સ્ત્રીદાક્ષિણ્ય

યે શરીફોંકા મોહલ્લા હૈ, યે ઇન્ડિયા હૈ ! – નવીન બેન્કર

બે મહિના માટે અમે (એટલે કે હું અને મારાં પત્ની) અમદાવાદ ગયાં હતાં. વતનની યાદ, વતનના દોસ્તો, પાડોશીઓને મળવા, જૂની યાદોને તાજી કરવા અને શિયાળામાં ત્યાં મળતાં તાજાં શાકભાજી ખાવાની અમારી જિજીવિષા તથા ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદમાં ગુજરાતી રંગભૂમિનાં નવાંનવાં નાટકો, ગુજરાતી સાહિત્ય પરિષદ યોજિત પરિસંવાદો, લેખકો-કવિઓ-ગઝલકારોની મુલાકાતો, મનપસંદ પુસ્તકોની ખરીદી- આ બધું મને ગમે છે. રીંગણ-મોગરી, ચોળી કે જામફળનું ગળચટું  શાક મને ત્યાં જ મળે છે.

પચાસેક વર્ષ પહેલાં, અમદાવાદથી બારેક માઈલ દૂર, શાંત સ્થળે અમે બે ડોસા-ડોસી નિવૃત્ત જીવન શાંતિપૂર્ણ રીતે વિતાવી શકીએ એવું એક બેડરૂમ-રસોડાનું ઘર એક સોસાયટીમાં બંધાવેલું. કાળક્રમે પછી તો અમેરિકા આવવાનું થયું અને એ નાનકડું ઘર, સમૃદ્ધિ વધતાં, બે માળના બંગલામાં ફેરવાઈ ગયું. નીચેના વિશાળ ખંડની દિવાલો પર, નટનટીઓ સાથેના ઇન્ટર્વ્યૂઝની તસ્વીરો, મેં ભજવેલાં નાટકોના ફોટાઓની ૮” બાય ૧૦” ની ફ્રેમો વગેરે લટકાવીને હું મારા મિથ્યાભિમાનને પોષતો ભૂતકાળની સ્મૃતિઓમાં જીવું છું.

આટલી પૂર્વભૂમિકા પછી હું ‘યે શરીફોં કા મોહલ્લા હૈ !’ની કથા પર આવું છું.

મારી સામેના બંગલાના નીચેના બે રૂમ નોકરી કરતી ચાર યુવાન છોકરીઓને ભાડે આપેલા છે. વીસથી માંડીને પચીસ વર્ષની વયની આ દીકરીઓ સવારે નવ વાગ્યે નીકળી જાય અને સાંજે સાત વાગ્યે પાછી ફરે. સામસામાં બારણાં એટલે અમે એકબીજાંને જોઈએ, પણ પરિચયના અભાવે હજી ‘હાય-હેલો’ કરવા જેવા સંબંધો અમારી વચ્ચે વિકસેલા ન હતા.

એક દિવસે  તેમાંની એક દીકરી એમના ઘરની ચાવી આપવા મારી પત્ની પાસે આવી હતી, ત્યારે મારી પત્નીએ એને બેસાડીને ચાપાણીનો વિવેક કરેલો. એ વખતે દિવાલ પરની નટનટીઓ સાથેની અમારી તસ્વીરો જોઈને એને અહોભાવની લાગણી થઈ અને પછી તો ચારેય જણીઓ સાંજે જૉબ પરથી આવીને અમારા ઘરે જ અડિંગો જમાવે. હુંય એમને અમેરિકાની ગળચટ્ટી વાતો કરીને હસાવું. ક્યારેક એ લોકો અમારી સાથે જમી પણ લે. એમ અમારો સંબંધ બંધાયો. મને એ દીકરીઓ ‘દાદુ’ કહે.

એક દિવસ સવારના પહોરમાં સામેના ઘરના ઓટલા પર સોસાયટીના મદ્રાસી ચેરમેન અને પંજાબી સેક્રેટરીએ આવીને શોરબકોર કરીને તથા ઘાંટા પાડી પાડીને પેલી છોકરીઓને ઉદ્દેશીને કહ્યું, ‘યે શરીફોંકા મોહલ્લા હૈ…યહાં ઐસા નહીં ચલેગા…તુમ લોગ તો ધંધા કરતી હો.’ …વગેરે…વગેરે…

આવા સમયે મોટાભાગે પાડોશીઓ ચૂપ રહેવાનું પસંદ કરતાં હોય છે, પણ હું ચૂપ ન રહી શક્યો. હું સામેના બારણે ગયો અને મદ્રાસી ચેરમેનને આ શું થઈ રહ્યું છે એની પૃચ્છા કરી.

‘ગઈકાલે રાત્રે એક યુવાન છોકરો મોટરસાઇકલ પર આવેલો અને આખી રાત આ ઘરમાં રહ્યો. વહેલી સવારે રિક્ષામાં આમાંની એક છોકરી સાથે જતો રહ્યો છે અને એની મોટરસાઇકલ પણ અહીં જ પાર્ક કરતો ગયો છે. સોસાયટીના ચોકીદારે ફરિયાદ કરી છે. એટલે અમારે તો સોસાયટીનું નામ બદનામ ન થાય એ માટે આ ‘કચરો’ સાફ કરવો જ પડે ને !”- લુંગીમાસ્તર એવા એ મદ્રાસી ચેરમેને મને વાત સમજાવી.

