર્થ;
થયાં શાને ભાઈ-ભાઈનાં મન ખાટાં ?

કાલ સુધી થતી હતી જ્યાં અમીવર્ષા;
વેરઝેર, ને શંકાના ઊગ્યા,
મિત્રોની આંખોમાં કાંટા;
વેરાન ગલીઓ, નિર્જન રસ્તા;
જાણે ભૂતિયા નગર તરફના ફાંટા;

અમાનુષી તાંડવનું મૂક સાક્ષી બન્યું આકાશ;
એની વિવશ વિશાળતામાં ઘુમરાતું
ભોળું એક પારેવું, વિચારી થાય વ્યગ્ર;

શોધું ક્યાં એ કૃષ્ણ,
કહી ને ગયો જે
સંભવામિ યુગે યુગે !!!

-મુનિરા અમી

Advertisements