રૂમમાં એક જ છોકરી હતી. બીજી બે છોકરીઓ હોળી મનાવવા એમના ગામડે ઉદેપુર બાજુ ગઈ હતી. રૂમવાળી છોકરી થરથર ધ્રૂજતી અને રડતી હતી. મેં એને શાંત પાડી અને પછી એણે કહ્યું,‘પેલી બે જણી તો બે દિવસથી હોળી મનાવવા ગામડે ગઈ છે. હું અને શીતલ ઘરમાં એકલાં જ હતાં. શીતલની તબિયત બરાબર ન હતી એટલે એણે એના માસીના દીકરાને ફોન કરીને રાત્રે બોલાવેલો. સામાન્ય ઉપચારોથી એની તકલીફ દૂર ન થઈ એટલે વહેલી સવારે કંદર્પ ઓટોરિક્ષા બોલાવીને શીતલને વલ્લભવિદ્યાનગર તેને મૂકવા ગયો છે અને એની મોટરસાઇકલ અહીં જ પાર્ક કરેલી છે.’

મેં એ મદ્રાસી લુંગીમાસ્તરને કહ્યું, ‘હું આ છોકરીઓને ઓળખું છું. સારા ખાનદાન ઘરની આ દીકરીઓ નોકરી કરતી એકલી રહે છે. બે રૂમના આ ઘરમાં પાતળી ગોદડીઓ પર પડી રહે છે. ઘરમાં પલંગ કે સારી પથારીઓ સુધ્ધાં નથી. છતાં તમને એવું લાગ્યું હોય તો તમારે એમને રાઈટીંગમાં નોટિસ આપવી જોઇએ. એમના ઘરમાલિકને જણાવવું જોઈએ. આજુબાજુવાળાં પાડોશીઓને પૂછપરછ કરવી જોઈએ અને પછી કંઈ તથ્ય લાગે તો સૌજન્યપૂર્વક પગલાં (Action) લેવાય. અને…હજી પેલી છોકરી અને એના કહેવાતા બોયફ્રેન્ડ કે માસીના દીકરાને તો તમે સાંભળ્યાં જ નથી. આમ આ રીતે સવારના પહોરમાં નીતિ અને ચારિત્ર્યના રખેવાળ બનીને ‘તુમ ધંધા કરતી હો’ જેવા હીન શબ્દપ્રયોગ કરીને કોઈ સ્ત્રી ઉપર આક્ષેપ મૂકવાનો તમને કોઈ અધિકાર નથી.’

પછી તો પેલો મદ્રાસી અને પંજાબી મારી પર જ તૂટી પડ્યા. ‘જુઓ નયનકુમાર, તમે બે માસ માટે અમદાવાદ આવ્યા છો; તો શાંતિથી ચૂપચાપ રહો. અમારી વાતમાં તમારે પડવાની જરૂર નથી. તમારે અમેરિકામાં ગમે તેમ ચાલતું હશે. અહીં નહીં ચાલે. યે તો શરીફોંકી બસ્તી હૈ….નાહક પોલીસકેસના બખેડામાં ફસાઈ જશો તો તમારી રીટર્ન ટિકિટ કેન્સલ કરાવવી પડશે…’ વગેરે…વગેરે…

પછીની વાત ટૂંકી છે. પેલો છોકરો એની મોટરસાઇકલ લેવા આવ્યો તો એને લેવા ન દીધી. અઠવાડિયા સુધી ધક્કા ખવડાવ્યા. પેલી શીતલ તો પાછી સોસાયટીમાં આવી જ નહીં. બાકીની બે પણ ડરની મારી ચાલી ગઈ.

બિચારી ચારેય ચકલીઓ ઊડી ગઈ. માળો ખાલી થઈ ગયો.

હજી આપણી માનસિકતા બદલાઈ નથી. એકલી રહેતી સ્ત્રીને કોઈ પુરુષ મળવા આવે, તો એ સ્ત્રીના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવામાં આવે છે. અમેરિકામાં પણ આપણાં દેશી બૈરાંની માનસિકતા આવી જ છે. એકલી રહી ને જૉબ કરતી કોઇ અપરિણીત કે ડાયવોર્સી સ્ત્રીના ઘેર કોઈ પુરુષમિત્ર આવે તો પડોશમાં રહેતી મંછાડોશીઓ કાનફૂસિયાં કરે જ છે અને મંદિરો કે સિનિયર્સની મિટીંગોમાં ઝેર ઓકતી જોવા મળે છે.

મને હજુ એ નથી સમજાતું કે પુખ્ત વયનાં સ્ત્રીપુરુષ નિર્દોષભાવે એકબીજાંને મળતાં હોય તો કહેવાતા એ ચોખલિયાં લોકોનાં ધર્મ અને સંસ્કૃતિનું કયું આભ તૂટી પડે છે ?

અહીં અમેરિકામાં પણ એક સ્ત્રીમિત્રને મળવા એના એપાર્ટમેન્ટ પર જઈ નથી શકાતું. એના એપાર્ટમેન્ટની બહાર કોઈ રેસ્ટોરન્ટના પાર્કીંગ લોટમાં એની રાહ જોવી પડતી હોય છે. પછી એને ફૉન કરીને જાણ કરતાં એ ચાલીને બહાર આવીને કારમાં બેસી જાય છે.

-નવીન બેન્કર

નોંધ :- અત્રે પાત્રોનાં નામ બદલવામાં આવ્યાં છે.

Advertisements